Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

નવરાત્રીમાં રાતે ૧૨ સુધી માઇક વગાડવાની છૂટથી ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ખુશીનો માહોલ

સુપ્રિમ કોર્ટએ રાજ્‍ય સરકારને વર્ષના ૧૫ દિવસ કોઇપણ તહેવારોમાં રાત્રે ૧૨ સુધી છુટછાટ આપવા સત્તા આપી હોઇ તે અંતર્ગત લેવાયેલો નિર્ણયઃ ગરબા આયોજકોને ૨૮ નિયમોનું કડક પાલન કરવા પોલીસ કમિશનરની તાકીદ

રાજકોટ, તા. ૨૨: નવરાત્રી દરમિયાન ગરબા આયોજકો અને ખેલૈયાઓને રાહત થાય તેવી જાહેરાત રાજ્‍ય સરકારના ફોરેસ્‍ટ અને એન્‍વાયરમેન્‍ટ વિભાગ દ્વારા કરવામાં આવી છે. મોડી સાંજે બહાર પડાયેલા એક જાહેરનામામાં નવરાત્રીના નવ અને દસેરાના  દિવસે રાત્રે ૧૨ વાગ્‍યા સુધી માઇક વગાડવાની છુટ આપવામાં આવી છે. આમ આ જાહેરનામા સાથે રાજ્‍યભરના ગરબા આયોજકો રાત્રે ૧૨ વાગ્‍યા સુધી પોતાના આયોજનો માઇક સાથે ચાલુ રાખી શકશે. આ નિર્ણયથી ખેલૈયાઓમાં આનંદની લાગણી વ્‍યાપી ગઇ છે.

પ્રાચીન-અર્વાચીન ગરબા આયોજકોની મીટીંગ ગઇકાલે હેમુ ગઢવી હોલ ખાતે યોજવામાં આવી હતી. નવરાત્રી મહોત્‍સવને પણ ગણપતિ મહોત્‍સવની જેમ લોકો રંગ ચંગે માણે અને કાયદો-વ્‍યવસ્‍થા જળવાઇ રહે તે માટે સીસીટીવી અને ખાનગી સિકયુરીટી સહીત ર૮ જેટલા નિયમોનું કડક પાલન કરવા પોલીસ કમિશ્નરશ્રી રાજુ ભાર્ગવ દ્વારા આયોજકોને તાકીદ કરવામાં આવી હતી.

ગઇકાલે પોલીસ કમિશનરશ્રીએ આ મિટીંગમાં સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ રાત્રે દસ વાગ્‍યે ગરબીના માઇક બંધ કરી દેવાના નિયમનું કડક પાલન કરાવવામાં આવશે તેવું જણાવ્‍યું હતું. દરમિયાન મોડી સાંજે રાજ્‍ય સરકાર ફોરેસ્‍ટ અને એનવાયરમેન્‍ટ ડિપાર્ટમેન્‍ટ દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્‍યું છે. સુપ્રિમ કોર્ટએ રાજ્‍ય સરકારને વર્ષ દરિમયાન ૧૫ દિવસ ૧૦ વાગ્‍યાની માઇક બંધ કરવાની અવધીમાંથી રાત્રે ૧૨ વાગ્‍યા સુધી છુટછાટ આપવા પરવાનગી આપી છે. જેનો ઉપયોગ કરી નવરાત્રીમાં નવરાત્રીના નવ દિવસ, દસેરાના એક દિવસ મળી આવતા તહેવારો દસ દિવસ દરમિયાન રાતે ૧૨ સુધી માઇક વગાડવાની મંજુરી આપવામાં આવી છે. આ મુજબ હવે રાજકોટ પોલીસ કમિશનરેટ વિસ્‍તારમાં રાતે દસથી બાર સુધી ગરબા આયોજકોને છુટછાટ આપવામાં આવતાં ખેલૈયાઓમાં આનંદની લાગણી પ્રસરી ગઇ છે.

પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ દ્વારા ર૮ નિયમોની સુચી દાંડીયા રાસ અને ગરબાના આયોજકો  માટે જાહેર કરવામાં આવી છે. જેમાં અર્વાચીન રાસોત્‍સવમાં ભાગ લેનાર ખેલૈયાઓની સાચી ઓળખ પ્રસ્‍થાપીત કરી પ્રવેશ આપવાનો રહેશે. મોટા પ્રાચીન અને અર્વાચીન આયોજકોને ખાનગી સિકયુરીટી ગોઠવવાની રહેશે. આ ઉપરાંત સીસીટીવી ફરજીયાત લગાવવા પડશે. સીસીટીવીનું ફુટેજ સીડી અથવા ડીવીડી ફોરમેટમાં આયોજનના દરેક દિવસનું જાળવી રાખવુ પડશે. આ ઉપરાંત આયોજનના સ્‍થળ આસપાસ પ્રાઇવેટ સિકયુરીટી ગાર્ડ સાથે પાર્કીગ વ્‍યવસ્‍થા કરવાની પણ સુચના આપવામાં આવી છે. પાર્કીગ સ્‍થળે વાહનોની સલામતીની જવાબદારી પણ આયોજકોના શીરે રહેશે. ચોરીના બનાવો ન બને તે માટે આ સુચના આપવામાં આવી છે.

આયોજન દરમિયાન કોઇ પણ પ્રકારની અશ્‍લીલતા નજરે પડશે તો આઇપીસી ર૯૦ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.  દાંડીયારાસ દરમિયાન દર્શકો સાંભળી શકે તેટલા અવાજમાં માઇક વગાડી આજુબાજુના રહેવાસીઓને અડચણરૂપ ન થાય તે રીતે આયોજન કરવા જણાવાયું છે. જો આસપાસથી લોકોની ફરીયાદો ઉઠશે તો આયોજનની પરવાનગી રદ કરવા અને માઇક સહીતના સાધનો કબ્‍જે કરવાની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આગ અકસ્‍માતના સંજોગોને ધ્‍યાને રાખી અગ્નિશામક સાધનોની વ્‍યવસ્‍થા કરવા પણ જણાવાયું છે. ગરબા  સ્‍થળે શંકાસ્‍પદ વ્‍યકિતઓની હિલચાલ જણાય તો તુરંત પોલીસને જાણ કરવા કહેવાયું છે. આયોજન સ્‍થળેસ્ત્રી અને પુરૂષોના પ્રવેશની અલગ વ્‍યવસ્‍થાનું કડક રીતે પાલન કરવા જણાવાયું છે.

(3:19 pm IST)