Gujarati News

Gujarati News

News of Sunday, 23rd January 2022

ભક્‍તિનગર સર્કલે સીટી બસ બળીને ખોખુ

રૂટ નં. ૭ની બસ બજરંગવાડીથી મુસાફરો ભરીને આવી'તીઃ મુસાફરો ઉતર્યા પછી બજરંગવાડી જવા બીજા ડ્રાઇવરે સેલ્‍ફ માર્યો ત્‍યાં જ વાયરીંગમાં ધૂમાડા નીકળવા માંડયાઃ ડ્રાઇવર કંડકટર ઉતરી ગયા પછી થોડી મિનીટોમાં જ ભડકો થયોઃ સદ્દનસિબે કોઇ જાનહાની નહિઃ ફાયર બ્રિગેડે આગ બુઝાવીઃ એફએસએલની મદદથી પોલીસ તપાસ કરશે : બાજુમાં રખાયેલા બે એક્‍ટીવામાં પણ નુકસાનઃ ઝાડમાં આગની જાળ લાગી

ભડકે બળી રહેલી સીટી બસ, આગ બુઝાવી રહેલા ફાયર બ્રિગેડના જવાનો,  લોકોના ટોળા, આગને કારણે બસની હાલત કેવી થઇ ગઇ તે દ્રશ્‍યો અને ઝાડ તથા એક્‍ટીવામાં પણ આગના લબકારા પહોંચી ગયા હતાં તે જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)
રાજકોટ તા. ૨૨: ભક્‍તિનગર સર્કલ પાસે સવારે સીટી બસમાં આગ ભભૂકતાં દોડધામ મચી ગઇ હતી. રૂટ નં. ૭ની બસ ઉભી હતી ત્‍યારે એકાએક આગ ભભૂકતાં અંદર બેઠેલા બે મુસાફર અને ડ્રાઇવર તથા કંડકટર તુરત જ ઉતરી ગયા હતાં. એ સાથે જ મોટો ભડકો થયો હતો અને આખી બસ લપેટમાં આવી ગઇ હતી. ફાયર બ્રિગેડને જાણ થતાં બંબા પહોંચ્‍યા હતાં અને આગને કાબૂમાં લીધી હતી. પરંતુ એ પહેલા બસ આગને લીધે ખોખુ થઇ ગઇ હતી.
જાણવા મળ્‍યા મુજબ સવારે સાડા નવેક વાગ્‍યે ભક્‍તિનગર સર્કલના સીટી બસના પીકઅપ પોઇન્‍ટ પર ઉભેલી ભક્‍તિનગર સર્કલથી બજરંગવાડીની રૂટ નં. ૭ની બસ નં. જીજે૦૩એટી-૯૫૭૪ માં એકાએક આગ ભભૂકતાં અને જોતજોતામાં આખી બસ આગની લપેટમાં આવી જતાં લોકોના ટોળેટોળા ભેગા થઇ ગયા હતાં. ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાં બંબા સાથે જવાનો પહોંચ્‍યા હતાં અને આગ બુઝાવી હતી. જો કે આગ વિકરાળ સ્‍વરૂપ ધારણ કરી ચુકી હોઇ બસ ખોખુ થઇ ગઇ હતી.
બનાવની જાણ થતાં ભક્‍તિનગર પીઆઇ જે. ડી. ઝાલા સહિતની ટીમ પહોંચી ગઇ હતી. ઇન્‍વે. ટીમના એએસઆઇ એન. જી. ભદ્રેચા, મયુરભાઇ ઠાકર સહિતનો સ્‍ટાફ પણ પહોંચ્‍યો હતો અને ઘટના સ્‍થળે એકઠા થયેલા ટોળા વિખેર્યા હતાં. પોલીસે પ્રાથમિક તપાસ કરતાં એવું જાણવા મળ્‍યું હતું કે આ સીટી બસ બજરંગવાડીથી મુસાફરો ભરીને ભક્‍તિનગર સર્કલ ખાતે આવી હતી. મુસાફરો ઉતરી ગયા બાદ ફરી બજરંગવાડીમાં જવા માટે બસ તૈયાર હતી. બીજા મુસાફરો બેસે એ પહેલા ડ્રાઇવર ગિરીશભાઇ છોટાલાલ પંડયાએ સેલ્‍ફ મારતા જ વાયરીંગમાંથી ધૂમાડાના ગોટેગોટા નીકળવા માંડયા હતાં.
આ સાથે જ સમયસુચકતા વાપરી ડ્રાઇવર તથા કંડકટર નિતીનભાઇ મગનભાઇ ખસીયા તાબડતોબ નીચે ઉતરી ગયા હતાં. જેની થોડી જ મિનીટો બાદ ભડકો થયો હતો અને આખી બસ આગમાં લપેટાઇ જતાં ધૂમાડાના ગોટેગોટા નીકળવા માંડયા હતાં. ઘટનાને પગલે મોટી સંખ્‍યામાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. એન્‍જીનમાં કે વાયરીંગમાં સ્‍પાર્ક થતાં આગ ભભૂક્‍યાનું પ્રાથમિક તારણ છે. ખરેખર આગ કઇ રીતે લાગી? તે જાણવા પોલીસ એફએસએલની મદદ લઇ આગળ તપાસ કરશે. ડ્રાઇવરના કહેવા મુજબ બસમાં એકપણ મુસાફર નહોતાં.
વધુ માહિતી મુજબ આગને લીધે નજીકમાં આવેલા ઝાડમાં પણ જાળ લાગી હતી. તેમજ બે એક્‍ટીવા નં. જીજે૦૩કેપી-૬૨૦૮ તથા જીજે૦૩એફએચ-૭૭૧૧ પાર્ક કર્યા હોઇ તેમાં પણ થોડુ ઘણુ નુકસાન થયું હતું. સદ્દનસિબે જાનહાની અટકી હતી.  ફાયર બ્રિગેડના સ્‍ટેશન ઓફિસર ભટ્ટી, નળીયાપરા, ફાયરમેન ધિરેન્‍દ્રસિંહ, જયેશભાઇ, વ્‍પિુલભાઇ, હાર્દિકસિંહ, જગદીશભાઇ, ઇદ્રીશભાઇ, રૂતુરાજસિંહ, મહાવીરસિંહ સહિતે આગ બુઝાવવાની કામગીરી કરી હતી.  

 

(12:09 pm IST)