Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

બાળકો માટે નિવાસી બાલ સપ્‍તાહનું આયોજન

નવરંગ કલબ અને બાલભવન દ્વારા વણપરી ગામે બાળકોને મોજ : ૫ થી ૮ વર્ષની વયના બાળકોને એક સપ્‍તાહ જ્ઞાન-વિજ્ઞાન-સ્‍વાશ્રયના પ્રયોગો કરાવાશે


તસ્‍વીરમાં વી.ડી.બાલા સાથે ઉર્વેશભાઇ પટેલ, નવનીતભાઇ અગ્રાવત, ચિરાગભાઇ દાસોટિયા, મહેશ માખેલા, જયેશભાઇ  નકુમ, અર્જુનભાઇ ડાંગર, ભાવેશભાઇ ડઢાણિયા, વજુભાઇ કણસાગરા નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદિપ બગથરિયા)
રાજકોટ : નવરંગ નેચર ક્‍લબ -રાજકોટ દ્વારા તા-૩૦/૧૦/૨૦૨૨ થી ૦૫/૧૧/૨૦૨૨ સુધી ધોરણ ૫ થી ૮ ના બાળકો (ભાઈઓ/બહેનો) માટે નિવાસી બાલ સપ્તાહનું આયોજન કરેલ છે, જેમાં બાળકોને સાત દિવસ સુધી દરરોજ દેશી રમતો રમાડવામાં આવશે, જેથી બાળકો મોબાઈલની રમતોથી દૂર જશે.
સાત દિવસ છાત્રાલય માં રહેવાનું હોય, જાતે કામ કરતાં થાય, સ્‍વચ્‍છતા વિષે જાગૃત થાય, શ્રમ કરતાં થાય, શ્રમ પ્રત્‍યેની સૂગ નીકળી જાય અને શ્રમ પ્રત્‍યે ભાવ જાગે અને સમૂહમાં રહેતા શીખે.
બાળકોમાં નવું નવું કરવાની ભૂખ જગાડવી, અભિનય, ડેમો, સેલ્‍ફ મોટિવેશન, અભિનય સાથે વિવિધ પ્રકારની વાર્તાઓ અને બાલગીતો ગવડાવવા. બાળકોમાં રહેલ સુષુપ્ત શક્‍તિઓ ખિલાવવી, જેવી કે ડાન્‍સ, જાહેરમાં બોલતા, ગીતો ગાતા વગેરે શીખે.  બાળકોના નાના જુથ બનાવી કુટેવો/સુટેવો વિષે ચર્ચા અને હું પર્યાવરણ જાળવણી કેવી રીતે કરી શકું તેની ચર્ચા બાળકો જાતે કરશે.
યોગ/સાધના દ્વારા એકાગ્રતા કેળવવી અને સમૂહની પ્રવૃતિઓ જેવી કે બેજીક ડ્રોઈંગ, પેન ડ્રોઈંગ, વોલ પેંટિંગ, ફલાવર પોટ પેંટિંગ, ઓલ કલર પેંટિંગ, વેસ્‍ટ અને બેસ્‍ટ નું આર્ટ વર્ક વગેરે બાળકો જાતે કરશે.  વિજ્ઞાનના હાથવગા પ્રયોગો જેવાકે વિજ્ઞાનની ધિંગામસ્‍તી, કાગળની કરામતો, ઓરીગામી કળા દ્વારા વિવિધ આકારો, પુલ, ભૌમિતિક આકારો, વીજ પરિચય માં જોડો અને તોડો કરાવવામાં આવશે.  પર્યાવરણ ની રમતો જેવી કે વાઘ, હરણ, સિંહની રમતો રમાંડવામાં આવશે.  દરરોજ અલગ અલગ વિષયના નિષ્‍ણાંતો પોત પોતાના વિષયની પ્રવૃતિઓ કરાવશે, જેમાં  બાલ સપ્તાહ દરમિયાન એક દિવસ રાજકોટનો પ્રવાસ કરાવવા માં આવશે જેમાં પ્રાણી સંગ્રહાલય, વોટસન મ્‍યુઝિયમ, બાલભવન અને ફનવર્લ્‍ડ ની મુલાકાતે લઈ જવામાં આવશે.
બાલ સપ્તાહ દરમિયાન એક દિવસ ગામડે જઈ ગ્રામ સફાઇ, સુવાક્‍યો લખવા અને એક બાળક એક પરિવાર સાથે બપોર થી સાંજ સુધી રહેશે. બાલ સપ્તાહ દરમિયાન દરરોજ રાત્રે ગરબા અને રાસ રમાંડવામાં આવશે.  ચમત્‍કારો કેવી રીતે થાય છે તેના પ્રયોગો સાથેની સમજણ આપવામાં આવશે.  બાળકોને સવારે દેસી નાસ્‍તો, બપોરે પૌષ્ટિક ભોજન, સાંજે નાસ્‍તો અને રાત્રિ ભોજન ઉપરાંત દિવસમાં બે વખત દેશી પીણાઓ આપવામાં આવશે.
આ બાલ સપ્તાહ વી. ડી. બાલાના માર્ગદર્શન અને સંપૂર્ણ હાજરીમાં યોજાશે.  વિદ્યાર્થી દીઠ ૨૫૦૦ રૂ નો અંદાજિત ખર્ચ છે, જેમાં ૧૫૦૦ રૂ વિદ્યાર્થીઓ ભોગવશે અને ૧૦૦૦ રૂ નવરંગ નેચર ક્‍લબ ભોગવશે.
વહેલા તે પહેલાના ધોરણે ફોન (૯૪૨૭૫ ૬૩૮૯૮) પર રજીસ્‍ટ્રેશન કરાવવું અનિવાર્ય છે.
બાલ સપ્તાહનું સ્‍થળ શ્રી આત્‍મીય વિદ્યા સંકૂલ - વણપરી  રાજકોટ - જામનગર હાઇવે, વણપરી ટોલનાકા પાસે, વણપરી રખાયું છે. વધારે વિગત માટે વી.ડી.બાલા,  પ્રમુખ, નવરંગ નેચર ક્‍લબ - રાજકોટ મો. ૯૪૨૭૫ ૬૩૮૯૮નો સંપર્ક થઇ શકે છે.

 

(2:58 pm IST)