Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

રાજકોટમાં નકલી નોટના કૌભાંડના મુખ્ય સૂત્રધાર કમલેશ જેઠવાણી મહારાષ્ટ્રથી ઝડપાયો : 5 આરોપીના રિમાન્ડ મંજૂર

આંગડિયા પેઢીમાં નકલી નોટ ઘુસાડી અસલી નોટ મેળવવાના કૌભાંડના 5 આરોપીઓના 23 જાન્યુઆરી સુધીના રિમાન્ડ:પુણેમાં કટલેરીનો વેપારી નકલી નોટનું નેટવર્ક ચલાવતો, રાજુલામાં ફેક્ટરીના માલિકને 513 નકલી નોટ આપી હતી.

રાજકોટમાં આંગડિયા પેઢીમાં નકલી નોટ જમા કરાવવાના કેસમાં મુખ્ય સૂત્રધાર કમલેશ જેઠવાણીની ધરપકડ કરાઈ છે. તેને મહારાષ્ટ્રના પૂણેથી ઝડપી લેવાયો છે. આરોપી પાસેથી વધુ 12 લાખ 7 હજારની નકલી નોટ મળી આવી છે. અગાઉ ઝડપાયેલા આરોપી ભરત બોરિચાના ઘરે પણ પોલીસે તપાસ કરતા તેની પાસેથી વધુ 1 લાખ 20 હજારની નકલી નોટ મળી છે. આ કેસમાં અગાઉ પોલીસે 2 લાખ 56 હજારની નકલી નોટ કબજે કરી હતી.

આ કેસમાં અગાઉ 5 આરોપીઓની ધરપકડ કરાઈ હતી. તમામ આરોપીઓ 23 જાન્યુઆરી સુધી પોલીસ રિમાન્ડ પર છે. મૂળ રાજુલાનો વતની અને રાજકોટમાં રહેતા ભરત ઉર્ફે કિશોર મેરામભાઈ બોરિચાએ આંગડિયા પેઢી મારફતે નકલી નોટો ઘુસાડી હતી. આ મામલામાં એ ડિવિઝન પોલીસે ભરતને નકલી નોટો પહોંચતી કરનાર મહારાષ્ટ્રના પુણેમાં કટલેરીનો વેપાર કરતા કમલેશ શિવનદાસ જેઠવાણીની ધરપકડ કરી છે.

તેની પાસેથી 12,7,500ની 500ના દરની 2415 નકલી નોટ કબ્જે કરી છે. પોલીસે કમલેશના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. જ્યારે ભરતના ઘરેથી પણ તપાસ દરમિયાન 2000, 500, 200 અને 100ના દરની વધુ 513 નકલી નોટ કબ્જે કરવામાં આવી છે. આ નકલી નોટ કમલેશે જ ભરતને આપી હતી.

 

(8:38 pm IST)