Gujarati News

Gujarati News

News of Sunday, 23rd January 2022

રે કુદરત...એક તરફ દિકરાના આજે રવિવારે લગ્ન, બીજી તરફ રાત્રે દાંડિયારાસ બાદ શ્વાસ ચડતાં માતાનું મોત: રાજકોટ હસનવાડીની ઘટના: કડીયા પરિવાર મૂળ અમદાવાદનો વતની: લગ્નપ્રસંગ માટે પંદર દિવસથી રાજકોટ આવ્યા હતા

રાજકોટઃ કુદરત પણ ક્યારેક માનવીની આકરી કસોટી કરે હોય છે. એક તરફ ખુશી આપી બીજી તરફ આઘાત આપી દે છે. કઈક આવી જ ઘટના હસનવાડીમાં મૂળ અમદાવાદના કડીયા સાપરિયા પરિવાર સાથે બની છે. ચાંદખેડા રાજીવનગર વિસ્તારમાં રહેતા લત્તાબેન હરીશભાઈ સાપરિયા ઉ.વ.૫૦ના દીકરા દિપકના લગ્ન હોઈ પરિવારજનો પંદર દિવસથી રાજકોટ હસનવાડીમાં રોકાયા હતાં. આજે રવિવારે સવારે મિલન હોલ ખાતે દિપકના લગ્ન યોજાયા હતાં. રાત્રે દાંડિયારાસ બાદ માતા લત્તાબેનને શ્વાસ ચડતાં તબિયત બગડતા હોસ્પિટલમાં ખસેડાયા હતા પણ મોડી રાતે દમ તોડી દીધો હતો. ભક્તિનગર પોલીસ મથકના આસી સબ ઇન્સ. એન.જી. ભદ્રેચા અને મયુરભાઈ ઠાકરે જરૂરી કાર્યવાહી કરી હતી. 

આજે સવારે એક તરફ લગ્ન વિધિ ચાલુ હતી તો બીજી તરફ કેટલાક સ્વજનો પોસ્ટમોર્ટમ રૂમ પર હાજર હતા. વરરાજા દીપકભાઈને માતાના નિધનથી અજાણ રખાયા હતા. મૃત્યુ પામનારને એક દિકરી છે. તે પણ રાજકોટ સાસરે છે. બનાવથી સાપરિયા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી.

(12:42 pm IST)