Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

મોચી બજાર ચોક વિસ્તારમાં પાણીલાઈનમાં ભંગાણઃ વોર્ડ નં. ૨-૩ના અડધા વિસ્તારમાં પાણીના ધાંધિયા

શહેરના હોસ્પીટલ ચોકમાં ચાલતા બ્રિજની કામગીરીના કારણે મોચી બજાર ચોક વિસ્તારમાં શિફટ કરવા પાણીની લાઈનમાં ભંગાણ થતા મનપા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી તે વખતની તસ્વીર (તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ, તા. ૨૨ :. આજે વહેલી સવારે મોચી બજાર ચોક વિસ્તારમાં પાણીની લાઈનમાં ભંગાણ થતા વોર્ડ નં. ૨ના કાશી વિશ્વનાથ તથા વોર્ડ નં. ૩ના જંકશન, ગાયકવાડી, મોચીબજાર સહિતના વિસ્તારમાં પાણી વિતરણમા ધાંધીયા સર્જાયા હતા અને નવી શિફટ નાખવાની કામગીરી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે પાણીની લાઈનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ શહેરના હોસ્પીટલ ચોકમાં ટ્રાયએંગલ ઓવરબ્રિજનું નિર્માણ થઈ રહ્યુ છે ત્યારે આ વિસ્તારમાંથી પસાર થઈ રહેલ નવી શિફટ કરેલ પાણીની લાઈન પ્રેશરના કારણે છુટી પડી જવા પામી હતી. જેના કારણે આસપાસના રસ્તા પર પાણીની રેલમછેલ થવા પામી હતી. વધુમા આ વિસ્તારની મુખ્ય પાણીની લાઈનમાં ભંગાણ થતા વોર્ડ  નં. ૨ના કાશી વિશ્વનાથ પ્લોટ તથા વોર્ડ નં. ૩ના જંકશન, મોચી બજાર, ગાયકવાડી સહિતના વિસ્તારમાં પાણીના વિતરણમાં ધાંધીયા સર્જાયા હતા. આ ઉપરોકત ઘટનાની જાણ મ.ન.પા. તંત્રને થતા યુદ્ધના ધોરણે રીપેરીંગની કામગીરી હાથ ધરાઈ હતી.

વોર્ડ નં. ૨, ૩ ના કયા - કયા વિસ્તારમાં અસર

વોર્ડ નં. ૨માં કાશી વિશ્વનાથ પ્લોટ તરફના વિસ્તારો તથા શ્રોફ રોડ તરફના વિસ્તારોમાં તથા વોર્ડ નં. ૩મા જંકશન પ્લોટ, રેફયુજી કોલોની, હંસરાજનગર, લાલબહાદુર શાસ્ત્રી, કૈલાસવાળી, સિંધી કોલોની, કીટીપરા, જંકશન કો-ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી, કોઠી કમ્પાઉન્ડ, રૂખડીયાપરા, નારસંગપરા, ભીસ્તીવાડ, ગાયકવાડી, પરસાણાનગર, ટોપખાના વિગેરે વિસ્તારોમાં પાણી વિતરણમા ધાંધીયા સર્જાયા હતા.

(3:13 pm IST)