Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

‘દૂધ વિતરણ બંધ' અંતર્ગત બે સ્‍થળે ટોળાએ ગાડીઓ રોકી દૂધ-છાસ-ઘોરવું ઢોળી નાખ્‍યાઃ એરપોર્ટ રોડ પર દૂધની થેલીઓ ઢોળી

મુંજકા, વાજડી ચોકડીએ ટોળાઓએ મધર ડેરી અને મીરા ડેરીની ગાડીઓ રોકી નુકસાન કર્યુઃ અજાણ્‍યા બે ટોળા સામે બે ગુના નોંધાયા : બેડી ગામે હોટલ બંધ કરાવવા નીકળેલા માલધારી પ્રોૈઢ અને હોટલ સંચાલક આહિર યુવાન વચ્‍ચે થઇ મારામારી

એરપોર્ટ રોડ પર આવેલા રાજકોટ ડેરી નામના દૂધ પાર્લર પર ટોળાએ પહોંચી દૂધની થેલીઓ ઢોળી નાખી નુકસાન કર્યુ હતું. તસ્‍વીરમાં દૂધ પાર્લર, તેના સંચાલક અનિશ લાખાણી અને બનાવ સ્‍થળે પહોંચેલી પોલીસ જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)
રાજકોટ તા. ૨૧: માલધારી સમાજે પોતાને થઇ રહેલા અન્‍યાય મામલે આજે દૂધ વિતરણ બંધનું એલાન આપ્‍યું હોઇ ગત રાતથી જ આ એલાનને સફળ બનાવવા માલધારી સમાજે સોૈને અપીલ કરી હતી. ચાની હોટલો પણ બંધ રાખવામાં આવશે તેવી જાણ આગેવાનોએ કરી હતી. જો કે શાંતિપુર્વક દૂધ વિતરણ બંધની વચ્‍ચે આગલી  રાતે મુંજકા ચોકડી અને વાજડી ચોકડીએ જુનાગઢની મધર ડેરીની ગાડી અને જામનગરની મીરા ડેરીની ગાડીઓને આંતરી દૂધ, છાસ, ઘોરવું ઢોળી નાંખી નુકસાન કર્યુ હતું. તો આજે સવારે એરપોર્ટ રોડ ફાટક નજીક રાજકોટ ડેરી નામના દૂધ પાર્લરમાં ટોળાએ પહોંચી દૂધની ૭૦ જેટલી કોથળીઓ ઢોળી નાંખી નુકસાન કર્યુ હતું. આ ઉપરાંત રાજકોટના ેબડી ગામમાં હોટલ બંધ કરાવવા નીકળેલા માલધારી સમાજના લોકો અને હોટલ સંચાલક આહિર યુવાન વચ્‍ચે મારામારી થતાં બંનેને હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં.
પ્રથમ બનાવમાં વાજડી ચોકડીએ ગાડી રોકી દૂધ-ઘોરવું ઢોળી નાંખી ટોળાએ નુકસાન કર્યુ હતું. આ  બનાવમાં જામનગરના લાખાબાવળ ગામમાં રહેતાં અને ડ્રાઇવીંગ કરતાં જયંતિ ભીખાભાઇ ગોહેલ (કોળી) (ઉ.૩૦)ની ફરિયાદ પરથી તાલુકા પોલીસે અજાણ્‍યા શખ્‍સો સામે આઇપીસી ૩૪૧, ૧૪૩, ૪૨૭ મુજબ ગુનો નોંધ્‍યો છે.
જયંતિભાઇએ જણાવ્‍યું હતું કે તા. ૨૦/૯ના સાંજે સાડા સાતેક વાગ્‍યે હું મીરા ડેરીની અશોક લેલન્‍ડ ગાડી નં. જીજે૦૩બીવાય-૨૦૫૬મા઼ દૂધની થેલીઓ તથા દહીં-છાસ ભરીને ગાડી ખાલી કરવા માટે રાજકોટ આવી રહ્યો હતો. મારી સાથે કપીલનભાઇ કાળુભાઇ જગતીયા હતાં. અમે કાલાવડ રોડ મેટોડામાં દહી ખાલી કરી રાતે સાડા બારેક વાગ્‍યે ઘોરવું અને દૂધ રાજકોટમાં પહોંચાડવા નીકળ્‍યા ત્‍યારે વીરડા વાજડી ગામ સામે રોડ પર દસેક જેટલા માલધારીઓના છોકરાઓએ અમારી ગાડી રોકી હતી અને દૂધની ગાડી રાજકોટ નહિ જાય તેમ કહી અમને નીચે ઉતારી અમારી ગાડીમાંથી દૂધ અને ધોરવું નદીના પુલમાં ઢોળી નાંખી ખાલી કેન તથા કેરેટ અમને આપીને જતાં રહ્યા હતાં.
