Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

રેલનગરમાં દરજી કામ કરતો શૈલેષ ભાન ભુલ્‍યોઃ ડ્રેસનું માપ લેતી વખતે બાળા સાથે કર્યા અડપલા

૧૩ વર્ષની બાળાના માતાએ પ્રદ્યુમનનગર પોલીસમાં ફરિયાદ નોંધાવતાં છેડતી, પોક્‍સો હેઠળ કાર્યવાહીઃ એક સંતાનના પિતા એવા ઢગાની હરકતોથી ગભરાઇને બાળા માપ આપ્‍યા વગર ભાગીઃ હવસખોરને સકંજામાં લેવા તજવીજ આદરી

રાજકોટ તા. ૨૨: રેલનગર વિસ્‍તારમાં રહેતાં અને દરજી કામ કરતાં એક સંતાના પિતા એવા ઢગાએ તેર વર્ષની એક બાળાને  ડ્રેસનું માપ લેવાના બહાને બોલાવી શારીરિક અડપલા કરતાં બાળા ગભરાઇ જતાં માપ દીધા વગર ભાગી ગઇ હતી. તેણીએ પોતાના ઘરે વાત કરતાં આ હવસખોર ઢગા વિરૂધ્‍ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.

આ બનાવમાં પોલીસે ભોગ બનનાર બાળાના માતાની ફરિયાદ પરથી રેલનગરની એક ટાઉનશીપમાં રહેતાં ૩૯ વર્ષના શૈલેષ ભલગામડીયા નામના શખ્‍સ વિરૂધ્‍ધ આઇપીસી ૩૫૪ (એ) તથા પોક્‍સો હેઠળ ગુનો નોંધી તેને સકંજામાં લેવા તજવીજ હાથ ધરી છે.

મહિલાએ પોલીસને જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને ચાર સંતાન છે.  બુધવારે ૨૧મીએ સાંજે સાડા ચારેક વાગ્‍યે  જાગૃતિબેને કહેલું કે તમારી દિકરીને દરજી કામ કરતાં શૈલેષભાઇ ડ્રેસનું માપ લેવા બોલાવે છે. આથી મારી ૧૩ વર્ષની દિકરી  ડ્રેસનું માપ દેવા જાય છે તેમ કહીને શૈલેષભાઇના ઘરે જવા નીકળી હતી. તેની સાથે મારી નાની બાર વર્ષની દિકરી પણ ગઇ હતી.

થોડીવાર પછી હું પણ શૈલેષભાઇના ઘરે જવા નીકળી ત્‍યાં મને સામે જ બે દિકરી મળી હતી. જેમાં ૧૩ વર્ષની દિકરી ખુબ ગભરાઇ ગયેલી હાલતમાં હતી. મેં તેને શું થયું તેમ પુછતાં તેણે રડતાં રડતાં કહ્યું હતું કે શૈલેષભાઇએ મારા ડ્રેસનું માપ લેતી વખતે મારી સાથે અડપલા કર્યા  છે. મેં તેને આ શું કરો છો? એવું પુછંતાં તેણે તું શાંતીથી ઉભી રહે તેમ કહી બીજીવાર હાથથી અડપલા કરવાનું ચાલુ કરતાં હું ગભરાઇની ભાગી આવી છું.

દિકરીએ રડતાં રડતાં આ વાત મને કરતાં હું શૈલેષભાઇના ઘરે ગઇ હતી અને કહ્યું હતું કે શા માટે મારી દિકરીને વારંવાર માપ લેવા બોલાવો છો? જેથી તે રૂમમાં જતો રહ્યો હતો. મારી દિકરીએ જે વિતક મને વર્ણવી હતી એ શબ્‍દોમાં હું વર્ણવી શકું તેમ નથી. આ વાતની જાણ મેં મારા પતિને કરી હતી અને બાદમાં અમે પોલીસ સ્‍ટેશને ફરિયાદ કરવા પહોંચ્‍યા હતાં. પ્ર.નગરના બી.આર. ગઢવીએ ગુનો દાખલ  કરતાં પીઆઇ આર. ટી. વ્‍યાસની રાહબરીમાં પીએસઆઇ આર. એસ. સાકરીયાએ વિશેષ તપાસ હાથ ધરી છે. ભોગ બનેલી બાળા ધોરણ સાતમાં અભ્‍યાસ કરે છે.

વિસ્‍તારમાં થતી ચર્ચા મુજબ એકાદ મહિના પહેલા પણ આ શખ્‍સે એક સગીરા સાથે અડપલા કર્યા હતાં. પરંતુ જે તે વખતે ભોગ બનનાર બાળાના પરિવારે ફરિયાદ કરી નહોતી. શૈલેષ એક સંતાનનો પિતા છે.

(4:21 pm IST)