Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

ગુજરાતની હવામાં સંગીતની અનોખી લહેર છેઃ દેવ્‍યાની બેન્‍દ્રે

મારા જીવનમાં જો હું ૧૦૦ રૂા. કમાઇ હોઇશ તો તેમાંથી ૬૦ રૂા. ગુજરાતીઓના છે. : મહેનત તો ઘણા કરતા હોય છે પણ નસીબનું હોવુ જરૂરી : અમે ગાયનથી લોકોના હૃદય સુધી પહોંચી જઇએ છીએ : સંગીતમાં એક જ ટ્રેન્‍ડને લઇને ચાલવુ જોઇએ નહીં, સારા પ્રયોગોને અપનાવવા જોઇએ : સંગીતમાં પોલીટિકસ છેઃ કલાને કલા સમજો, અલગ લેવલથી ન જોવો

રાજકોટ તા.૨૧: એવા ઘણા કલાકારો છે જેની કલાથી તેઓ ઓળખાયા હોય અને ખૂબજ સંઘર્ષ તેમજ પોતાની ટેલેન્‍ટથી તેમણે અનેક શિખરો સર કર્યા હોય છે. તેવા જ  એક ગાયિકા છે દેવ્‍યાની બેન્‍દ્રે કે જેઓએ આત્‍મબળ દ્વારા અને મહેનતથી કલાને આત્‍મસાત કરી દેશવિદેશના સીમાડાઓ ઓળંગી ખુબજ નામના મેળવી છે હાલ તેઓ રાજકોટના મહેમાન બન્‍યા છે. આજે તેઓ અકિલાના મહેમાન બન્‍યા હતા અને દિલ ખોલીને સંગીત વિશે વાતો કરી હતી.

ગાયિકા દેવ્‍યાની બેન્‍દ્રેએ સંગીતની અફર તેના પિતાએ શરૂ કરાવી હતી. સ્‍કુલમાં હતા ત્‍યારે ટીચરે માતા-પિતાને બોલાવી દેવ્‍યાની બેન્‍દ્રેની ટેલેન્‍ટ વિશે વાત કરી અને પિતાએ તેમને શાષાીય સંગીત શિખવા મુકયા. પિતાશ્રી બાલકૃષ્‍ણ ગિરધરજી એજ દેવ્‍યાનીજીની સંગીત ક્ષેત્રે કારકિર્દી બનાવી. દેવ્‍યાનીજી કહે છે હું સોની છું એટલે ફેમેલીમાં સંગીત નહોતું. આ કુદરતી ગીફટ મળી છે. મરાઠી ફિલ્‍મોમાં ગાયુ પણ હિન્‍દી ફિલ્‍મોમાં ન ગાવાનું કારણ શુ? દેવ્‍યાની બેન્‍દ્રે કહે છે, હિન્‍દી ફિલ્‍મોમાં ગાવા માટે ખુબ સ્‍પર્ધા છે. સ્‍ટ્રગલ છે અને એટલો સમય હું આપી શકતી નહોતી કારણ મારી પહેલી પ્રાયોરીટી રૂપિયા કમાવવાની હતી કારણ મારા બેકગ્રાઉન્‍ડમાં કોઇ હતુ જ નહી. અનીલ મોહિલેએ જયારે મને સપોર્ટ કર્યો ત્‍યારે મરાઠી ફિલ્‍મોમાં મેં ગાયું. સુનીધી ચૌહાણ, શ્રેયા ઘોષલ, નીતિન મુકેશ વગેરે સાથે કામ કર્યુ. પછી મારો ઉપયોગ થતો હોય તેમ લાગતા મેં મારૂ ગ્રુપ ‘જૂનુન' નામે શરૂ કર્યુ અને મારા પોતાના પ્રોગ્રામ આપવાના શરૂ કર્યા. દેવ્‍યાનીજી કહે છે કે, ‘‘એક મહેનત હોય છે અને એક નસીબ હોય છે. મહેનત તો ઘણા કરતા હોય પણ નસીબ જરૂરી છે.

દેવ્‍યાની બેન્‍દ્રએ કશ્‍મીરી, બંગાળી, તેલુગુ, મરાઠી, ઉપરાંત હિબ્રુ, આફ્રિકન, અરેબીક અને ગુજરાતી ભાષામાં પણ ગીતો ગાયા છે. મારી સ્‍ટાઇલ સોફટ સીંગીંગ છે. એટલે ગુજરાતીઓએ પસંદ કરી છે. આજે મેં મારા જીવનમાં ૧૦૦ રૂા. કમાયા હશે તો તેમાંથી ૬૦ રૂા. ગુજરાતીઓના હશે તેમ ચોકકસ કહીશ. ગરબાના પણ અઢળક પ્રોગ્રામ કરુ છું.