આ દસ અજાણ્‍યા શખ્‍સોના નામ-સરનામામાની અમને ખબર નથી. આ બનાવ બન્‍યા બાદ અમે શેઠ તુલસીભાઇને ફોનથી વાત કરી હત. તેમજ ૧૦૦ નંબરમાં ફોન કરી પોલીસને જાણ કરી હતી. દૂધ અને ઘોરવું ઢોળી નાંખતાં આશરે ૨૯ હજારનું નુકસન થયું હતું. તાલુકા પીએસઆઇ પી. એમ. રાઠવાએ ગુનો દાખલ કરી અજાણ્‍યા શખ્‍સોની શોધખોળ હાથ ધરી છે.
બીજા બનાવમાં કાલાવડ રોડ પર મુંજકા ચોકડી નજીક બાર શખ્‍સોનું ટોળી ઓચીંતુ રોડ પર ધસી આવ્‍યું હતું અને જુનાગઢની મધર ડેરીના  વાહનને અટકાવી તેમાંથી દૂધની થેલીઓના કેરેટ કાઢી થેલીઓ નદીમાં ફેંકી દીધી હતી. આ મામલે યુનિવર્સિટી પોલીસે ૧૨ અજાણ્‍યા શખ્‍સો વિરૂધ્‍ધ રૂા. ૨૯૩૩૦નું દૂધ નદીમાં વહાવી દઇ નુકસાન પહોંચાડયાનો ગુનો નોંધ્‍યો છે. બનાવની જાણવા મળેલી વિગત મુજબ મુળ યુપીના સંતકબીર દાસનગરમાં રહેતાં હવાલદારસિંગ આચ્‍છેવરસિંગ પુરે મુડીયા -રાજપૂત (ઉ.વ.૩૮) નામના યુવાન હાલ જુનાગઢ ખાતે મધર ડેરીમાં દૂધની ગાડી ચલાવવાની નોકરી કરે છે. આ મધર ડેરીના પ્રિયા ટ્રાન્‍સપોર્ટના માલિક પોપટભાઇ દલસંગભાઇ ચોૈધરી છે. તા. ૨૦/૯ના રાતે સાડા નવેક વાગ્‍યે હવાલદારસિંગ ચોૈધરી મધર ડેરીની ગાડી નં. જીજે૦૨ઝેડઝેડ-૮૧૭૯માં દૂધ ભરી જુનાગઢથી રાજકોટ આવવા નીકળ્‍યા હતાં. આ દૂધ દિલ્‍હી નોઇડા ખાતે પહોંચાડવા માટેનું હતું. તેની સાથે મિત્ર નોૈશાદભાઇ પણ હતાં.
રાતે અઢી વાગ્‍યા આસપાસ દૂધના વાહન સાથે બંને રાજકોટ મુંજકા ચોકડી લક્ષ્મીનારાયણ સ્‍કૂલ પાસેના પુલ પર પહોંચ્‍યા ત્‍યારે ૧૨ જેટલા માલધારીના છોકરાઓએ ગાડી રોકી હતી અને આ દૂધની ગાડી આગળ નહિ જવા દઇએ તેમ કહી ડ્રાઇવર અને તેના મિત્રને નીચે ઉતારી મુક્‍યા હતાં. એ પછી વાહનમાંથી દૂધ કાઢી નદીમાં ઢોળી નાંખી રૂા. ૨૯૩૩૦નું નુકસાન કર્યુ હતું.
યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ એમ. આર. ઝાલાએ હવાલદારસિંગની ફરિયાદ પરથી ૧૨ અજાણ્‍યા શખ્‍સો સામે આઇપીસી ૩૪૧, ૧૪૩, ૪૨૭ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.  
ત્રીજા બનાવમાં શહેરના એરપોર્ટ રોડ પર મારૂતિનગર સામે આવેલા એક દૂધ પાર્લરમાં પંદર વીસ શખ્‍સોના ટોળાએ ધસી આવી પાર્લર સંચાલક સાથે લપ કરી એક એક લિટરની દૂધની ૭૦ જેટલી કોથળીઓ ઢોળી નાખી નુકસાન કર્યુ હતું. જો કે પાર્લર સંચાલકે આ મામલે કોઇ ફરિયાદ નોંધાવી નથી.
