Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

રાજકોટમાં રવિવારે યોજાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષા અંગે જાહેર કરાયેલા પ્રતિબંધક આદેશો

પરીક્ષા કેન્દ્રોના કંપાઉન્ડની ચારે બાજુની ત્રિજયાના ૧૦૦ મીટરના વિસ્તારમાં અનધિકૃત વ્યકિતઓ તેમજ ચાર કે તેથી વધારે વ્યકિતઓ એકત્રિત થઈ શકશે નહીં ; પુસ્તક, ગાઇડ, ચાર્ટ, મોબાઇલ ફોન,બ્લુ ટુથ જેવા ઇલેકટ્રોનીક સાધનો પરીક્ષા સ્થળ અને પરીક્ષા ખંડમાં લઇ જઈ શકાશે નહીં

રાજકોટ:રાજકોટ શહેરમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા જુનિયર ક્લાર્ક (વહીવટી/હિસાબી) વર્ગ-૩ સંવર્ગની પરીક્ષા શહેરની અલગ-અલગ શાળા-કોલેજોના કુલ ૧૪૯ કેન્દ્રો ખાતે તા.૨૯/૦૧/૨૦૨3નાં રોજ સવારે ૧૧ વાગ્યાથી ૧૨ સુધી લેવાનાર છે. આ પરીક્ષાઓ પરીક્ષાર્થીઓ કોઇ પણ જાતની ખલેલ વિના શાંત વાતાવરણમાં આપી શકે, તે હેતુસર શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ દ્વારા નીચે મુજબના પ્રતિબંધક આદેશો જારી કરવામાં આવ્યા છે.

  રાજકોટ શહેરમાં પરીક્ષા કેન્દ્રોના કંપાઉન્ડની ચારે બાજુની ત્રિજયાના ૧૦૦ મીટરના વિસ્તારમાં અનધિકૃત વ્યકિતઓ તેમજ ચાર કે તેથી વધારે વ્યકિતઓ એકત્રિત થઈ શકશે નહીં. પરીક્ષા કેન્દ્રોની આજુબાજુની ૧૦૦ મીટરની ત્રિજયામાં સ્ટેશનર્સ, વેપારીઓ, શાળા સંચાલકોને ઝેરોક્ષ મશીન અને ફેક્સ મશીન ચાલુ રાખવાની મનાઈ છે. શાળાઓની ૧૦૦ મીટરની ત્રિજયામાં કોઇ વ્યકિત વાહનો લાવશે નહી કે શાળાઓમાં વાહનો લઈ જઈ શકશે નહીં.

  આ ઉપરાંત, પરીક્ષાર્થીઓએ પ્રશ્નપત્રને લગતુ સાહિત્ય, પુસ્તક, ગાઇડ, ચાર્ટ, મોબાઇલ ફોન,બ્લુ ટુથ જેવા ઇલેકટ્રોનીક સાધનો પરીક્ષા સ્થળ અને પરીક્ષા ખંડમાં લઇ જઈ શકાશે નહીં તેમજ સુપરવાઇઝરોએ પણ પરીક્ષા ખંડમાં મોબાઈલ ફોન લઇ જવાના રહેશે નહીં. પરીક્ષા કેન્દ્રોના સ્થળ સંચાલક, સુપરવાઇઝર (ખંડ નિરીક્ષકો), સરકારી પ્રતિનિધિ અને વર્ગ-૪ના કર્મચારીઓએ ચોકસાઇપુર્વકનું ઓળખકાર્ડ સાથે રાખવાનુ રહેશે અને સબંધિતોએ ઓળખકાર્ડ પહેરવાનુ રહેશે. ઓળખકાર્ડ સિવાયની કોઇપણ વ્યકિત પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ કરી શકશે નહીં. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર બનશે.

(1:01 am IST)