Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

મુંબઈની મહિલા રાજકોટમાં ભૂલી પડતા પરિવાર સાથે પુનઃ મિલન કરાવતી ૧૮૧ મહિલા અભયમ ટીમ

રાજકોટ: મહિલાઓની સુરક્ષા કાજે ૨૪ કલાક અવિરતપણે કાર્ય કરતી ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઇન ટીમે ભૂલી પડેલી મહિલાને ઘરે પહોંચાડીને પરિવાર સાથે મિલાપ કરાવ્યો હતો.

 એક જાગૃત નાગરિકે ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઈન નંબર પર રાજકોટના રેસકોર્સ પાસે ભૂલી પડી ગયેલ મહિલા વિશે માહિતી આપી જે અંગે ૧૮૧ અભયમ ટીમના કાઉન્સેલર સેજલબેન તથા કોન્સ્ટેબલ રીનાબેને જણાવ્યું હતું કે, ગભરાયેલ હાલતમાં મળી આવેલ આ મહિલાને કશું જ યાદ નહોતું, જેથી તેમના પરિચય અને ઘરનું એડ્રેસ મેળવવું પણ મુશ્કેલ બની ગયુ હતું. તેવા સંજોગોમાં કલાકો સુધી રાહ જોયા બાદ મહિલાને હિંમત આપીને તેનું ધીરજપૂર્વક કાઉન્સેલીંગ કર્યા બાદ મહિલાનું એડ્રેસ ખબર પડતાં તે એડ્રેસ પરથી જાણવા મળ્યું કે તેઓ એક વર્ષ પહેલા સંસ્કાર મેઈન રોડ ઉપર રહેતા હતા. પરંતુ હાલ ત્યાં રહેતા નથી. ત્યારે તે વિસ્તારના એક રહેવાસીએ તે મહિલાના સંબધી નજીકના વિસ્તારમાં રહે છે તેમ જણાવતા પીડિતાના સંબંધીના ઘરે પીડિતાને લઈ જવાઈ હતી. ત્યાં જાણ થઈ હતી કે તે મહિલાના મામાજી સસરાનું ઘર છે.

ત્યાર બાદ તેમના પતિનો સંપર્ક સાધતા વિગત મળી કે તેમની  પત્ની મુંબઈથી સવારે પાંચ વાગ્યે નીકળી ગયા હતા તેઓ  મુંબઈના રહેવાસી છે. અને તેઓ સવારથી તેમની પત્નીની શોધ કરતા હતા. જે વિશે તેમણે પોલીસ સ્ટેશનમાં જાણ પણ કરી હતી.

   આમ, પુરા કેસની વિગતે માહિતી મેળવી ૧૮૧ ની મહિલા અભયમ ટીમે મહિલાને સુરક્ષિત તેમના સંબંધીને ઘેર મુકી દીધી હતી

(1:05 am IST)