Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

હોસ્પિટલ ચોક બ્રિજનું કામ પૂરજોશમાં : જ્યુબિલી ગાર્ડન તરફના ભાગે ટુંક સમયમાં ગર્ડરો મુકાશે

હોસ્પિટલ ચોક - નાનામવા ચોકે બનનાર બ્રિજના કામની સમીક્ષા કરતા મ્યુ. કમિશનર

રાજકોટ તા. ૨૨ : મહાનગરપાલિકા દ્વારા સિવિલ હોસ્પિટલ ચોક ખાતેના ફલાયઓવર બ્રિજ માટે જામનગર રોડ પર આર.સી.સી. ગર્ડર બનાવવાની કામગીરી ચાલી રહી છે. મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ આજરોજ તા. ૨૨ના રોજ સવારે આ સ્થળની મુલાકાત લઈ ગર્ડર બનાવવાની કામગીરી નિહાળી હતી. આ ઉપરાંત નાનામવા ચોક અને રામદેવપીર ચોક ખાતે નિર્માણાધીન ફલાયઓવર બ્રિજની સાઈટની પણ મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી.

સિવિલ હોસ્પિટલ ચોક ખાતેના ફલાયઓવર બ્રિજ માટે જામનગર રોડ પર અન્ય એક સ્થળે આર.સી.સી. ગર્ડર બનાવવામાં આવી રહયા છે. જેમાં ૯૮ ગર્ડર તૈયાર થઇ ચુકયા છે. સિવિલ હોસ્પિટલ ચોકના આ થ્રી આર્મ ફલાયઓવરના જયુબિલી તરફના બ્રિજ પર ગર્ડર મુકવાનું હવે શરૂ થશે. ક્રેઇનની મદદથી ૩૨ ગર્ડર શિફટ કરવાનું શરૂ કરવામાં આવી રહેલ છે.

નાનામવા ચોક અને રામદેવપીર ચોક ખાતેના ફલાયઓવર માટે બ્રિજના ફાઉન્ડેશન સંબંધી કામગીરી ચાલી રહી છે. કમિશનરશ્રીએ આ પ્રોજેકટ સંબંધી જો કોઈ પ્રશ્ન હોય તો તુર્ત જ રજુ કરવા તેનો નિકાલ કરવા અને આ કામો ઝડપભેર આગળ ધપાવવા જરૂરિયાત મુજબ મેનપાવર અને મશીનરી વધારવા સૂચના આપી હતી.

મ્યુનિ. કમિશનરશ્રીની આ સાઈટ વિઝિટ દરમ્યાન એડી. સિટી એન્જી. એચ.યું.દોઢિયા, ડેપ્યુટી એન્જિનિયરો શ્રીનિવાસન અને અજય પરમાર, અને પી.એ.(ટેક) ટુ કમિશનર રસિક રૈયાણી અને એજન્સીના પ્રતિનિધિઓ હાજર રહયા હતાં.

(3:54 pm IST)