Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

પ્રકાશ ભુવા અને રણજીત ભુવાના ધતીંગ ઉપરનો પડદો ઉચકતી વિજ્ઞાન જાથા

એક હેડ પોષ્ટ ઓફીસ પાસે પુરી શાકની રેકડી ચલાવે છે અને એક બટાટાની રીક્ષા ચલાવે છે : કામરૂ દેશની જયોતિષ વિદ્યા જાણતા હોવાની વાત ઉપજાવી હતી : છેતરાયાનું અનુભવનાર બોધાભાઇએ વિજ્ઞાન જાથાને માહીતી આપતા ઓપરેશન હાથ ધરાયુ : ૧૧૮૦ મો સફળ પર્દાફાશ

રાજકોટ તા. ૨૨ : નિર્દોષ ભોળા લોકોને છેતરનારાઓને ખુલ્લા પાડતી ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા ૧૧૮૦ મો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

રાજકોટમાં હેડ પોષ્ટ ઓફીસ પાસે પુરી શાક અને ચાપડી ઉંધીયુની લારી ચલાવતા પ્રકાશભાઇ જયંતિભાઇ ચૌહાણ  રહે. રાજીવનગર હાલ વૈશાલીનગર-૩ દોરા ધાગા અને કામરૂ જયોતિવિદ્યાના આધારે દુઃખ દુર કરવાનું કામ કરતા હોવાની વાતથી બોઘાભાઇ શિવાભાઇ બટેટાવાળા ભોળવાઇ ગયા હતા.

જાથાની યાદીમાં જણાવ્યા મુજબ બોઘાભાઇ બટેટાવાળાને ત્યાં યાર્ડમાંથી રીક્ષા લઇને બટેટા ઠાલવવા આવતા રણજીતભાઇની વાતોમાં આવી પ્રકાશભાઇ પાસે જોવરાવવાનું કામ કરાવવા ગયા હતા. દુઃખ દુર કરી આપવાની વિધી માટે પશુબલી અને ત્રાટક વિધિની વાત કરી કટકે કટે ત્રણ વખત રોકડ રકમ ઉઘરાવી હતી. જેમાં બે દારૂની બોટલના રૂ. ૨૦૦૦ પણ ગણાવાયા હતા.

આ બધુ કર્યા પછી પણ ઘરમાં કઇ સારૂ ન નતા બોધાભાઇ છેતરાયા હોવાનો અનુભવ કરતા વિજ્ઞાન જાથાની કચેરીનો સંપર્ક કરી સઘળી હકીકત જણાવી હતી.

વિજ્ઞાન જાથાની ટીમે ગાંધીગ્રામ પોલીસની મદદ લઇ સમગ્ર ઓપરેશન પાર પાડયુ હતુ. જેમાં ભુવા પ્રકાશભાઇ અને તેમના પત્નીએ માફા માફી કરી ભુલ સ્વીકારી લીધી હતી. હવેથી લોકોને છેતરવા આવુ નહીં કરવા લેખિત આપ્યુ હતુ. સાથે તેમના માસાજી સસરા રણજીતભાઇ બચુભાઇ ભુવાએ પણ કબુલાત કરી હતી.

આ કાર્યવાહીમાં ગાંધીગ્રામ પોલીસ સ્ટાફનો સહયોગ રહ્યો હતો. રજે રજની માહીતી મેળવવામાં જાથા કાર્યાલયના અંકલેશ ગોહિલે જહેમત ઉઠાવી હતી. તેમ વિજ્ઞાન જાથાના રાજયના ચેરમેન જયંત પંડયા (મો.૯૮૨૫૨ ૧૬૬૮૯) ની યાદીમાં જણાવાયુ છે.

(12:58 pm IST)