Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

લક્ષ્મીબેને બજર દઇ પીચકારી મારતાં પડોશી લક્ષ્મી સાથે ઝઘડોઃ મારામારીમાં બે ઘવાયા

રૈયાધારનો બનાવઃ વિજય અને સામા પક્ષે જીણાભાઇની દિકરીને ઇજા

રાજકોટ તા. ૨૨: રૈયાધારમાં રાધેશ્‍યામ ગોૈશાળા પાસે રહેતાં દેવીપૂજક મહિલાને બજરનું બંધાણ હોઇ બજર દીધા બાદ પીચકારી મારતાં પડોશમાં રહેતી યુવતિ સાથે બોલાચાલી થયા બાદ બંનેના પરિવારજનો વચ્‍ચે મારામારી થતાં બે લોકોને ઇજા થઇ હતી.

દેવીપૂજક વિજય મનસુખભાઇ સોલંકી (ઉ.૨૨) પોતાના પર સાંજે પડોશી જીણાભાઇ ભરવાડ અને તેની દિકરીએ પાઇપથી હુમલો કર્યાની ફરિયાદ સાથે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થયો હતો. સામા પક્ષે લક્ષ્મી જીણાભાઇ ધોળકીયા (ઉ.૧૭) પણ પોતાને વિજય અને તેની સાથેના લોકોએ લાકડીથી ફટકાર્યાની ફરિયાદ સાથે હોસ્‍પિટલે પહોંચતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને ભાવેશભાઇએ યુનિવર્સિટી પોલીસમાં જાણ કરી હતી.

વિજયની ફરિયાદ પરથી પોલીસે લક્ષ્મી, તેના માતા કાશીબેન અને પિતા જીણાભાઇ લખુભાઇ ધોળકીયા સામે ગુનો નોંધ્‍યો છે. વિજયએ જણાવ્‍યું હતું કે હું માલઢોરનું અને છુટક ભંગારનું કામ કરુ છું. સાંજે હું ઘર પાસે ચોકમાં હતો ત્‍યારે મારા મમ્‍મી લક્ષ્મીબેન નજીકમાં હકાભાઇની દૂકાનેથી બજર લઇને આવતાં હતાં અને તેણે બજર દીધા બાદ પડોશી જીણાભાઇના ઘર નજીક થુંકતા તેની દિકરી લક્ષ્મી ઉર્ફ લખીએ મારા મમ્‍મી સાથે ઝઘડો કરી ગાળાગાળી કરતાં હું સમજાવવા જતાં મારા પર પાઇપથી હુમલો કરી ઇજા પહોચાડી હતી. તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો. માણસો ભેગા થઇ જતાં લક્ષ્મી અને તેના માતા-પિતા ભાગી ગયા હતાં. હેડકોન્‍સ. વિજયભાઇ બાલસે ગુનો નોંધી વિશેષ કાર્યવાહી કરી હતી. સામા પક્ષે લક્ષ્મી જીણાભાઇ ધોળકીયા પણ સારવાર માટે દાખલ થઇ હોઇ તેનું નિવેદન નોંધવા તજવીજ કરી હતી.

(10:58 am IST)