Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

ખોટા આધાર કાર્ડ-પાન કાર્ડ બનાવી જમીન કૌભાંડના ગુનામાં પકડાયેલ આરોપીની જામીન અરજી રદ

રાજકોટ તા. રરઃ ખોટા આધાર કાર્ડ, પાનકાર્ડ બનાવી જમીન વેચાણ કરવાનું કૌભાંડ આચરનાર આરોપીની ચાર્જશીટ પછીની જામીન અરજી રદ કરવાનો સેસન્સ કોર્ટે હુકમ કર્યો હતો.

રાજકોટ તાલુકાના ગામ રાણપુર નવાગામ ખાતેની જમીન સર્વે નં. ૧૧૦ એકર ર-ર૧ ગુંઠા વાળી જમીનના માલીકોના નામના ખોટા આધારકાર્ડ તથા પાનકાર્ડ બનાવી તે જમીન માલીકોના નામના આધાર કાર્ડ પાન કાર્ડમાં પોતાના ફોટા લગાવી મુંબઇ ખાતે આવા ખોટા આધાર કાર્ડ, પાન કાર્ડ બનાવી જમીન માલીકોની ખોટી સહીઓ કરી સાટાખત બનાવી તેમજ વેચાણ અંગેની નોટીસ પ્રસિધ્ધ કરાવી જમીન વેચાણ કરવાનું કૌભાંડ આચારનાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કરેલ.

જેલમાંથી આરોપી અલ્પેશ કિશનકુમાર સીમરીયા રહે. કિશનનગર-૧ થાણે, મુંબઇ વાળા એ ચાર્જશીટ પછી જામીન ઉપર છુટવા જામીન અરજી કરતા સરકારી વકીલે વિરોધ નોંધાવેલ અને રજુઆત કરેલ કે આવા ગુન્હેગારોને જામીન આપવા જોઇએ નહીં અને તેને જામીન આપવામાં આવશે તો તેઓને કાયદાનો કોઇ ડર રહેશે નહીં તે રજુઆતને ધ્યાને લઇ સેસન્સ જજ શ્રી બી. બી. જાદવે જામીન અરજી રદ કરેલ છે.

આ કામમાં સરકાર તરફે સરકારીવકીલ મુકેશભાઇ પીપળીયા રોકાયેલ હતા.

(4:35 pm IST)