Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

૬ કિન્નર અને રિક્ષાચાલક કપિલ સામે અપહરણ, એટ્રોસીટી, અશ્લિલ વિડીયો વાયરલ કરવાનો ગુનો

મેહુલ ઉર્ફ પાયલ અને તેના મિત્રનું અપહરણ કરી ધોકાવી વિડીયો ઉતારવાની ઘટનામાં : ગઇકાલે ફરીથી રામનાથપરાના કિન્નરોએ મેહુલ ઉર્ફ પાયલ માફી માંગે તેવી માંગણી સાથે રજૂઆત કરી હતી : તું કિન્નર નથી તો'ય કેમ લોકો પાસે પૈસા માંગે છે? ઘરભેગો થઇ જજે, આ ડુપ્લીકેટ છ કહી માર મારી કપડા ઉતરાવી વિડીયો ઉતાર્યો હતો

રાજકોટ તા. ૨૩: શહેરમાં રહેતાં ટ્રાન્સજેન્ડર યુવાન અને કિન્નરો વચ્ચે ચાલી રહેલી માથાકુટમાં માલવીયાનગર પોલીસે છ કિન્નર અને એક રિક્ષાચાલક મળી સાત સામે ટ્રાન્સજેન્ડરનું અને તેના મિત્રનું તેના ઘરેથી અપહરણ કરી લોધાવાડ ચોકમાં લઇ જઇ માર મારી આ ડુપ્લીકેટ છે, તું કિન્નર નથી તો'ય શું કામ માંગવા નીકળે છે? તેમ કહી ગાળો દઇ તેનો અશ્લિલ વિડીયો ઉતારી વાયરલ કરવા સબબ ગુનો નોંધ્યો છે.

આ ઘટનામાં માલવીયાનગર પોલીસે ગોકુલધામ મેઇન રોડ પર ડાલીબાઇ આર.એમ.સી. કવાર્ટર નં. ૧૫૬૨ બ્લોક નં. ૨૩માં અનસુયાબેનના કવાર્ટરમાં ભાડેથી રહેતાં મેહુલ ઉર્ફ પાયલ રાઠવા દુધાભાઇ રાઠોડની ફરિયાદ પરથી કપીલ, ભાવીકાદે, નિકીતાદે, ગોપીદે, અંજલીદે, પીનલદે અને મીરાદે ઉર્ફ ફટકડી સામે આઇપીસી ૩૬૫, ૪૫૨, ૩૨૩, ૫૦૪, ૧૧૪ તથા એટ્રોસીટી અને ઇન્ફર્મેશન ટેકનોલોજીની કલમ ૬૭ તેમજ ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો છે.

ફરિયાદી મેહુલ ઉર્ફ પાયલે પોલીસ એફઆઇઆરમાં જણાવ્યું છે કે હુંચિત્રકામ કરુ છું, મારા પિતા દુધાભાઇ અને માતા લીલાબેન સુરેન્દ્રનગરના પાટડી ખાતે રહે છે. હું તેમનાથી અલગ રહુ છું અને સ્ત્રીના વેશભુષાવાળા કપડા પહેરુ છું. તા. ૧૫/૨/૨૧ના રાતે સાડા દસેક વાગ્યે હું અને મારો મિત્ર વિશાલ ઉર્ફ બબુ રમેશભાઇ ચોૈહાણ મારા ઘરે હતાં ત્યારે અજાણ્યા ત્રણેક કિન્નર મારા ઘરમાં ઘુસી ગયા હતાં અને મને કહેલુ કે-તેઓ કિન્નર છે અને રામનાથપરા બાજુ રહે છે. તેમ કહી પોતાના નામ મીરાદે ઉર્ફ ફટકડી, પીનલદે, અંજલી દે કહ્યું હતું. આ ત્રણેયે મને-તું કિન્નર નથી, ઘરભેગો થઇ જજે તેમ કહી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કર્યો હતો.

એ પછી મને પોતાની સાથે આવવાનું કહેતાં હું તેમને ઓળખતો ન હોઇ સાથે જવાની ના પાડતાં આ તમામે મને તથા મિત્ર વિશાલ ઉર્ફ બબુને બળજબરીથી રિક્ષામાં બેસાડી દીધા હતાં. રિક્ષાચાલકને મીરાદેએ કપિલ રિક્ષા ફટાફટ જવા દે તેમ કહેતાં કપીલે આનંદ બંગલા ચોક થઇ ગોંડલ રોડ સુર્યકાંત હોટેલ પાસે રિક્ષા ઉભી રાખી હતી. એ પછી ત્રણેય કિન્નરો અને રિક્ષાચાલકે અમને નીચે ઉતારેલ અને ગાળો દઇ ઢીકા પાટુનો માર મારવા માંડ્યા હતાં. 'તું કિન્નર નથી તો પણ કેમ કિન્નર થઇને લોકો પાસે પૈસા માંગે છે' તેમ કહેતાં મેં તેને કહેલું કે હું કોઇ પાસે પૈસા માંગતો નથી.

એ પછી આ ત્રણેય કિન્નર અને રિક્ષાચાલક કપિલે ફરીથી મને તથા વિશાલને માર માર્યો હતો. ત્યાં થોડીવારમાં બીજા ત્રણ કિન્નર આવી ગયા હતાં. મીરાદેએ તેને નામ લઇને બોલાવ્યા હતાં. ગોપીદે, નિકીતાદે, ભાવીકાદે તમે આને પકડી રાખો આપણે આનો વિડીયો ઉતારીશું અને ખુલ્લો પાડીશું તેમ કહેતાં મને ત્રણે પકડી રાખ્યો હતો અને બળજબરીથી મારા કપડા ઉતારી પોતાના મોબાઇલમાં મારો અશ્લિલ વિડીયો ઉતાર્યો હતો. ચાલુ વિડીયોમાં એવું પણ કહેલું કે-આ ડુપ્લીકેટ છે. ગાળો પણ દીધી હતી. ત્યાં લોકો ભેગા થઇ જતાં કોઇએ ૧૦૦ નંબરમાં જાણ કરતાં પોલીસ આવી હતી. અમને એ-ડિવીઝનમાં લઇ ગયા હતાં. જે તે વખતે મારે અમારી કોમ્યુનિટીમાં વાત કરવાની બાકી હોઇ ફરિયાદ કરી નહોતી. એ પછી અમે ઘરે જતાં રહ્યા હતાં.

બીજા દિવસે ૧૬/૨ના રોજ સવારે એક મોબાઇલ ફોનમાં કિન્નરોએ મારો અશ્લિલ વિડીયો ઉતારેલ તે વહેતો થતાં અંતે ફરિયાદ કરી હતી. હેડકોન્સ.અશ્વિનભાઇ કાનગડે વિશેષ તપાસ હાથ ધરી છે.

નોંધનીય છે કે કિન્નરોએ માલવીયાનગર પોલીસ મથકે પહોંચી મેહુલ ઉર્ફ પાયલે ગુરૂનું અપમાન કર્ય હોઇ તે માફી માંગે અને તેને ગામ બહાર કરવામાં આવે તેવી માંગણી કરી કપડા ઉતારી નાંખ્યા હતાં. ગઇકાલે સોમવારે પણ કિન્નરોએ એ-ડિવીઝન પોલીસ મથકે પહોંચી મેહુલ ઉર્ફ પાયલ માફી માંગે તેવી માંગણી કરી રજૂઆત કરી હતી.

(1:03 pm IST)