Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

અદકેરો સંગીત અને નાટયકર્મી સ્‍વ. રમેશ કડવાતર

ભીલ સમાજના આ રીક્ષા ચાલકે જીવન નિર્વાહ સાથો સાથ જીવનભર નાટય અને સંગીત સેવાની રીક્ષા પણ ચલાવ્‍યે રાખી

કોઇપણ વિશિષ્‍ટ આવડતના ગુણો હોવા માટે કોઇ ખાસ જ્ઞાતિકે સમાજના જ હોવુ જરૂરી નથી. નહિતર તા. ૨૦-૬ના દિને દિવંગત થયેલ રાજકોટના આદિવાસી ભીલ જેવા કહેવાતા પછાત સમાજના એક રીક્ષા ચાલક સ્‍વ. રમેશ કડવાતરમાં નાટક સંગીત નૃત્‍ય અને લેખન જેવા વિધવિધ વિશિષ્‍ટ કલા ગુણો વિકસ્‍યા જ ન હોત.
આ રમેશમાં બાળપણથી જ ઢબુરાયેલ આ કલા બીજ અંકુરીત થયુ રાજકોટની બાળ પ્રવૃતિઓની સંસ્‍થા બાલભવનના બાળ તખ્‍તે ૧૯૫૮ થી ૬૦-૬૧ દરમ્‍યાનના આ સંસ્‍થાની કુદરતની કરામત સૌથી મોટો મંત્ર વિ. જેવા પાંચેક બાળ નાટકોમાં અભિનય બાદ, યુવા થતાં પોતાના ‘‘આર-કે ગૃપ''બેનરમાં, નાટય નિર્માણ, અભિનય, લેખન તથા દિગ્‍દર્શન સાથોસાથ સંગીત ક્ષેત્રે પણ રમેશ પ્રવૃત થયો. તેની આ દીર્ધ કલા સેવાઓ દરમ્‍યાન ં  સ્‍વયં લેખિત તથા પ્રવિણ  સોલંકી, પ્રબોધ જોષી, અને વિહંગ મહેતા જેવા માહિર નાટય લેખકોના નાટકો જેવા કે અંધારી ગલી, જશોદાના લાલ, લાખણની કટાર, ઉઘાડી બારી, એક માળાના પંખી, અમોધ શષા, મુઠ્ઠીભાર સપનું, ચિતરેલા મોરનો ટહુકો, માણસ હોવાનો ડંખ, આ ફેલીલી ફેન્‍ટાસ્‍ટીક છે. અમારી-તમારી દુનિયા (મૂળ નટ્‍ સમ્રાટ) અને ૨૦૨૧માં યે અકાદમી સહાયથી પતિકુલ, પત્‍નિ પાવર ફુલ જેવા ઘણા નાટય સર્જનમાં દિગ્‍દર્શન તથા તે તમામમાં મુખ્‍ય ભૂમિકાઓનો નોંધનીય ત્રિવેણી સંગમનો પરિચય આપ્‍યો. સૌરાષ્‍ટ્ર સંગીત નાટક અકાદમી અન્‍ય સંસ્‍થાઓ તથા રાજય સરકાર યોજીત ઘણા પ્રયાસ  લક્ષી નાટકોમાં તેના અભિનય સેવા લેવામાં આવતી. ઠીકાઠીક પારિતોષિકો પામ્‍યા. ‘‘ચિત્રલેખા'' જેવા માતબાર અઠવાડિકના તે વખતના પ્રતિનિધિ શ્રી કૌશિક મહેતાએ (ફુલછાબના વર્તમાન તંત્રીશ્રી) ભીલ સમાજના રીક્ષા ચાલક કલાકાર તરીકે સુંદર મુલાકાત રજુ કરી, તેની કલાને વધાવી પ્રશસ્‍તિ આપી હતી આજથી બારેક વર્ષ પૂર્ણ.
 નાટય સમાન્‍તર હિન્‍દી -ગુજરાતી ફિલ્‍મી-નોન ફિલ્‍મી, રફીજી , મન્નાડે તથા કિશોર કુમાર સ્‍વરના ગીતોના દેશ સાથોસાથ બહેશીન દુબઇમાં ૭૫૦થી વધુ કાર્યક્રમો રજુ કર્યા. અગિ્નકાલ, મોતી વેરાણા ચોકમાં તથા પાળીયાનો પડકાર વિ. ફિલ્‍મોમાં અભિનય ઉપરાંત કવ્‍વાલી,દિગ્‍દર્શક તરીકે પણ હાથ અજમાવ્‍યો. ટીવી ક્ષેત્રે રાજકોટ-અમદાવાદ  દુરદર્શનના સંખ્‍યાબધ્‍ધ નાટકો, ટેલીફિલ્‍મસ તેમજ ઝી ટીવીની જય સ્‍વામિનારાયણ સીરીયલમાં પણ અભિનય કર્યો.અનેક પ્રાઇવેટ ઓડિયો-વિડીયો  આલ્‍બંમ્‍સમા અભિનય, દિગ્‍દર્શન તથા સંગીતમાં કાર્યરતતા રહી. ફિલ્‍મ સંગીતકારોના સહાયક તરીકે પણ કવચિત જવાબદારીઓ પારપાડી જાણી.
આ નોંધ આપનારની  સાથોસાથ જ બાલભવનમાં પોતાની નાટય સંગીત યાત્રા આરંભિત કરનાર, દીર્ઘકાલિન કલામિત્ર રહેનાર રમેશને તેની ૫૦-૬૦ વર્ષની નાટય સંગીત સેવાઓ બદલ નાટય ચરિટેબલ ટ્રસ્‍ટ, મોરબી, રામજી વાણીયા સ્‍મૃતિ સંસ્‍તાન તથા ત્રણેક માસ પૂર્વે જ મનસુર ત્રિવેદીના મેલોડી મેકસેના સંગીત કાર્યક્રમમાં સરગમ કલબના ગુણુભાઇ ડેલાવાળા, મનસુર ત્રિવેદી તેમજ નાટય ફળિયાના નાટયકાર કૌશિક સિંધવ જેવી સંસ્‍થાઓ- સંચાલકોએ તથા ૨૦૧૪માં પૂ. મોરારીબાપુ હસ્‍તે સન્‍માન કરવામાં આવ્‍યુ હતું. પણ ગૌરવ પુરસ્‍કારનું સન્‍માન તો જાણે વ્‍હેંત છેટુ જ રહી ગયું.
લાઇફ ટાઇમ અપરણિત રમેશને છેલ્લા બે વર્ષના કોરોના લોક ડાઉનને કારણે રીક્ષા બંધ રહેતા આર્થિક  સ્‍થિતિ કથળ્‍યા સમયે અચાનક ત્રીજા-ચોથા સ્‍ટેજનું કેન્‍સર ડીટેકટ થતા આ પીેઢ કલાકારની પડતાપર પાટું જેવી હાલત થઇ ગઇ હતી. એકાદ-બે વર્ષ પહેલા તો તેના એક ભાઇનુ પણ કેન્‍સરમાં નિધન થયુ હતું.  અત્‍યંત આર્થિક તથા ઘરેલુ વિપરીત સ્‍થિતિમાં, પોતાની રીક્ષાની કમાણી પણ નાટકો સર્જવામાં વાપરનાર આ ભેખધારી કલાકારનું જાન્‍યુ. ૨૨માં જ ડોકટરોએ છ-આઠ માસની આયુ બાકી હોવાનું જણાવી દીધુ હતું. એવે વખતે સાંધ્‍ય અખબાર અકિલા, જાણીતા પત્રકાર મનોજ જોષી- તેના બાળ સખા (આ લખનાર) તથા  રમેશ સાથેની દોસ્‍તી ના ઉદાહરણ રૂપ મિત્ર ઇસાભાઇ દલ તથા તેના ફેમિલીના સભ્‍યો રમેશની બિમારીના અંતિમ સમયમાં સેવા સુશ્રૃષા અને સારવારમાં સર્જન સહકાર અને હુંફ આપતા રહ્યા હતા.
૭૫ વર્ષિય સ્‍વ. રમેશની"NO return exit"રાજકોટના સૌ નાટય-સંગીત કર્મી માટે વસમી એટલા માટે ફીલ થશે કેમકે તે હવે પછી કયારેય તખ્‍તાપર ગીતો ગાતો કે વિવિધ ભૂમિકાઓ ભજવતો જોઇ નહી શકાય.. ઇશ્વર ઇચ્‍છા બલિયસી  બીજુ શું???

