Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

હોટેલ સંચાલક પર હુમલો કરી રિવોલ્વર લૂંટનો ભેદ ખુલ્યોઃ રાજસ્થાની શખ્સ શકિતકાંત ઝડપાયો

ભકિતનગર રેલ્વે સ્ટેશન પાછળના પટમાં ૧૮મીએ ઘટના બની હતીઃ રેલ્વે પોલીસે ગુનો ડિટેકટ કર્યો : પીઆઇ એ. બી. અંસારી, એએસઆઇ કાંતિલાલ કટારીયા અને ટીમે સીસીટીવી ફૂટેજને આધારે મોકાજી સર્કલ રોડેથી દબોચી લીધોઃ રીવોલ્વર કબ્જેઃ આરોપીએ કહ્યું-મેં હુમલો કર્યા બાદ ડર હતો કે મારા પર ભડાકો થશે, આ કારણે રિવોલ્વર લઇ ભાગ્યો'તો

રાજકોટ તા. ૨૩: દોઢસો ફુટ રીંગ રોડ પર બિગ બાઝાર સામે સિલ્વર સ્ટોન સોસાયટીમાં રહેતાં અને જમીન મકાનની દલાલીનું કામ કરવા સાથે લોહાનગરમાં ચાની હોટેલ પણ ચલાવતાં સવજીભાઇ વીરાભાઇ ડાંગર (ઉ.વ.૬૧) નામના વૃધ્ધ ૧૮મીએ ભકિતનગર રેલ્વે સ્ટેશન પાછળના પટમાં કબૂતરોને ચણ નાખવા ગયા ત્યારે  એક શખ્સ ભડકો કરી ડોલમાં પાણી ભરી બેઠો હોઇ વૃધ્ધે તેનું પાણી ઢોળી નાંખી મેદાનમાં ભડકા કરવાની ના પાડતાં તેણે ઉશ્કેરાઇ જઇ હુમલો કરી માથામાં ઇજા પહોંચાડી હતી અને તેમની કમરે બાંધેલી પરવાનાવાળી રિવોલ્વર લૂંટી ભાગી ગયો હતો. આ ભેદ રેલ્વે પોલીસે ઉકેલી નાખી મુળ રાજસ્થાના ડુંગરપુરના વીંછીવાડાના જીંજવા ગામના અને હાલ રાજકોટમાં રખડતાં રહેતાં શકિતકાંત જગન્નાથજી ડામોર (ઉ.૩૦)ને દબોચી લઇ રિવોલ્વર કબ્જે કરી છે.

રેલ્વે પોલીસે હુમલો અને લૂંટનો ગુનો દાખલ કર્યા બાદ તપાસનો ધમધમાટ શરૃ કર્યો હતો. ડીવાયએસપી જે. કે. ઝાલાની રાહબરીમાં પીઆઇ એ. બી. અંસારી અને ટીમે ઘટના સ્થળની આસપાસના સીસીટીવી કેમેરા ચેક કરતાં અને આરોપી જે તરફ ભાગ્યો એ રસ્તા પરના કેમેરા ચેક કરતાં પગેરૃ મળ્યું હતું. છેલ્લે તેને કાલાવડ રોડ પાણીના પ્લાન્ટથી મોકાજી સર્કલના રસ્તે ટેનીસ એકેડેમીના ખુલ્લા પટમાંથી પકડી લેવાયો હતો. તેની પાસેથી લૂંટાયેલી રિવોલ્વર પણ મળી આવી હતી જે ખાલી હતી.

ઘટનાને દિવસે એવી વિગતો સામે આવી હતી કે અજાણ્યો શખ્સ કબૂતરને પાણીની ડોલમાં ડુબાડી રહ્યો હતો અને બાજુમાં ભડકો કર્યો હતો. પણ આરોપીએ કબુલ્યું છે કે હું રેલ્વેના ખુલ્લા પટમાં પક્ષીને લોકો ચણ નાખે છે ત્યાં બેઠો હતો અને મેં ટાઢને કારણે તાપણુ કર્યુ હતું. મારી પાસે કાળા કલરનું પતરાનું ડબલુ હતું. જેમાં સફેદ કલર હતો તેના દ્વારા મેં તાપણુ કર્યુ હતું. એ વખતે વૃધ્ધે આવી પક્ષીઓને ચણવાની જગ્યાએ આવા તાપણા નહિ કરવાનું કહી ડબલાને પાટુમ ારી દેતાં મનેગુસ્સો આવતાં મેં ત્યાં પડેલા લોખંડના ટૂકડાથી હુમલો કરી બે ત્રણ  ફટકા મારી દેતાં તે પડી ગયેલ અને લોહી નીકળવા માંડ્યા હતાં. એ દરમિયાન તેના કમરે મં રિવોલ્વર જોતાં જો એ ઉભા થશે તો મારા પર ભડાકો કરશે તેવો ભય લાગતાં મેં રિવોલ્વર કાઢી લીધી હતી અને ભાગી ગયો હતો.

આરોપીના રિમાન્ડ મળતાં વિશેષ પુછતાછ થઇ રહી છે. તેની ઓળખ પરેડ કરાવવા તજવીજ કરવામાં આવી હતી. ડીવાયએસપીશ્રી ઝાલાની રાહબરીમાં પીઆઇ અંસારી, એએસઆઇ કાંતિભાઇ કટારીયા, વાલજીભાઇ ડાંગર, શકિતસિંહ ઝાલા, યોગીરાજસિંહ ઝાલા, સંતોષભાઇ ગઢવી, તેજસભાઇ, વિષ્ણુભાઇ, અશોકભાઇ, નિતીનભાઇ, દિલીપભાઇ, અનિલભાઇ, હર્ષદભાઇ, ઘનશ્યામભાઇ, અજયભાઇ સહિતે આ કામગીરી કરી હતી.

(3:45 pm IST)