Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

પત્નિ અને આંગળીયાત પુત્ર વિરૂધ્ધ કોર્ટમાં થયેલ ફોજદારી ફરીયાદને દાખલ કરવા અપીલ

રાજકોટ, તા.૨૨: રાજકોટના એડીશનલ ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ શ્રી જે.વી.પરમારે ફોજદારી ઇન્કવાયરીના કામે અરજદાર પતિ બ્રીજેશભાઇ રતીલાલ તન્નાની ફોજદારી ફરીયાદને ફરીયાદ તરીકે રજીસ્ટર લેવા હુકમ ફરમાવેલ છે.

સદર કેસની હકીકત એવી છે કે, આ બ્રીજેશભાઇ રતીલાલભાઇ તન્ના (અરજદાર)ના બીજા લગ્ન બીનાબેન બ્રીજેશભાઇ તન્ના સાથે થયા હતા. આ બીનાબેનના પણ બ્રીજેશભાઇ સાથેના બીજા લગ્ન હતા. તે તેણીના આંગણીયાત પુત્ર   ચીરાગને લઇને બ્રીજેશભાઇ સાથે તેમના સંયુકત કુટુંબમાં રહેવા આવેલા. આ બીનાબેન બ્રીજેશભાઇના સંયુકત કુટુંબમાં આશરે છ મહિના જેટલો જ સમય રહેલ અને તે દરમિયાન તેણીના કજીયા-કંકાસ અને દુઃખ-ત્રાસથી કંટાળી બ્રીજેશભાઇ બીનાબેનને લઇને ભાડાના મકાનમાં રહેવા ચાલ્યા ગયેલા.

આ બીનાબેન અને તેમના આંગણિયાત પુત્ર ચિરાગ, વગેરેઓ ઉપર રાજકોટના પોલીસ કમિશનર સમક્ષ આઇ.પી.સી.કલમો-૪૦૬, ૪૨૦, ૩૨૩, ૫૦૪, ૫૦૬(ર), ૧૧૪ વિગેરેની ફરીયાદ તા.૨૬-૨-૨૦૨૨ના રોજ બ્રીજેશભાઇએ આપેલી જે અંગે પોલીસ દ્વારા કોઇ સંતોષકારી કાર્યવાહી ન કરતા બ્રીજેશભાઇએ સદર ફરીયાદ અદાલત સમક્ષ કરેલી હતી.

આ આક્ષેપો અને પ્રતિઆક્ષેપો અંગે બ્રીજેશભાઇ વતી ડો.તારક એમ. સાવંત-એડવોકેટ દ્વારા દલીલો અદાલત સમક્ષ કરવામાં આવેલી છે. જે અદાલતે માન્ય રાખેલ અને આઇ.પી.સી.કલમો ૪૦૬, ૪૨૦ના ગુનાની ફરીયાદ રજીસ્ટરે લઇ ફોજદારી કેસ નંબર પાડવાનો હુકમ ફરમાવેલ છે.

(3:11 pm IST)