Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

વોર્ડ નં. ૧૧માં વામ્બે આવાસ કવાર્ટરની ડો. ભીમરાવ આંબેડકર શાળા નં. ૯૫ની ઘટનામાં ૭ થી ૮ શખ્સો સામે ગુનો નોંધાયો

બોગસ વોટીંગ ચાલે છે...કહી ભય ફેલાવ્યો'તોઃ અજાણ્યા બુકાનીધારીઓને કારણે ૧:૨૫ કલાક મતદાન બંધ રહ્યું હતું

પ્રિસાઇડીંગ ઓફિસર ચૈતન્ય કરથીયાએ પોલીસ સમક્ષ વિતક વર્ણવતા એફઆઇઆર દાખલ કરી આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી : ગેઇટ બહાર પોલીસે અટકાવતાં તેની સાથે બળજબરી કરી દરવાજો ઠેકી અંદર ઘુસી જઇ ભયનો માહોલ ઉભો કર્યો હતો

રાજકોટ તા. ૨૨: રવિવારે મતદાનને દિવસે વોર્ડ નં. ૧૧ના વામ્બે આવાસ યોજના કવાર્ટરમાં ડો. ભીમરાવ આંબેડકર શાળા નં. ૯માં અજાણ્યા ૭ થી ૮ મોઢે બુકાની બાંધેલા શખ્સોએ બંદોબસ્તમાં રહેલી પોલીસ સાથે બળજબરી કરી વંડી ઠેંકી બુથ નં. ૧ થી ૩માં ગેરકાયદેસર રીતે ઘુસી જઇ  'બોગસ વોટીંગ ચાલે છે, બધુ તોડી નાંખો'...એવા દેકારા કરી ગાળો બોલી રૂમ નં. ૨ના પ્રિસાઇડીંગ ઓફિસર સાથે ઝપાઝપી કરી ઇવીએમમાં તોડફોડ કરી નુકસાન કરતાં અને ફરજમાં રૂકાવટ કરતાં ગુનો દાખલ થયો છે. કાવત્રુ ઘડી આવી ગુંડાગીરી આચરવામાં આવતાં તેના કારણે ૧ કલાલ અને ૨૫ મિનીટ સુધી મતદાન બંધ રહ્યું હતું. પોલીસે ગુનો નોંધી આ શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

આ બનાવમાં માલવીયાનગર પોલીસે ગેલેકસી પાસે તક્ષશિલા સોસાયટી-૫૧૧માં રહેતાં અને એફએસએલ કચેરીમાં સાયન્ટીફિક ઓફિસર તરીકે ફરજ બજાવતાં ચૈતન્યભાઇ જશવંતભાઇ કરથીયા (ઉ.૪૧)ની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સો અને તપાસમાં ખુલે તેની સામે લોકપ્રતિનિધ્વ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૧૩૧, ૧૩૨, ૧૩૬, આઇપીસી ૧૪૩, ૧૮૬, ૧૮૯, ૧૨૦ (બી), ૩૫૩, ડેમેજ ટુ પબ્લીક પ્રોપર્ટી એકટની કલમ ૩-૭ મુજબ ગુનો નોંધ્યો છે.

ઓફિસર શ્રી કરથીયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે ૨૧/૨ના રોજ મહાનગર પાલિકાની ચુંટણીનું મતદાન હોઇ હું ચુંટણી ફરજમાં વોર્ડ નં. ૧૧ વામ્બે આવાસ યોજનાના કવાર્ટરમાં આવેલી ડો. ભીમરાવ આંબેડકર શાળા નં. ૯૫ના રૂમ નં. ૨માં ફરજ પર હતો. અહિ બુથ નંબર ૨માં મને પ્રિસાઇડીંગ ઓફિસરની ફરજ સોંપાઇ હતી. મારી સાથે બીજા પોલીસ ઓફિસર વિપુલભાઇ સાકરીયા, રાજેન્દ્રભાઇ મારૂ, શ્રીમતી માધુરીકાબેન ભટ્ટ તથા ભાજપ કોંગ્રેસ પક્ષના એક એક પોલીંગ એજન્ટ હાજર હતાં.

