Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

બે ખેપમાં ૧૭ લાખની જાલીનોટો પુનાનો કમલેશ લાવ્‍યો'તોઃ તેને સાથે લઇ પોલીસ જશે હૈદરાબાદ

ચોકલેટ-પીપર, કોસ્‍મેટીક આઇટમના ધંધામાં ન જામતાં કમલેશ જાલીનોટના ધંધામાં જોડાયો'તોઃ ૧૦ દિ'ના રિમાન્‍ડ : છએક મહિના પહેલા વ્‍હોટ્‍સએપ ચેટ મારફત હૈદરાબાદીનો સંપર્ક થયો હતોઃ પ્રારંભે બે જાલીનોટ રાજકોટ લાવ્‍યો હતોઃ ગુરપ્રિતસિંઘ સહિતના મારફત ભરતે આ નોટ ઓકે કરતાં પાંચ લાખની નોટો મંગાવી હતીઃ કમાણી થતાં બીજી ખેપમાં ૧૨ લાખની લાવ્‍યો હતો :ભરત બોરીચા સહિતના પાંચ આરોપીઓના આજે રિમાન્‍ડ પુરા થતાં સાંજે કોર્ટ હવાલે : ૫૦૦ની સાથે ૧૦૦, ૨૦૦, ૨૦૦૦ના દરની નકલી નોટો પણ ભરતના ઘરેથી મળી હતી

જાલીનોટ કોૈભાંડમાં જેની ધરપકડ થઇ છે તે કમલેશ ઉર્ફ કનૈયાલાલ જેઠવાણી (રહે. પુના) તથા કબ્‍જે થયેલી નકલી નોટો

રાજકોટ તા. ૨૩ : રાજુલાના ભરત બોરીચા નામના ફેક્‍ટરી સંચાલકને ઠંડાપીણાની ફેક્‍ટરીમાં ખોટ જતાં મોટા દેણામાં આવી ગયો હોઇ તેના કારણે જાલીનોટો શોધી અસલી સાથે આ નકલી નોટો ભેળવી લેણદારોને પધરાવવાના કાવત્રુ રચ્‍યું હતું. આ કારસ્‍તાન એ-ડિવીઝન પોલીસે ઉઘાડુ પાડી પ્રારંભે ભરત તથા તેના મિત્ર  અને રાજકોટના ત્રણ સહિત પાંચને પકડયા બાદ જેના મારફત જાલીનોટો પુનાથી આવી હતી એ જંકશનના ગુરપ્રિતસિંઘના મામાના દિકરા એવા પુનાના પીંપરીના કમલેશ ઉર્ફ કનૈયાલાલ શીવનદાસ જેઠવાણીને પણ પોલીસે દબોચી લઇ તેની પાસેથી ૫૦૦ના દરની વધુ ૨૪૧૫ નકલી નોટો (રૂા. ૧૨,૦૭,૫૦૦)ની કબ્‍જે કરી હતી. દસ દિવસના રિમાન્‍ડ પર રહેલો કમલેશ હૈદરાબાદના શખ્‍સ પાસેથી આ જાલીનોટો બે ખેપમાં લાવ્‍યાનું ખુલતાં પોલીસ તેને સાથે લઇ હૈદરાબાદ તપાસ માટે રવાના થશે.

 આ કૌભાંડમાં અગાઉ પકડાયેલા અને રીમાન્‍ડ પર રહેલા આરોપી ભરત ઉર્ફે કિશોર મેરામભાઈ બોરીચાની પુછપરછ દરમિયાન વધુ નકલી નોટો તેના વતન દુર્લભનગર સોસાયટી રાજુલા  ખાતે ઘરમાં રાખી હોવાનું તેણે કબુલતા રૂ.૨૦૦૦ના દરની ૧ તથા રૂ.૫૦૦ના દરની નકલી નોટ નંગ-૧૪૩ તથા રૂ.૨૦૦ના દરની નકલી નોટો નંગ- ૯૯ તથા રૂ.૧૦૦ના દરની નકલી નોટો નંગ-૨૭૨ એમ મળી કુલ અલગ અલગ દરની નોટ નંગ-૫૧૫ રૂપિયા ૧,૨૦,૫૦૦ની ડુપ્‍લીકેટ ચલણી નોટો મળી આવતા કબ્‍જે કરવામાં આવી હતી.

