Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

આપને કેવુ બજેટ જોઇએ છે ? સુચનો માંગતા મ્‍યુ.કમિશનર

જનસુખાકારી માટે જનઅભિપ્રાયને આવકારતા અમિત અરોરા

રાજકોટ,તા. ૨૩ : મહાનગરપાલિકાના આગામી નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ના અંદાજપત્રમાં લોકોની અપેક્ષાનું યોગ્‍ય પ્રતિબિંબ ઝીલાય, શહેરનો સર્વાંગી અને સમતોલ વિકાસ થાય તેમજ મ્‍યુનિ. તંત્રની આર્થિક સ્‍થિતી વધુ મજબુત થાય તેવા ઉમદા અને પ્રગતિશીલ આશય સાથે મ્‍યુનિ. કમિશનર શ્રી અમિત અરોરાએ રાજકોટના નાગરિકો પાસેથી બજેટ માટે સુચનો આમંત્રિત કર્યા છે.

મ્‍યુનિ. કમિશનરશ્રીએ બજેટ ૨૦૨૩-૨૪ માટે શહેરના વિકાસને વેગવાન બનાવવા તેમજ લોકોના સ્‍થાનિક પ્રશ્‍નોને વાંચા મળી રહે તે માટે સુચનો આપવા અનુરોધ કરતા એમ જણાવ્‍યું હતુ કે, મ્‍યુનિ.કોર્પોરેશને સ્‍થાનિક સ્‍વરાજયની સંસ્‍થા તરીકેની અતિ મહત્‍વપૂર્ણ જવાબદારી નિભાવવાની થતી હોય તેના વહીવટમાં નાગરિકોના અવાજનો પણ યોગ્‍ય પડઘો પડે તે ખૂબ જ આવકારદાયક બની રહેશે.

મ્‍યુનિ. કમિશનરે વધુમાં એમ જણાવ્‍યું હતું કે, મહાનગરપાલિકાના ઉપરાંત મહાનગરપાલિકાની આર્થિક સ્‍થિતી યોગ્‍ય સ્‍તરે જળવાઇ રહે અને શકય હોય ત્‍યાં સુધી વધુ મજબુત બને તે માટે કરમાળખા સહિતના નાણાંકીય આયોજનમાં કેવા કેવા પગલા લઇ શકાય તે વિશે પણ લોકોએ સુચન કરવા જોઇએ.

નાગરિકોએ પોતાના સુચનો તા. ૨૮/૧/૨૦૨૩ સુધીમાં રાજકોટ મહાનગરપાલીકાની વેબસાઇટ http:// www.rmc.gov.in/ FormBudgetSuggestions પર જઇને સુચનો આપી શકશે.

(4:24 pm IST)