દેવ્‍યાનીજી કહે છે, હું લતાજીના ગીતો ગાવા વધુ પસંદ કરૂ છું. મારો અવાજ પાતળો છે લોકોનું કહેવું છેકે, મારો અવાજ લતાજીના અવાજને વધુ યોગ્‍ય છે. ફોરેનમાં પણ લતાજીના ગીતો જ વધુ ગાવાનું પસંદ કરુ છું અને લોકો સાંભળવાનું પસંદ કરે છે. વધુમાં મેં મારી સ્‍ટાઇલમાં ગાવાનું શરૂ કર્યુ. કવાલી સ્‍ટાઇલ ગાવાની શરૂ કરી. જે શકીલાબાનુ વગેરેની સ્‍ટાઇલથી મેચ કરે છે. હું શેર-શાયરી કરતા ગીતો રજુ કરુ છું. દેવ્‍યાની બેન્‍દ્રેએ ફિલ્‍મી ગીતો ઉપરાંત ગણેશજી, માતાજી, ગૌતમ બુધ્‍ધ સહિત અનેક ભગવાનના ભજનો ગાયા છે. તેમજ ભારતના સંવિધાન ઉપર પણ ગીતો ગાયા છે.

સંગીતથી તમારા જીવનમાં શું બદલાવ આવ્‍યો? દેવ્‍યાનીજી એ કહયુ કે, મારૂ સંગીતનું બેકગ્રાઉન્‍ડ નહોતું. મારે દરેક વસ્‍તુ માટે ખુબ સ્‍ટ્રગલ કરવી પડી. દરેક ભાષા શિખવા ખુબ મહેનત કરી. મારા મિત્ર વિપુલ હરિયાવાલા જે કેન્‍સરમાં ગુજરી ગયા તેની પાસે જઇ ગુજરાતી ગરબાના-ગીતો લીધા. ૬-૬ મહિના સુધી એ સ્‍ટ્રગલ એક ભાષા માટે ચાલતી. આજે સ્‍ટ્રગલ જોવા નથી મળતી. અમારા સમયમાં કરેલી સ્‍ટ્રગલનો લાભ આજે પણ અમને મળી રહયો છે. આજે કલાકારો ફટાફટ આવે છે અને ફટાફટ ચાલ્‍યા જાય છે. જૂના લોકોએ જ સ્‍ટ્રગલ કરી તે આજે નથી એટલે જ તેમના ગીતો આપણે વર્ષોથી સાંભળતા આવ્‍યા છીએ તેમાં કંઇક વાત હતી. આથી જ અમે ગાવામાં લોકોના હૃદય સુધી પહોંચી જઇએ છીએ. આજના ગીતો માત્ર મગજમાં બેસે છે. હૃદય સુધી પહોંચતા નથી

આજનો ટ્રેન્‍ડ બદલતો જાય છે. તેમાંય અમુક ચીજો ખુબ સરસ આવે છે. જેમકે એ.આર.રહેમાનની સ્‍ટાઇલ ખુબ સારી આવે છે. જે સારા પ્રયોગો થાય છે. તેને અપનાવવા જોઇએ. જે પ્રયોગો કરે છે તે આગળ વધી શકે છે. એકજ ટ્રેન્‍ડને લઇને ચાલવું જોઇએ નહી નહિતર દુકાન બંધ થઇ જાય છે.

પોલીટિકસ વિશે કહેતા દેવ્‍યાનીજીએ કહયુ કે, સંગીતમાં સંપૂર્ણ રીતે પોલીટીકસ છે. કારણ આજે જે થઇ રહયુ છે તે સંગીતરૂપે દાયરો આપણે પકડી ન શકીએ સંગીતમાં પોલીટીકસ આવી ન શકે. સંગીત કયાંયથી પણ આવી શકે છે. સંગીતની સિમાઓ નથી કલાકારોને ખુલ્‍લા છોડી દો. પણ આમાં અશ્‍લિલતા ન હોવી જોઇએ કલાને કલા સમજો તેને અલગ લેવલથી ન જોવી જોઇએ તેમાંય ગુજરાતની હવામાં જે સંગીતની લહેર છે તે અમારા જેવા કલાકારોને એક માહોલ બનાવવા મજબૂર કરી દે છે. ગુજરાતનાં લોકો કલાકારોને જે પ્રાધાન્‍ય આપે છે એટલેકે ગુજરાતમાં જે હિટ થઇ જાય તે બધે હિટ થઇ જાય છે.

દેવ્‍યાની બેન્‍દ્રેએ કહયુ હતુ કે, હું એ દરેક અભિનેત્રી માટે ગાવાનું પસંદ કરીશ જે મને પૈસા આપે, સ્‍ટેટસ આપે, નામ રોશન કરે તે દરેક માટે ગાવાનું પસંદ કરીશ. આજે સંગીતની સફરમાં મને આત્‍મ સન્‍માન નથી મળ્‍યુ. આ લેવલે પહોચ્‍યા પછી પણ કલાકારને

સ્‍ટ્રગલ કરવી પડે છે. પહેલા એક મુકામ પ્રાપ્ત કરવા એ પછી તેને જાળવી રાખવા અને પછી મુકામ છોડતા સમયે જે સ્‍થિતિ હોય તે વખતે આત્‍મસન્‍માન મળવું જોઇએ