આંગડિયા પેઢીમાં જમા થયેલી અસલી-નકલી નોટો ત્‍યાંથી લ આરોપીઓમાં ભરત ઉર્ફે કિશોર મેરામભાઇ બોરીચા (ઉ.વ.૪૦ રહે.નીઘી એપાર્ટમેન્‍ટ સાઘુવાસવાણી રોડ રાજકોટ મુળ રહે.દુર્લભ નગર સોસાયટી મહુવા રોડ રાજુલા જી.અમરેલી), તેજસ ઉર્ફે ગોપાલ રાજુભાઈ જસાણી ઉ.વ.૩૦ રહે.નિલકંઠપાર્ક રામનગર સોસા.બાબરા જી.અમરેલી), વિમલ બીપીનભાઇ થડેશ્વર (ઉ.વ.૩૯ રહે.પેન્‍ટાગોન એપા.સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ સામે મોટામવા રાજકોટ),  ગુરપ્રિતસિંગ ઘનશ્‍યામદાસ કારવાણી (ઉ.વ.૪૭ રહે.જંકશન પ્‍લોટ દેના બેંકની સામે રાજકોટ ) અને મયુર બીપીનભાઇ થડેશ્વર (ઉ.વ.૪૩ રહે.જંકશન પ્‍લોટ શેરીનં.૧૩/૭ રાજકોટ)ની ધરપકડ થતાં ત્રણ દિવસના રિમાન્‍ડ મળ્‍યા હતાં. જે આજે પુરા થતાં સાંજે પાંચેયને કોર્ટ હવાલે કરાશે.

પોલીસે અગાઉ માં રૂ.૫૦૦ના દરની ૫૧૩ નકલી નોટો રૂપિયા.૨,૫૬,૫૦૦ની કબ્‍જે કરી હતી. વધુ ૩૪૪૩ નકલી નોટો કબ્‍જે થઈ છે. દસ દિવસના રિમાન્‍ડ પર રહેલો અને નકલી નોટો મોકલનારો પુનાના પીંપરી કમલેશ ઉર્ફ કનૈયાલાલ જેઠવાણીને કબુલ્‍યું છે કે પોતે અગાઉ ચોકલેટ-પીપરેમન્‍ટ તથા કોસ્‍મેટીક્‍સનો ધંધો કરતો હતો. પરંતુ જીએસટી આવ્‍યા બાદ આ ધંધામાં જામ્‍યું નહોતું. એ દરમિયાન વ્‍હોટ્‍સએપ ચેટ મારફત હૈદરાબાદના શખ્‍સનો સંપર્ક થયો હતો અને તેની પાસે જાલીનોટો હોવાનું જાણી પોતાના રાજકોટ રહેતાં મામાના દિકરા ગુરપ્રિતસિંઘને વાત કરી હતી અને કોઇ ગ્રાહક હોય તો શોધી કાઢવા કહેતાં ગુરપ્રિતસિંઘે જ બીજા મિત્રો મયુર, વિમલ મારફત રાજુલાના તેજસનો સંપર્ક કરી ભરત સુધી પહોંચી તેને જાલીનોટો આપી હતી. કમલેશ પહેલી વાર રાજકોટ બે પાંચસોવાળી જાલીનોટ બતાવવા આવ્‍યો હતો. જે ભરતે ઓકે કરી હતી એ પછી તેણે પહેલી ખેપમાં પાંચ લાખની અને બીજી ખેપમાં બાર લાખની નોટો મંગાવી હતી. ઉલ્લેખનિય છે કે પોલીસે ભરતના ઘરેથી  વધુ જાલીનોટો કબ્‍જે કરી તેમાં ૫૦૦ની સાથે ૧૦૦, ૨૦૦ અને ૨૦૦૦ના દરની નકલી નોટો પણ હતી.

શહેર પોલીસ કમિ‘રશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનરશ્રી સૌરભ તોલંબિયા, ડીસીપી ઝોન ૨ સુધીરકુમાર દેસાઈ, એસીપી દક્ષિણની રાહબરીમાં પીઆઇ કે.એન.ભુકણ, પીએસઆઇ  જી.એન.વાઘેલા, બી.એચ.પરમાર, કે.કે.પરમાર તથા એએસઆઇ એમ.વી.લુવા, બી.વી.ગોહિલ, હેડકોન્‍સ. વીરભદ્રસિંહ જાડેજા, મુકેશભાઈ ચરમટા, કોન્‍સ. જયરાજસિંહ કોટીલા, જગદીશભાઇ વાંક, કેતનભાઇ બોરીચા, સાગરદાન દાંતી, ભગીરથસિંહ ઝાલા,હરપાલસિંહ જાડેજા, હરવિજયસિંહ ગોહિલ, નીરવભાઇ ખીમાણી, અશ્વીનભાઇ પંપાણીયા તથા સંજયભાઇ જાદવ સહિતનો સ્‍ટાફ વધુ તપાસ કરે છે. એક ટીમ કમલેશને સાથે લઇ હૈદરાબાદ તપાસમાં રવાના થશે.

(1:27 pm IST)