Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

રૂા.૬.૬૦ લાખથી વધુ રકમના ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની સજાનો હુકમ ફરમાવતી રાજકોટ નેગોશિયેબલ કોર્ટ

રાજકોટ,તા.૨૨: ચેક રીર્ટન કેસમાં રાજકોટના  ચાની હોટલ ધરાવતા રાજુભાઈ ગગજીભાઈ ઓળકીયાને ૧ વર્ષની સજાનો હુકમ રાજકોટ નેગોશીયેબલ કોર્ટે ફરમાવેલ છે.

આ કેસની ટુંકમાં હકિકત એવી છે આ કામના ફરીયાદી રવિભાઈ કિશોરભાઈ પાલા, સોની બજાર રાજકોટ ખાતે સોના ચાંદીના ઘરેણા બનાવી વેપાર- ધંધો કરે છે અને આ કામના આરોપી રાજુભાઈ ગગજીભાઈ ઓળકિયા બંને વચ્ચે ઓળખ અને મિત્રતાના સંબંધ હોય અવાર નવાર સોના ચાંદીના દાગીના ફરીયાદી પાસે ઘડાવતા તથા ખરીદ કરતા હતા અને અગાઉ પણ આરોપીએ ફરીયાદી પાસે તેમના કુટુંબીજનોના દાગીના ઘડાવેલ અને ખરીદ કરેલ.

ત્યારબાદ તા.૧૩-૦૨-૨૦૧૯ના રોજ આરોપીએ તેમના પિતા ગગજીભાઈની હાજરીમાં ફરીયાદીને સોનાના દાગીના ઘડવાનો ઓર્ડર આપેલ અને તે મુજબ ફરીયાદીએ ઓર્ડર મુજબના સોનાના દાગીના ઘડી આપેલ અને તેના ચુકવણા પેટે આરોપીએ રકમ રૂા.૬,૬૬,૧૨૪-૫૦/- પુરા ચુકવવાના થતા હતા. જેથી આ કામના આરોપી રાજુભાઈ ગગજીભાઈ ઓળકીયાએ બે અલગ- અલગ ચેકો આપેલ જે ફરીયાદીએ વટાવવા માટે નાખતા રીર્ટન થયેલા હતા.

ચેકો રીર્ટન થયા અંગેની ફરીયાદીને થતા તેઓએ પોતાના વકીલશ્રી મારફત આરોપીને લીગલ નોટીસ પાઠવેલ તેમ છતાં આરોપી દ્વારા રકમનું ચુકવણું કરવામાં  ન આવતા ફરીયાદીએ પોતાના વકીલ પરેશ એન. કુકડીયા મારફત રાજકોટની નેગોશીયબલ કોર્ટમાં ફરીયાદ દાખલ કરેલ.

ઉપરોકત કેસ ચાલી જતા ફરિયાદીના વકિલશ્રીની રજુઆતો, ધારદાર દલીલો તથા વિવિધ હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈ રાજકોટ નેગોશિયેબલ કોર્ટના જજશ્રી જી.ડી.પડીયા દ્વારા આરોપીને તકસીરવાન ઠરાવી ૧ વર્ષની સાદી કેદની સજા તથા ૩૦ દિવસ સુધીમાં ચેક મુજબની રકમ ચુકવવામાં ન આવેતો વધુ ૧ માસની સાદી કેદની સજાનો હુકમ કરેલ છે.

આ કામમાં ફરિયાદી વતી રાજકોટના વકિલ પરેશ એન. કુકડીયા, અનિમેષ એચ. ચૌહાણ, સુહેલ એ. પઠાણ, જયદીપ એમ. કુકડીયા, પાર્થ બી. કોટક તથા સહાયક તરીકે વિશાલ જોગરાણા રોકાયેલા હતા.

એડવોકેટ

પરેશ એન. કુકડીયા

(3:43 pm IST)