મતદાન ચાલુ હતું એ વખતે બપોર બાદ ૩:૫૦ કલાક આસપાસ ૭ થી ૮ જણા મોઢે કપડા બાંધી રૂમ નંબર-૨માં ઘુસી આવ્યા હતાં અને મોટા અવાજે બોલવા માંડ્યા હતાં કે બોગસ વોટીંગ ચાલુ છે, બધુ તોડી નાંખો...આ શખ્સો અપશબ્દો પણ બોલતાં હતાં. તેને રોકવાનો અમે પ્રયાસ કરતાં ઝપાઝપી કરી ફરજમાં રૂકાવટ કરી ભયનો માહોલ ઉભો કર્યો હતો. મતકુટીર પાસે જઇ ઇવીએમ મશીનના બેલેટ યુનિટના વાયરો ખેંચી તેમાં તોડફોડ કરી હતી. તેમજ મશીન નીચે પછાડી દીધુ હતું. ઇવએમ મશીનનું કન્ટ્રોલ યુનિટ પણ નીચે ફેંકી દીધુ હતું અને બાદમાં આ બધા ભાગી ગયા હતાં.

અમે તુરત જ ઝોનલ ઓફિસર સી. બી. માલાણીને ફોનથી જાણ કરી હતી. વોટીંગ બંધ થઇ ગયું હતું. બુથમાં ઉભેલા મતદારો મતદાન આપ્યા વગર જ જતાં રહ્યા હતાં. દરમિયાન બુથ નંબર-૧માં પ્રિસાઇડીંગ ઓફિસર તરીકે ફરજ બજાવતાં જયકૃષ્ણભાઇ લક્ષ્મીશંકર પંચોલી તથા બુથ નંબર-૩ના ઓફિસર સંજયભાઇ મોહનભાઇ બારસીયા પણ બહાર આવ્યા હતાં. આ બંનેના રૂમમાં પણ અજાણ્યા શખ્સોએ ઘુસી બાદમાં ભાગી ગયાનું કહ્યું હતું.

મતદાન મથકો પર ફાળવવામાં આવેલા વિડીયોગ્રાફર શિવાલભાઇ બાવળીયાએ વિડીયોગ્રાફી કરી હતી. થોડીવારમાં ઝોનલ ઓફિસર અને આર.ઓ. શ્રી ચોૈધરી તથા પોલીસ અધિકારીઓ આવી ગયા હતાં. ઇવીએમના ટેકનીશીયન આવી ગયા હતાં. પંચરોજકામ કરાયું હતું. તોડફોડથી ઇવીએમ મશીનના બેલેટ યુનિટમાં રૂ. ૯ હજારની નુકસાની થઇ હતી. જુના ઇવીએમ શીલ કરી નવા મશીન મુકી ફરીથી  સાંજે ૫:૧૫ કલાકે વોટીંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ શાંતિપુર્ણ મતદાન થયું હતું. અજાણ્યા શખ્સોએ કાવત્રુ રચી ગેઇટ બહાર ફરજ બજાવતાં પોલીસ કર્મચારીઓ ઉપર બળવાપરી પોલીસે તેને અટકાવવા છતાં દરવાજો ઠેંકી સ્કૂલમાં પ્રવેશી બુથ નંબર-૧ થી ૩માં ગેરકાયદે પ્રવેશ કરી ફરજમાં રૂકાવટ કરી રાડો પાડી ભયનો માહોલ ઉભો કરી ઝપાઝપી કરી તોડફોડ નુકસાની કરી ભાગી ગયા હતાં.

અમે ત્રણેય પ્રિસાઇડીંગ ઓફિસરને ચુંટણી અધિકારી દ્વારા લેખિત ફરિયાદ કરવા સચુના અપાતાં અમે ફરિયાદ કરી છે. તાલુકા પીઆઇ જે. વી. ધોળાની રાહબરીમાં પીએસઆઇ વી. પી. આહિર અને ટીમે તપાસ શરૂ કરી આરોપીઓને શોધી કાઢવા તજવીજ હાથ ધરી છે.

(1:03 pm IST)