Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

કુચીયાદડના પાટીયેથી ૭.૭૨ લાખનો દારૂ ભરેલો રાજસ્થાન પાસીંગનો ટ્રક ઝડપાયો

ટ્રક મુકી ચાલક ફરારઃ શહેર એસઓજી અને પેરોલ ફરલો સ્કવોડની ટીમની કામગીરીઃ કુલ રૂ. ૨૨,૭૨,૮૦૦નો મુદ્દામાલ કબ્જે : ટ્રક પાછળ પ્લાયવૂડનુ મોટુ બોકસ બનાવી તેની અંદર ૨૦૪૦ બોટલો છુપાવાઇ હતી : હેડકોન્સ. વિજેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. અઝહરૂદ્દીન બુખારીની સફળ બાતમી : પીઆઇ આર.વાય. રાવલની રાહબરીમાં પીએસઆઇ એમ. એસ. અંસારીની ટીમનો દરોડો

રાજકોટ તા. ૨૩: આજે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચુંટણીની મત ગણતરી શરૂ થાય એ પહેલા વહેલી સવારે શહેર એસઓજી અને પેરોલ ફરલો સ્કવોડની ટીમે હેડકોન્સ. વિજેન્દ્રસિંહ એ. ઝાલા અને કોન્સ. અઝહરૂદ્દીન બુખારીની બાતમી પરથી કુવાડવા રોડ કુચીયાદડના પાટીયા પાસે જે. કે. હોટેલ સામેથી રૂ. ૭,૭,૨૮૦૦નો દારૂ ભરેલો રાજસ્થાન પાસીંગનો ટોરસ ટ્રક ઝડપી લીધો છે. જો કે અંધારાનો લાભ લઇ ચાલક ભાગી ગયો હતો. ટ્રક પાછળ ઠાઠામાં પ્લાયવૂડનું મોટુ બોકસ બનાવી તેની અંદર ૨૦૪૦ નંગ દારૂની બોટલો છુપાવવામાં આવી હતી.

બાતમી મળી હતી કે આરજે૨૦જીએ-૪૩૨૨ નંબરનો રાજસ્થાન પાસીંગનો ટ્રક રાજકોટ તરફ આવી રહ્યો છે અને તેમાં દારૂનો જથ્થો ભર્યો છે. આ માહિતીને આધારે વોચ રાખવામાં આવતાં બાતમી મુજબનો ટ્રક આવ્યો હતો. પરંતુ પોલીસને જોઇ ચાલક ટ્રક મુકી અંધારામાં ભાગી ગયો હતો. પોલીસે તપાસ કરતાં ટ્રકના ઠાઠામાં  પ્લાયવૂડથી બનાવાયેલુ મોટુ બોકસ જોવા મળ્યું હતું. તે તોડીને અંદર જોતાં અલગ-અલગ બ્રાન્ડનો રૂ. ૭,૭૨,૮૦૦નો ૨૦૪૦ બોટલ દારૂ મળતાં તે તથા ૧૫ લાખનો ટ્રક મળી કુલ રૂ. ૨૨,૭૨,૮૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા અને એસઓજી પીઆઇ આર.વાય. રાવલની સુચના અંતર્ગત પીએસઆઇ એમ. એસ. અંસારી, હેડકોન્સ. ઝહીરખાન ખફીફ, હેડકોન્સ. વિજેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. અઝહરૂદ્દીન બુખારી, અનિલસિંહ ગોહિલ, સોનાબેન મુળીયાની ટીમે આ કામગીરી કરી હતી. ટ્રકના નંબરને આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

(11:53 am IST)