Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

સીતારામ સોસાયટીમાં ભાવેશભાઇ ડાભીના બંધ મકાનમાં ૩૩ હજારના દાગીનાની ચોરી

સુથાર પરિવાર સોમનાથ ફરવા ગયોને તસ્કરો હાથફેરો કરી ગયા

રાજકોટ તા. ર૩ :.. શહેરના કોઠારીયા સોલવન્ટ પાસે આવેલી સીતારામ સોસાયટીમાં રહેતા સુથાર પરિવારના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો રૃા. ૩૩ હજારની કિંમતના સોના-ચાંદીના દાગીના ચોરી જતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ સિતારામ સોસાયટી શેરી નં. ૪ માં રહેતા ભાવેશભાઇ નાનજીભાઇ ડાભી (ઉ.વ.૩૦) એ  આજી ડેમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, બે દિવસ પહેલા પોતે પરિવાર સાથે ઘરને તાળુ મારી સોમનાથ ફરવા માટે ગયા હતાં. પરમ દિવસે પાડોશી આશીષભાઇ છાંયાનો ફોન આવેલ અને વાત કરેલ કે 'તમારા મકાનની ડેલી ખુલ્લી છે,' તેમ વાત કરતા પોતે પોતાના બનેવી અશોકભાઇ ચાંદેગારાને ફોન કરી તપાસ કરવાનું કહેતા તેણે તપાસ કરતા ઘરમાં સામાન વેરવીખેર જોતા ફોન કરી પોતોન કહેલ કે  'તમારા ઘરના દરવાજા ખુલ્લા અને અંદર સામાન વેરવિખેર છે તેમ જણાવતા પોતે રાજકોટ આવ્યા ત્યારે ઘરના દરવાજામાં લગાવેલું તાળુ જોવામાં ન આવતા પોતે અંદર જઇ જોતા સામાન-વેરવિખેર હતો. અને કબાટમાં રાખેલ સોનાની બે-બુટ્ટી, સોનાના દાણા, ચાંદીની ત્રણ જોડી જાંજરી, સોનાની બે વીંટી અને રૃા. ૧ર૦૦૦ રોકડા મળી રૃા. ૩૩૦૦૦ ની મતા જોવા ન મળતા ચોરી થઇ હોવાની ખબર પડી હતી. બાદ પોતે આજી ડેમ પોલીસ મથકમાં જાણ કરતા હેડ કોન્સ.  એમ. ડી. પરમારે ફરીયાદ દાખલ કરી એ. એસ. આઇ. યશવંતભાઇ ભગતે તપાસ હાથ ધરી છે.

 

 

વસંતભાઇ ગોહેલે ઘરે જવા બાઇકમાં લિફટ લીધી, રસ્તામાં સ્લીપ થતાં મોત

માધાપર ચોકડી અમી હાઇટ્સમાં રહેતાં વૃધ્ધે હોસ્પિટલમાં દમ તોડ્યોઃ કુતરૃ આડે આવતાં નાગેશ્વર પાસે બાઇક સ્લીપ થયું હતું

રાજકોટ તા. ૨૩: જામનગર રોડ પર નાગેશ્વર પાસે ઘંઉના ગોડાઉન નજીક કુતરૃ આડે આવતાં બાઇક સ્લીપ થતાં ચાલક અને પાછળ બેઠેલા માધાપર ચોકડી પાસે રહેતાં વૃધ્ધ ફંગોળાઇ જતાં વૃધ્ધને માથામાં ગંભીર ઇજા થતાં હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંંતુ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ વૃધ્ધે ઘરે જવા માટે લિફટ લીધી હતી અને રસ્તામાં મોત મળ્યું હતું.

માધાપર ચોકડી નજીક અમી હાઇટ્સ બી-૮૦૧માં રહેતાં વસંતભાઇ રસિકભાઇ ગોહેલ (ઉ.વ.૬૦) શનિવારે સાંજે ઘરેથી આટો મારવા ગયા હતાં. એ પછી સાંજે સાતેક વાગ્યે પરત ઘરે જવા એક બાઇક ચાલકને ઉભા રાખી લિફટ લીધી હતી. બાઇક નાગેશ્વર સામે ઘંઉના ગોડાઉન પાસે  પહોંચ્યું ત્યારે એકાએક કુતરૃ દોડીને આડે આવતાં બાઇક ચાલકે તેને બચાવવાનો પ્રયાસ કરતાં બાઇક સ્લીપ થઇ જતાં તે અને પાછળ બેઠેલા વસંતભાઇ ફેંકાઇ ગયા હતાં. જેમાં વસંતભાઇને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. ચાલકનો નજીવી ઇજા સાથે બચાવ થયો હતો.

વૃધ્ધ વસંતભાઇને સિવિલમાં ખસેડાયા હતાં. અહિ ગત સાંજે તેમણે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તેઓ નિવૃત જીવન જીવતાં હતાં અને સંતાનમાં ત્રણ પુત્રી તથા એક પુત્ર છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.

(3:37 pm IST)