ગાયિકા દેવ્‍યાની બેન્‍દ્રે સરગમ કલબ દ્વારા આયોજીત સંગીત સંધ્‍યામાં શુક્રવારથી સોમવાર સુધી સરગમ પરિવારના સભ્‍યો માટે કાર્યક્રમ આપવાના છે જુના-નવા ગીતોથી તેઓ જમાવટ કરી રહયા છે.(૪૦.૮)ે 

કલાકારો માટે પણ ગુજરાતમાં ક્રાંતિ થાય તે જરૂરી

આજે ગુજરાતમાં દરેક ક્ષેત્રે ક્રાંતિ થઇ રહી છે. જયારે કલાકારો માટે પણ ક્રાંતિ થાય તે ખુબ જરૂરી છે જેમકે મહારાષ્‍ટ્રમાં તેનો ઉત્‍સવ થયો હતો. કેન્‍દ્ર દ્વારા હુન્નર હાર્ટ કાર્યક્રમ થયો હતો. એવી જ રીતે ગુજરાતમાં જેમ રણોત્‍સવ કે અન્‍ય કાર્યક્રમ થાય છે ત્‍યારે આર્ટ લેવલની ક્રાંતિ પણ જરૂરી છે. આજે ગુજરાતમાં કેટલાય સારા કલાકારો છે પણ તક માત્ર ૧૦ કલાકારો જ અપાય છે. દરેક કલાકારોને તક મળવી જોઇએ. દરેકની કલામાં અલગ ખુશ્‍બુ હોય છે કલા બહાર આવવી જોઇએ. દરેકને પ્રતિભા દેખાડવાની તક આપવી જોઇએ અહિ જે પોલીટીકસ થાય છે તે બીજા કલાકારોને આગળ લાવવા નથી દેતા આવું મહારાષ્‍ટ્ર, રાજસ્‍થાનમાં નથી તેઓ અલગ-અલગ પ્રતિભાને આગળ આવવા દે છે. ગરબા હોય કે ડાયરો ગુજરાતમાં એ ૧૦ જ કલાકારો શા માટે જોવા મળે છે? કલાકારોની ક્રાંતિ થવી જરૂરી છે.

ગરબાની ટ્રેડીશન ફોરેનમાં જે સચવાઇ છે તે ગુજરાતમાં પણ જોવા નથી મળતી!

ગાયિકા દેવ્‍યાની બેન્‍દ્રેએ જણાવ્‍યુ હતુ કે, મે ભારત ઉપરાંત વિદેશમાં પણ અનેક કાર્યક્રમો આપ્‍યા છે પણ મને ફોરેનમાં વધુ કદરદાન જોવા મળે છે તેઓ ખુબ ધીરજથી સાંભળે છે. તેઓ કયાં-કયાંથી સંગીત અને ગીતો શોધી લાવે છે. તે આપણને પણ ખબર નહોય. તેઓનો અભ્‍યાસ ખુબ સારો હોય છે. વધુમાં ગરબાની ટ્રેડીશનની વાત કરીએતો ફોરેનમાં જે ટ્રેડીશન છે તે ગુજરાતમાં પણ નથી. ફોરેનના લોકોએ ગરબાને જે રીતે સાચવ્‍યા છે તે ભારતમાં જોવા મળતુ નથી. હું મસ્‍કતમાં ગરબા કરવા ગઇ હતી ત્‍યાં એક પણ હિન્‍દી ટયુનનું ગીત ગાવાનું નહી ફકત ટ્રેડીશનલ ગુજરાતી ગરબા જ ગાવાના! આથી મને ફોરેનમાં ગાવાની વધુ મજા આવે છે ત્‍યાં પ્રોગ્રામ કરવા મને વધુ ગમે છે.

રિયાલીટી શોમાં સમજી વિચારીને જવું જોઇએ

 આજના રીયાલીટીશો ગાયકો માટેના શ્રેષ્‍ઠ પ્‍લેટફોર્મ કહી શકાય? દેવ્‍યાની બેન્‍દ્રએ જણાવ્‍યુ હતુ કે, સિકકાની બે બાજુ હોય છે એક ટોપમાં લઇને જાય છે અને બીજી બાજુ પાતાળમાં લઇ જાય છે. આજના ગાયકો માટે આ પ્‍લેટફોર્મ એ રીતે સ્‍ટ્રગલ ભર્યુ થઇ જાય છે કે તેઓ આત્‍મહત્‍યા કરવા સુધી મજબુર બની જતા હોય છે. એક-બે કલાકાર માટે આ પ્‍લેટફોર્મથી લાઇફ બને છે પણ બાકીના કલાકારો ન તો કયાંય ગલીમાં ગાઇ શકે છે કે નતો કોઇ મોટા શોમાં ગાઇ શકે છે આ બંને બાજુની રિયાલીટી છે. આમાં સમજી વિચારીને જવુ જોઇએ

(3:46 pm IST)