Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

રૈયા સ્માર્ટ સીટી પ્રોજેકટની સાઇટ પરથી ઇલેકટ્રીક પોલને લગતો ૯.૭૯ લાખનો સામાન ચોરાઇ ગયો!

પ્રોજેકટનું કામ સંભાળતા એલએન્ડટી કંપનીના એકાઉન્ટ મેનેજર મુળ આંધ્રપ્રદેશના શ્રીનિવાસરાવ મુદ્રબોયેનની યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદઃ ગયા મહિને લાકડાના ૧૩ બોકસ તોડી ચોરી કરવામાં આવી

રાજકોટ તા. ૨૨: રૈયા સ્માર્ટ સીટીના પ્રોજેકટની સાઇટ પર પાઇપ યાર્ડમાં રખાયેલો ઇલેકટ્રીક પોલીસને લગતો રૂ. ૯,૭૯,૫૭૩નો સામાન ૮૩૪ નંગ કોઇ લાકડાના તેર બોકસ તોડીને ચોરી જતાં આ મામલે પ્રોજેકટનું કામ રાખનાર એલએન્ડટી કંપનીના એકાઉન્ટ મેનેજરે કંપનીમાંથી મંજુરી મેળવ્યા બાદ પોલીસને જાણ કરતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ચોવીસ કલાકની સિકયુરીટી હોવા છતાં આ ચોરી કઇ રીતે થઇ અને કોણ આટલો સામાન ચોરી ગયું? તેની તપાસ શરૂ કરવામાં આવી છે.

આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે કાલાવડ રોડ ઘનશ્યામનગર જમુના પાર્ક સોસાયટી બ્લોક નં. ૨૧માં રહેતાં મુળ આંધ્રપ્રદેશના ગુંટુરના જુપુડી ગામના વતની અને હાલ રૈયા સ્માર્ટ સીટી ખાતે એલએન્ડટી કંપનીમાં એકાઉન્ટ મેનેજર તરીકે નોકરી કરતાં શ્રીનિવાસરાવ રામૈયા  મુદ્રબોયેન (ઉ.વ.૪૬)ની ફરિયાદ પરથી ચોરીનો ગુનો નોંધ્યો છે.

શ્રીનિવાસરાવએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે હું બે વર્ષથી રાજકોટ પરિવાર સાથે રહુ છું અને એલએન્ડટી કંપનીમાં સાત વર્ષથી એકાઉન્ટ મેનેજર તરીકે નોકરી કરુ છું. હાલ અમારી કંપનીનું કામ રાજકોટ રૈયા સ્માર્ટ સીટી ખાતે બે વર્ષથી ચાલી રહ્યું છે. આ સાઇટ પર રૈયા સ્માર્ટ સીટીના પ્રોજેકટને લગતો સામાન રૈયા સ્માર્ટ સીટી વિસ્તારના પાઇપ યાર્ડમાં રાખવામાં આવે છે. આ પ્રોજેકટની સાઇટ પર અમે સિકયુરીટી ગાર્ડનો કોન્ટ્રાકટ નાઇટવોચ સિકયુરીટીને આપ્યો છે. આ સિકયુરીટી ૨૪ કલાકની હોય છે.

તા. ૫/૮/૨૧ના સવારે આશરે સાડા નવેક વાગ્યે હું રૈયા સ્માર્ટ સીટી ખાતે ગયો હતો અને અમારા ઇન્ચાર્જ અનિરૂધ્ધ તિવારીને મળ્યો ત્યારે તેણે વાત કરી હતી કે પાઇપ યાર્ડમાં રાખેલા લાકડના બોકસમાં ઇલેકટ્રીકલ પોલના સામાનના બોકસ તૂટેલી હાલતમાં છે. આથી હું અને ઇન્ડસ્ટ્રીયલ રિલેશનશીપ મેનેજર નિશાંતકુમાર સિંઘ પાઇપ યાર્ડ ખાતે ગયા હતાં. ત્યાં તપાસ કરતાં લાકડના ૧૩ બોકસ તૂટલી હાલતમાં હતાં.

આ બોકસમાં અલગ અલગ મટીરીયલ હતું જેમાં વીંચ એસએચડીઓ (૫૦૦ કિલો) ૧૭ નંગ રૂ. ૩,૨૭,૪૨૦, સ્પ્રોકેટ મોટર ૨૪ એમએમની નંગ-૩ રૂ. ૫૭૪૫, વાયર રોપ એન્ટ ટર્મ ૬એમએમના ૮ સેટ રૂ. ૮૯૫૧૨, ટ્રાયલીંગ કેબલ ૪૫૬ મીટર રૂ. ૨,૩૮,૦૩૨, ફાઉન્ડેશન બોલ્ટ રૂ. ૨,૬૪,૦૦૦ના, પાવર પ્લગ ૬પીન બે નંગ રૂ. ૫૪૭૨, તેમજ બોબીન સેટ, ડીજી કલેમ્પ, એસજી કલેમ્પ, સસ્પેન્સન સ્પેસર, ડીજી સીડબલ્યુ કલેમ્પ બોલ્ટ, અર્થીંગ બોલ્ટ, માસ્ટ ડોર કી, વિન્ચ બ્રેકેટ ફિકસીંગ એન્ડ મોટર માઉન્ટીંગ, મોટર માઉન્ટીંગ પ્લેટ એડસ્ટમેન્ટ બોલ્ટ, મોટર માઉન્ટીંગ પ્લેટ, માઉન્ટીંગ એસએસ એફટીએમ, પીવીસી બોર્ડ માઉન્ટીંગ એસએસ, બોલ્ટ ફોર લાઇટીંગ ફિન, યુ બોલ્ટ મળી કુલ રૂ. ૯,૭૯,૫૭૩ના ૮૩૪ નંગ સામાન ગાયબ જણાયો હતો.

ફરિયાદમાં શ્રીનિવાસરાવએ વધુમાં જણાવ્યું છે કે આ સામાનની ચોરી તા. ૪/૮/૨૧ના રાત્રીના સાડા આઠથી ૫/૮ના સવારના ૯/૩૦ વચ્ચેના સમયે થઇ હતી. જેની જાણ અમને અગાઉથી ન હોઇ તેમજ કંપનીમાંથી ફરિયાદ કરવાની મંજુરી મેળવવાની હોઇ જેથી જે તે વખતે ફરિયાદ કરી નહોતી. મંજુરી મળ્યા બાદ રૈયા સ્માર્ટ સીટી ખાતે એકાઉન્ટ ઓફિસર તરીકે કામ કરતાં દિવ્યાંગભાઇ કનાડા સાથે મળી અમે હવે ફરિયાદ કરી છે. આ સામાન કોણ ચોરી ગયું તેની અમને ખબર નથી.

પીઆઇ એ. એસ. ચાવડાની રાહબરીમાં પીએસઆઇ એ. બી. જાડેજાએ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. 

(3:53 pm IST)