Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

આર્થિક ભીંસ દૂર કરવા સાળો-બનેવી ઠગાઇ કરતા'તાઃ કેશોદનો અબુબકર અને જુનાગઢનો સલિમ પકડાયા

સલિમ મહાત્મા બનતો, તેનો બનેવી અબુબકર રાહદારીને રોકીને કહેતો...સામે ઉભા એ મહાત્મા છે, તકલીફો દૂર કરશે, ઘરેણા ડબલ કરી દેશે...કોઇ લલચાય જાય તો દાગીના ઉતરાવી નજર ચુકવી રૂમાલમાં પાણકા બાંધીને આપી દેતાં : અગાઉ પાંચ ગુનામાં સંડોવણીઃ આજીડેમ પોલીસે પકડીને ખારચીયાનો ગુનો ડિટેકટ કર્યોઃ દાગીના અને બાઇક કબ્જેઃ પીએસઆઇ જી. એન. વાઘેલા અને ટીમની કામગીરીઃ રિમાન્ડની તજવીજ

રાજકોટ તા. ૨૩: સાત દિવસ પહેલા  સરધારના ખારચીયા ગામમાં નિરાલી ફાર્મ હાઉસ સામે રાજકોટ-ભાવનગર હાઇવે રોડ ઉપર એક મહિલાને એક શખ્સે અટકાવી દૂર ઉભેલો બીજો શખ્સ મહાત્મા છે, તે કોઇપણ નડતર દૂર કરી દે છે અને દાગીના હોય તો મંતરીને એકના ડબલ કરી આપે છે. તેવી વાતો કરી મહિલાને ભોળવી તેના પતિની બિમારી દૂર કરી દેવાની અને સોનાના દાગીના ડબલ કરી આપવાની લાલચ દઇ તેની પાસેની સોનાની બુટી અને કાન સર મળી રૂ. ૨૫૮૧૦ના ઘરેણા લઇ મંતરવાના બહાને રૂમાલમાં દાગીના મુકી રૂમાલની ગાંઠી વાળી મહિલાને આપીને જતાં રહ્યા હતાં. રૂમાલ મંદિરમાં મુકી દેવાનું અને પછી ખોલવાથી દાગીના ડબલ થઇ જશે અને ઘરનું નડતર દૂર થઇ જશે તેમ કહ્યું હતું. મહિલાએ ઘરે જઇને રૂમાલ ખોલતાં અંદરથી પથ્થર નીકળ્યા હતાં. આ ગુનાનો ભેદ આજીડેમ પોલીસે ઉકેલી નાંખી કેશોદ અને જુનાગઢના ગઠીયા સાળા-બનેવીને પકડી લીધા છે. આર્થિક ભીંસ દુર કરવા બંને આવા રવાડે ચડ્યાનું રટણ કરે છે.

સરધાર પીએસઆઇ જી. એન. વાઘેલાને મળેલી માહિતી પરથી આજીડેમ ચોકડીથી આગળ માંડા ડુંગરની ગોળાઇ પાસે વોચ રાખી બે ગઠીયા  અબુબકર સુલેમાનભાઇ પડાયા (ઉ.વ.૪૫-ધંધો વેપાર, રહે . લીમડા ચોક મોચી બજાર મહેબૂબ પાન સામે કેશોદ) તથા તેના સાળા સલીમ મજીદભાઇ મકવાણા (ઉ.વ.૫૦- ધંધો, ભંગારની ફેરી રહે. હર્ષદનગર મસ્જિદની સામે સુમારભાઇ ફકીરના મકાનમાં ભાડે જુનાગઢ, મૂળ મોટા લીલીયા મફત પ્લોટ સ્મશાનની સામે  જી. અમરેલી)ને પકડી લઇ દાગીના અને બાઇક કબ્જે કર્યા છે.

આ બંને સાળો બનેવી ઠગાઇ કરવાના હેતુથી બાઇક લઇને નીકળતાં હતાં. સલિમ મહાત્મા બનતો અને અબુબકર ચેલો બનતો હતો. રસ્તે નિકળતા માણસોને પોતાની વાતમા ં ભેળવી વિશ્વાસમા ં લઇ મહાત્મા પાસે દાગીના મંતરાવશો તો બીમારી મટી જશે, ઘરનું નડતર દૂર થશે અને ઘરેણા ડબલ થઇ જશે તેવી વાતો કરી ઠગાઇ કરવાની ટેવ ધરાવે છે. આ બંને જુનાગઢ જીલ્લા વિસ્તારમા ં આવા ગુના વધુ પ્રમાણમાં આચરે છે. આ બંને અગાઉ વંંથલી, જામજોધપુર, ભાયાવદર, ઉપલેટા,  જુનાગઢ બી ડીવીઝનમાં આ પ્રકારના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયા છે.

પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવીણકુમાર મિણા તથા ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી પૂર્વ એચ.એલ.રાઠોડએ આ ગુનાનો ભેદ ઉકેલવા સુચના આપી હોઇ  આજીડેમના પીઆઇ વી.જે. ચાવડા, પીએસઆઇ જી.એન. વાઘેલા, એએસઆઇ કાળુભાઇ વી. ગામેતી, હેડકોન્સ. જનકસીહ  વાઘેલા તથા કોન્સ. વિક્રમભાઇ બકુત્રાએ આ કામગીરી કરી હતી. વિશેષ પુછતાછ માટે બંનેના રિમાન્ડની તજવીજ થઇ રહી છે.

(11:47 am IST)
  • કોરોના કેસોમાં, દેશમાં કેરળ અને મહારાષ્ટ્ર સતત ટોચ ઉપર : છેલ્લા ૨૪ કલાકમાં કેરળમાં ૭ હજાર આસપાસ અને મહારાષ્ટ્રમાં ૩૦૦૦ આસપાસ નવા કોરોના કેસ નોંધાયા : આસામમાં સૌથી ઓછા ૧૭, હિમાચલમાં ૪૧, ગોવામાં ૭૦, ઝારખંડ ૭૫, જમ્મુ અને કાશ્મીર ૮૮, ઉત્તરાખંડ ૧૧૦ કેસ નોંધાયા છે : ૪૫૧ નવા કેસ સાથે દેશભરમાં ગુજરાત છઠ્ઠા નંબરે access_time 11:33 am IST

  • દેશમાં કોરોના થાક્યો:નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 14,246 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,06,40,669 થઇ :એક્ટિવ કેસ 1,82,891 થયા: વધુ 17,034 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,02,99,931 થયા :વધુ 151 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,53,218 થયા access_time 1:07 am IST

  • ઉત્તર પ્રદેશમાં ધુમ્મસભર્યા માહોલ વચ્ચે ઠંડીનો જોરદાર ધ્રુજારો : વેસ્ટર્ન ડિસ્ટર્બનસની અસરથી ઉત્તર પ્રદેશમાં ફરી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. લખનઉ સહિત અનેક જિલ્લાઓમાં ધુમ્મસભર્યુ વાતાવરણ રહેલ. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં પણ ઠંડીમાંથી રાહત મળવાની નથી. ઠંડા પવનો ફૂંકાવાના કારણે લોકો ઠુઠવાઈ રહ્યા છે. દરમિયાન પહાડી પ્રદેશોમાં બરફવર્ષાના પગલે યુ.પી.ના અનેક જિલ્લાઓમાં ઠંડીનું મોજુ ફરી વળશે access_time 2:29 pm IST