જાણવા મળ્‍યા મુજબ અનિશભાઇ મહેબૂબભાઇ લાખાણી નામના યુવાન સવારે એરપોર્ટ રોડ પર આવેલા પોતાના રાજકોટ ડેરી નામના દૂધના પાર્લર પર હતાં ત્‍યારે પંદર વીસ જેટલા શખ્‍સો આવ્‍યા હતાં અને  આજે દૂધ વિતરણ બંધ રાખવાનું છે છતાં તમે કેમ દૂકાન ખુલ્લી રાખી દૂધ વેંચો છો? તેમ કહેતાં અનિશભાઇએ અમને કોઇ સત્તાવાર રીતે જાણ કરવામાં આવી નહોતી. આમ છતાં તમે કહેતાં હો તો વિતરણ બંધ કરી દઉં તેમ જણાવતાં આ શખ્‍સોએ તેની વાત સાંભળી નહોતી અને દૂકાન અંદર ઘુસી ફ્રીઝમાંથી દૂધની થેલીઓ કાઢી બહાર લઇ જઇ તોડીને દૂધ ઢોળી નાંખ્‍યું હતું.
અનિશભાઇના કહેવા મુજબ એક એક લિટરના દૂધની સિત્તેર જેટલી થેલીઓ હતી તે ઢોળી નાંખી નુકસાન કરીને આ શખ્‍સો ભાગી ગયા હતાં. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી. જો કે અનિશભાઇએ હાલ ફરિયાદ નોંધાવવાનો ઇન્‍કાર કર્યો હતો. ટોળામાં સામેલ શખ્‍સો ટુવ્‍હીલર પર આવ્‍યા હતાં. આસપાસમાં કોઇ સીસીટીવી ફૂટેજ ન હોઇ પોલીસે ટોળુ જે તરફથી આવ્‍યું હતું એ તરફના રસ્‍તાઓ પર કેમેરા ચેક કરવા તજવીજ હાથ ધરી છે.
આ બનાવ સંદર્ભે શહેરના માલધારી આગેવાનને પુછવામાં આવતાં તેમણે કોઇપણ જાતની બળજબરી થઇ હોવાના વાવડ નહિ હોવાનું અને શાંતિપુર્વક વિરોધ કરવામાં આવી રહ્યાનું જણાવ્‍યું હતું.  અ રોડ પર પોલીસની પીસીઆર હોલ્‍ટ રાખવામાં આવી હતી.
જ્‍યારે ચોથા બનાવમાં રાજકોટના મોરબી રોડ પરના બેડી ગામમાં શિવશક્‍તિ હોટલ ધરાવતાં ચનાભાઇ હકુભાઇ મુંધવા (ઉ.વ.૪૯) નામના ભરવાડ પ્રોૈઢ સવારે ગામમાં ગોકુલ પાન પાસે હતાં ત્‍યારે પ્રભાત, ઘુસા, વાસુ અને અજાણ્‍યાએ ઝઘડો કરી પાઇપથી માર મારતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થયા હતાં. સામા પક્ષે બેડીના ગજેન્‍દ્ર પ્રભાતભાઇ બાલાસરા (ઉ.૩૧) પોતાના પર ભવરડા સમાજના લોકોએ લાકડી પાઇપથી હુમલો કર્યાની ફરિયાદ સાથે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી.
ચનાભાઇએ કહ્યું હતું કે આજે દૂધ વિતરણ બંધનું એલાન હોઇ અમે હોટલ બંધ કરાવવા વિનંતી કરવા નીકળ્‍યા હતાં. મારે શિવશક્‍તિ હોટલ છે અને સામેવાળા ગજેન્‍દ્રભાઇને ગોકુલ ટી સ્‍ટોલ છે. તેની હોટલ બંધ કરવાનું અમે કહેતાં અમારા પર હુમલો થયો હતો. ગજેન્‍દ્રભાઇએ કહ્યું હતું કે ભરવાડ સમાજના લોકોએ બળજબરીથી મારી હોટલ બંધ કરાવી મારા પર હુમલો કરી મારકુટ કરી હતી. પોલીસે બંનેના આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.

 

 

બેડીમાં થયેલી મારામારીમાં ઘવાયેલા ચનાભાઇ મુંધવા

(3:56 pm IST)