Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

કૂતરૂ ૫ાછળ દોડતા નયનાબેને તગડવાના પ્રયાસમાં બેલેન્‍સ ગુમાવ્‍યું: પતિના બાઇકમાંથી પટકાતા મોત

હડમતીયા ગોલીડા ગામે વાસંગીદાદાની જગ્‍યાએ હવનમાં જતી વખતે દંપતિ ખંડિત થયું : પતિએ પત્‍નિને ઘાયલ હાલતમાં હોસ્‍પિટલમાં ખસેડયા પણ જીવ બચી શક્‍યો નહિઃપત્‍નિ ગુમાવનારા કોઠારીયા રોડ પારસ પાર્કના મનજીભાઇ ગોંડલીયાએ કહ્યું રખડતાં કૂતરાઓનો ત્રાસ તંત્રવાહકો દૂર કરે, અન્‍યથા મારા જેવું બીજા સાથે પણ બની શકે

રાજકોટ તા. ૨૩: કોઠારીયા રોડ ચોકડીથી આજીડેમ ચોકડી વચ્‍ચેના રસ્‍તા પર વહેલી સવારે વિચીત્ર અકસ્‍માતમાં દંપતિ ખંડિત થયું હતું. કોઠારીયા રોડ પર પારસ પાર્કમાં રહેતાં પતિ-પત્‍નિ ગોલીડા ગામે વાસંગીદાદાની જગ્‍યાએ હવનમાં જઇ રહ્યા હતાં ત્‍યારે કૂતરૂ પાછળ દોડતાં પતિએ વાહન ધીમુ રાખતાં કૂતરાએ તેમના પત્‍નિનો સાડીનો છેડો પકડી લેતાં તેને તગડવા જતાં બેલેન્‍સ ગુમાવતાં તેણી પડી જતાં માથામાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્‍યું હતું. મૃતકના પતિ અને પરિવારજનોએ કહ્યું હતું કે રખડતાં કૂતરાઓનો ત્રાસ વધ્‍યો છે. કૂતરાને કારણે અમારા સ્‍વજનનો જીવ ગયો છે. તંત્ર રખડતા કૂતરાઓનો ત્રસા દૂર નહિ કરે તો અમારી સાથે જે બન્‍યું એ બીજા સાથે પણ બની શકે છે.

પ્રાપ્‍ત માહિતી મુજબ કોઠારીયા મેઇન રોડ પારસ પાર્ક સોસાયટીમાં રહેતાં મનજીભાઇ ગોબરભાઇ ગોંડલીયા (ઉ.વ.૫૩) સવારે સાડા પાંચેક વાગ્‍યે ઘરેથી બાઇકમાં પત્‍નિ નયનાબેન ગોંડલીયા (ઉ.વ.૫૦)ને બેસાડી ગોલીડા ગામે વાસંગીદાદાની જગ્‍યાએ હવનમાં જવા નીકળ્‍યા હતાં. દરમિયાન આજીડેમ ચોકડીથી કોઠારીયા ચોકડી તરફ ઢાળ પાસે પહોંચ્‍યા ત્‍યારે કૂતરા પાછળ દોડતાં મનજીભાઇએ વાહન ધીમુ પાડતાં કૂતરાએ તેમના પત્‍નિનો સાડીનો છેડો મોઢાથી પકડી લીધો હતો.

આથી તેઓ કૂતરાને તગડવા જતાં બેલેન્‍સ ગુમાવતાં પાછળથી પડી જતાં ઇજાઓ થતાં સિવિલમાં ખસેડાયા હતાં અને બાદમાં ખાનગી હોસ્‍પિટમલાં ખસેડવા રજા લીધી હતી. પરંતુ થોડીવાર બાદ ફરીથી બેભાન હાલતમાં સિવિલમાં લાવવામાં આવ્‍યા હતાં. પણ તબિબે તેમને નિષ્‍પ્રાણ જાહેર કરતાં પરિવારજનોમાં કલ્‍પાંત સર્જાયો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે આ અંગે આજીડેમ પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર નયનાબેનને સંતાનમાં એક પુત્ર છે. પતિ છુટક મજૂરી કરે છે.

દરમિયાન મૃત્‍યુ પામનાર નયનાબેનના પતિ અને સ્‍વજનોએ જણાવ્‍યું હતું કે રખડતાં કૂતરાઓનો ત્રાસ જો તંત્રવાહકો દૂર નહિ કરે તો અમારી સાથે જે બન્‍યું એ કદાચ બીજા કોઇ સાથે પણ બની શકે છે.

(3:20 pm IST)