Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2024

ત્રણ ભેજાબાજોએ પોતાના આધારકાર્ડમાં છેડછાડ કરી બજાજ ફાયનાન્‍સમાંથી મોબાઇલની એકથી વધુ લોન લઇ હપ્તા ન ભર્યા !

એ ડીવીઝન પોલીસ સ્‍ટેશનમાં કંપનીના એરીયા મેનેજરની ફરીયાદ પરથી છેતરપીંડી અને આઇટી એકટ હેઠળ ગુન્‍હો નોંધાયો

રાજકોટ, તા., ૨૩:  શહેરના એ ડીવીઝન  પોલીસ સ્‍ટેશનમાં બજાજ ફાયનાન્‍સ કંપનીમાંથી કન્‍ઝયુમર લોન અંતર્ગત ધર્મેશ રમેશભાઇ સાદરીયા, (રહે. લાલપુર, જી.જામનગર, પટેલ શેરી, પોસ્‍ટ ઓફીસ પાસે), સુરેશ ચમનભાઇ ઝાલા (રહે. તોપખાના શેરી નં. ૧, જામનગર રોડ રાજકોટ) અને નૈતિક જયેશભાઇ રૂપારેલ (રહે. હરીકૃષ્‍ણ સોસાયટી, શેરી નં. ર, રાજકોટ) એ પોતાના આધાર કાર્ડ સહીતના દસ્‍તાવેજી પુરાવામાં છેડછાડ કરી મોબાઇલની એક થી વધુ લોન મેળવી હપ્તા નહિ ભરી કંપની સાથે  છેતરપીંડી કર્યાની ફરીયાદ નોંધાતા તપાસ હાથ ધરવામાં આવી છે.

ફરીયાદી ઘનશ્‍યામભાઇ જયંતીભાઇ શિંગાળા (ઉ.વ. ૩૨ ધંધો. નોકરી રહે. વલ્લભ આશ્રય, ૮૦ ફુટ રોડ અંબીકાપાર્ક શ્‍યામલ સ્‍કાઇલાઇફ મધર ટેરેશા સ્‍કૂલની બાજુમાં રાજકોટ મોબાઇલ ૯૯૭૮૨૧૮૧૧૧) એ ફરીયાદમાં જણાવ્‍યું છે કે છેલ્લા નવ વર્ષથી બજાજ ફાયનાન્‍સમાં એરિયા મેનેજર તરીકે હું ફરજ બજાવું છું અને બીગ બજાર સામે આવેલ ઇમ્‍પીરીયલ હાઈટસમાં અમારી ઓફીસ આવેલ છે ત્‍યા જ બેસી મારે કામ કરવાનું હોય છે.

અમો બજાજ ફાઇનાન્‍સ કંપનીમાંથી જુદાજુદા પ્રકારની ગ્રાહકોને લોન પ્રોવાઇડ કરીએ  છીએ જેવી કે ટી.વી, ફ્રીજ એરકન્‍ડીશનર, લેપટોપ ,મોબાઇલ, કેમેરા વિગેરે કન્‍ઝ્‍યુમર લોન આપીએ છીએ. આ લોન મેળવવા માટે ગ્રાહકો જે તે દુકાનમાં જ વસ્‍તુની પસંદગી કરી જે વસ્‍તુ લેવા ઇચ્‍છા ધરાવતા હોય તે વસ્‍તુ ઉપર લોન લેવા માંગતા હોય જે તે દુકાન ઉપર બજાજ ફાયનાન્‍સ કંપનીના આઉટસોર્સ એજન્‍ટ દ્વારા માંગેલ દસ્‍તાવેજો કંપનીમાં મોકલી લોનની મંજુરી મેળવાતી હોય છે.

બજાજ ફાયનાન્‍સ કંપની તરફથી જે તે દુકાન ઉપર મેઇલ દવારા ડીલેવરી ઓર્ડર મોકલી આપવામાં આવે છે. આ ડી.ઓ દવારા જે તે દુકાનદાર ગ્રાહકને ડીઝીટલ પ્રોડક્‍ટ રૂબરૂ અને કન્‍ઝ્‍યુમર પ્રોડક્‍ટ ગ્રાહકના સરનામે ડીલવરી કરે છે. આ પ્રોડકટનુ બીલ એફ.ઓ.એસને આપવામાં આવે છે. જે એફ.ઓ એસ.બીલ કંપનીમાં મોકલી આપે છે. જે આધારે કંપની જે તે દુકાનદારને પ્રોડક્‍ટની કિમત ચુકવે છે અને આ ગ્રાહકના નામે લોન થયેલ હોય ગ્રાહક પાસેથી હપ્તા રૂપે પૈસા વસૂલ કરે છે.

બજાજ ફાયનાન્‍સ લીમીટેડમાં મારી ફ્રોડ કંટ્રોલ યુનીટમાં મેનેજર તરીકેની નિમણુંક  હોવાથી ગ્રાહકની લોન દરમ્‍યાન કોઈપણ પ્રકારની ઠગાઈ અને વિશ્વાસઘાત કે ખોટા દસ્‍તાવેજો દ્વારા લોન મેળવવાનું જણાઈ આવે તો તે બાબતે તપાસ કરી કાર્યવાહી કરવાની હોય છે.

શહેરમાં આવેલ બજાજ ફાયનાન્‍સમાંથી આરોપી નંબર ૧ થી ૩ એ જુદા-જુદા મોબાઈલની લોન લીધી હતી.  જે લોનના હપ્તા  ન ભરતા  હોવાથી અમોને  ક્‍લેક્‍શન મેનેજર મેઘદીપસિંહ વાઘેલાએ હકીકત જણાવતા બજાજ ફાયનાન્‍સમાંથી જે લોન આરોપીએ લીધેલ તેની તપાસ કરી હતી. તપાસ દરમિયાન  આરોપીઓએ પોતાના   એક જ નામ પર પોતાના આધાર કાર્ડમાં છેડછાડ કરી તેમજ સરનામાં તેમજ જન્‍મ તારીખ બદલાવી પોતાના મોબાઇલમાથી બજાજ કંપનીના કર્મચારીને  સોફટકોપી મોક્‍લી છેતરપીંડી કરી ર લાખ ૩૧ હજાર ૪૯૪ ની કિંમતના મોબાઇલ મેળવી આશરે ૧,૬પ,૧૦પ રૂપીયા નહિ ભરી છેતરપીંડી કરી હતી.

(4:48 pm IST)