સ્‍વ. રમેશે અંતિમ દિવસોએ લખી મોકલી હતી આવી ભીની ભીની અને દર્દભરી કાવ્‍ય રચનાઓ
(૧) અલી વાયુની ની લહેર એક મીઠી મધુરી સલામ મારી લેતી જાજેરે.... ગુજરજે સખાની શેરીથી સલામ દેતી જાજેરે... અલી વાયુની લહેર... ભુલ્‍યેના ભૂલાય કદી , એ આપણા  નાનપણની રાતો, દાદાને દાદી જયારે કહેતા, રાજારાણીની વાતો એ વાતો કહેતી જાજેરે અલી વાયુની લહેર.....એયને જાગવુ વ્‍હેલી સવારે, ને ભાગવુ વગડા કેરી વાટે, વ્‍હેતા ઝરણાની છોળે, ભીંજવવા એકબીજાન, એ યાદ તુ સૌને દેતી જાજા રે... અલી વાયુની લહેર....
(૨) સૂરજમુખી સમી મારી આ જીંદગી, સૂર્યોદય, મધ્‍યાન્‍હ...અને હવે અસ્‍ત ચળના આરે જાણે હુ રાહ જોવ છુ કયાક જવાની ...
કેન્‍સરની કેવી ખુમારી, જીવનની મારામારી ચડયા છે સોજા પગમાં, કમળો પણ રગે રગમાં પ્રોબ્‍લેમ ઘણા થયા છે, કીડની કેરા સઘળા
પ્રભુ કૃપા મોટી, વાત નથી આ ખોટી આપ્‍યુ છે એમણે દિલથી, હવે પાછું ચૂકવુ છુ બીલથી. કેન્‍સરની આ કેવી ખુમારી, જીવનની મારામારી  
                         રચિયતા : રમેશ- વિષ્‍ણુ  

આવતીકાલે બેસણું
રાજકોટ : પીઢ નાટયકાર લેખક - ગાયક સ્‍વ.રમેશભાઈ રવજીભાઈ કડવાતર (ઉ.૭૫) તે હેમેન્‍દ્રભાઈ, અનિલભાઈ અને સ્‍વ. કિશોરભાઈના વડીલબંધુ તથા વિશ્વ અને યુવા નાટયકાર નીરજ કડવાતરના ભાઈજીનું બેસણું કાલે તા.૨૩ના ગુરૂવારે સાંજે ૪ વાગ્‍યે ભીલવાસ, શેરી નં. ૩ ખાતે રાખેલ છે. (મો.૯૫૫૮૦ ૩૦૦૧૮)
 

 

નાટયાંજલિ
કૌશિક સિંધવ    
મો.૭૩૫૯૩૨૬૦૫૧

(4:22 pm IST)