Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

ઓલ ઇન્ડિયા બાર કાઉ.ની પરિક્ષા પાસ નહિ કરનાર ગુજરાતના પાંચ હજાર વકીલો વકીલાત કરી શકશે નહિ

રાજકોટ,તા. ૨૨ : ઓલ ઇન્ડિયા બાર એકઝામની બે વર્ષમાં પરીક્ષા પાસ ન કરનારા ધારાશાસ્ત્રીઓએ કોર્ટમાં પ્રેકટીસ ન કરવાનું બાર કાઉન્સીલે ફરમાન જાહેર કર્યું છે. આવા પાંચ હજારથી વધુ વકીલો છે જે પ્રેકટીસ નહિ કરી શકે.

બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા દ્વારા એપ્રિલ-૨૦૧૦ થી એડવોકેટ એકટની કલમ -૪૯ હેઠળ બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાની મળેલ સત્તાની રૂઇએ એવો નિયમ બનાવેલ કે, દેશના કોઇ પણ રાજયમાં ગ્રેજ્યુકેશન પછી ત્રણ વર્ષ અને ધો.૧૨  પછી પાંચ વર્ષનો ઇન્ટીગ્રેટેડ એલ.એલ.બી. નો અભ્યાસ કર્યા બાદ કોઇ પણ સ્ટેટ બાર કાઉન્સીલમાં એડવોકેટ તરીકેની નોંધણી કરાવે ત્યારબાદ તેણે દેશની કોઇ પણ અદાલતમાં ધારાશાસ્ત્રી તરીકેની પ્રેકટીસ કરવી હોય તો ઓલ ઇન્ડિયા બાર એકઝામ (A.I.B.E.)ની પરીક્ષા પાસ કરવી ફરજીયાત બનાવવામાં આવેલ. પરંતુ સાથો-સાથ બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા દ્વારા એવો પણ નિર્ણય કરવામાં આવેલ કે કોઇ પણ સ્ટેટ બાર કાઉન્સીલમાં નોંધણી કરાવનાર ધારાશાસ્ત્રીએ જો તેમણે નોંધણી કરાવ્યા બાદ કોર્ટમાં પ્રેકટીસ કરવી હોય તો સ્ટેટ બાર કાઉન્સીલમાં અન્ડરટેકીંગ આપીને બે વર્ષ માટે પ્રોવિઝનલ પ્રેકટીસ સર્ટીફીકેટ મેળવીને બે વર્ષ માટે વકીલાત કરી શકે છે. પરંતુ આવા પ્રોવિઝનલ પ્રેકટીસ સર્ટીફીકેટ મેળવનાર ધારાશાસ્ત્રીઓ બે વર્ષમાં ઓલ ઇન્ડિયા બાર એકઝામ (A.I.B.E.)ની પરીક્ષા પાસ ન કરે તો તેવા ધારાશાસ્ત્રીને કોઇ પણ અદાલતમાં વકીલાત કરવાનો હક્ક રહેતો નથી. અને તેવા ધારાશાસ્ત્રી જ્યા સુધી ઓલ ઇન્ડિયા બાર એકઝામ (ખ્.ત્.ગ્.ચ્.)ની પરીક્ષા પાસ ન કરે ત્યાં સુધી પ્રેકટીસ કરવા માટે હક્કદાર બનતા નથી.

બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા દ્વારા સામાન્ય રીતે દર વર્ષે એક થી બે વખત (A.I.B.E..)ની પરીક્ષા સંજોગો અનુસાર લેવામાં આવી હોય છે. તેમજ અત્યાર સુધીમાં કુલ -૧૬ વખત આ પરીક્ષા લેવામાં આવી છે અને દેશની ૯ ભાષામાં ૨૦ કાયદાઓના વિષયો પર ૧૦૦ માર્કસની પરીક્ષા લેવામાં આવતી હોય છે અને દરેક ધારાશાસ્ત્રીએ તેમા ૪૦ ગુણ મેળવવા ફરજીયાત હોય છે.બાર કાઉન્સીલ ઓફ ગુજરાતનાં એનરોલમેન્ટ કમિટીનાં ચેરમેન શ્રી અનિલ સી.કેલ્લા અને કમિટીનાં સભ્યશ્રી દિપેન કે. દવે કે. દવેએ જણાવ્યુ છે.

ગુજરાતમાં દર વર્ષે આશરે પાંચ હજાર જેટલા ધારાશાસ્ત્રી તરીકેની નોંધણી કરાવનાર તેમજ અને ઓલ ઇન્ડિયા બાર એકઝામ (A.I.B.E..)ની પરીક્ષા પાસ ન કરનાર ધારાશાસ્ત્રીઓ આ પરીક્ષામાં બેસતા હોય છે. ગુજરાતમાં અમદાવાદ, વડોદરા અને રાજકોટ ખાતે આ પરીક્ષા લેવામાં આવતી હોય છે. બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા સને ૨૦૧૦ થી નોંધાયેલ આશરે ૫૦,૦૦૦ જેટલા ધારાશાસ્ત્રીઓએ આ પરીક્ષા આપેલ છે. અને જેમાં આશરે ૫૦૦૦ ઉપરાંતના ધારાશાસ્ત્રીઓએ પ્રોવિઝનલ પ્રેકટીસ સર્ટીફીકેટ મેળવ્યા બાદ પણ ઓલ ઇન્ડિયા બાર એકઝામ (A.I.B.E..)ની પરીક્ષા પાસ કરી શકેલ નથી. જેથી તેવા ધારાશાસ્ત્રીઓને ગુજરાત સહિત દેશની કોઇ પણ અદાલતમાં વકીલાત કરવાનો હકક કે અધિકાર ન હોય આવા ધારાશાસ્ત્રીઓએ ઓલ ઇન્ડિયા બાર એકઝામ (A.I.B.E..)ની પરીક્ષા પાસ ન કરે ત્યાં સુધી કોઇ પણ અદાલતમાં વકીલ તરીકેની પ્રેકટીસ કરવી નહી તેવો આદેશ આપવામાં આવે છે. અને આ નિયમનો ભંગ કરનાર સામે બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવેલ છે.

(3:42 pm IST)