Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

પ્રમુખમાર્ગઃ પ્રેમની વેલ પાંગરે

પરમ પૂજય પ્રમુખસ્‍વામી મહારાજ શતાબ્‍દી લેખમાળા

આ વૈશાખ વદ બારશના જેમનો ૧૩૦મો જન્‍મોત્‍સવ સૌ ઉજવવાના છે તે યોગીજી મહારાજ સૌરાષ્ટ્રના મહાન સંત હતા. તેઓ એકવાર અમદાવાદથી સારંગપુર ટ્રેનમાં જઈ રહ્યા હતા. અખંડ ભજનના ઇશ્‍કી યોગીજી મહારાજ મસ્‍તીમાં કીર્તનો ગાઈ રહ્યા હતા. તેઓના ડબ્‍બામાં વઢવાણથી કેટલાક યુવાનો ચડ્‍યા. તેઓએ બેસીને તરત પત્તાં રમવાનો પ્રારંભ કર્યો. આ રમતમાં તેમને કીર્તનોનું ગાન ખલેલ પહોંચાડતું હોય એવું લાગ્‍યું તેથી તેમણે ઘાંટો પાડ્‍યો. ‘‘એ સાધુ! ભજન બંધ કરો.'' યોગીજી મહારાજ અતિનમ્ર પ્રકૃતિના હતા, મોટેથી ગાવાનું બંધ કરી તેઓ અંતરથી ભજન કરવા લાગ્‍યા. પરંતુ બન્‍યું એવું કે આ યુવાનોને રાણપુર ઉતરવાનું હતું પણ પત્તાં રમવામાં મશગુલ યુવાનોને સ્‍ટેશન પસાર થઈ ગયું તેનો ખ્‍યાલ ન રહ્યો. બોટાદ સ્‍ટેશન આવતા યુવાનોને ખ્‍યાલ આવ્‍યો અને તેઓ પસ્‍તાયા. કારણ બોટાદથી રાણપુરનો વધારાનો ધકકો તેઓને થયો. આ જોઈ યોગીજી મહારાજની સાથેના સંતે રાજી થતા કહ્યું, ‘‘આપને કીર્તન ગાવા ન દીધા તો જુઓ કેવી વલે થઈ !'' તે સમયે યોગીજી મહારાજ બોલ્‍યા, ‘‘ગુરૂ, આપણે એવું ન બોલાય, આપણે તેમનો ગુણ લેવો. જેવો તેમને ગંજીપો (પત્તાં) રમવાનો વેગ છે તેવો આપણે ભગવાન ભજવાનો વેગ રાખવો જોઈએ.''
ગમે તે પરિસ્‍થિતિમાંથી ગુણ લેવો તે સંતની વિશેષતા છે. આવી ગુણગ્રાહક પ્રકૃતિથી તેઓ કચરામાંથી પણ હીરો શોધી લે છે, અને તેના આનંદને માણતા રહે છે.
એકવાર ભગવાન બુદ્ધ શિષ્‍યસંઘ સાથે વિહાર કરી રહ્યા હતા રસ્‍તામાં એક મરેલું ગધેડું પડ્‍યું હતું. તેના મૃતદેહની દુર્ગંધથી અકળાયેલા દ્યણાં ખરા દૂરથી ચાલ્‍યા, કેટલાકે નાકે કપડું ઢાંકી દીધું. આ બધું જોઈ રહેલા ભગવાન બુદ્ધ ગધેડાના ગંધાતા દેહ પાસે ઊભા રહી ગયા. શિષ્‍યો નવાઈ પામી નજીક આવ્‍યા ત્‍યારે ભગવાન બુદ્ધ બોલ્‍યા, ‘‘તેના દાંત કેવા સુંદર છે!'' ગમે તે પરિસ્‍થિતમાં કેવા દ્રષ્ટિકોણ સાથે જીવવું તેનો પાઠ સૌને મળી ગયો.
શ્રીમદ્‌ભાગવતમાં ગુરૂ દત્તાત્રેયની આવી જ ગુણગ્રાહકતાની વાત છે આ જગતમાં ગમે તેમાંથી ગુણ લઈ તેઓ તેમને ગુરુ ગણતા. તેમાં પૃથ્‍વી, વાયુ, સૂર્ય વગેરે તો ખરા પણ વેશ્‍યામાંથી પણ તેઓએ ગુણ લીધાનો ઉલ્લેખ છે.
પ્રમુખસ્‍વામી મહારાજ ૧૯૯૪ની સાલમાં અમેરિકા પધારેલા ત્‍યારે એક ભાઈએ ઓરલાન્‍ડોમાં ડીઝની વર્લ્‍ડ જોવા ગયેલા તેની વાત કરતા ટીકાના ભાવથી કહ્યું, ‘અહીં પણ ભારતની જેમ ઇલેક્‍ટ્રીકસીટીનો પાવર જાય છે.' આ સાંભળતા પ્રમુખસ્‍વામી મહારાજે પૂછ્‍યું, ‘‘એમ, તમને એવો શું અનુભવ થયો?'' પેલા ભાઈ કહે, ઓરલાન્‍ડો ડીઝનીલેન્‍ડમાં અમે એક ટ્રેનની રાઈડમાં બેઠેલા તેમાં એકાદ મિનિટ પાવર ગયાનો અનુભવ મને અહીં અમેરિકામાં થયો. ‘મિનિટ પછી તરત પાવર આવી ગયો'તો તો આ લોકોનું આયોજન બહુ સારું કહેવાય. પ્રમુખસ્‍વામી મહારાજે કહ્યું, ‘પેલા ભાઈની દ્રષ્ટિ નકરાત્‍મક હતી જયારે પ્રમુખસ્‍વામી મહારાજની દ્રષ્ટિ સકારાત્‍મક, ગુણગ્રાહક હતી.
એકવાર પ્રમુખસ્‍વામી મહારાજ એક મંદિરે દર્શને પધાર્યા હતા પણ દ્વેષને કારણે તે સ્‍થાનમાં પૂજારીએ બારણા બંધ કરી દીધા અને ઠાકોરજીના દર્શન થવા ન દીધા. આ પરિસ્‍થિતિથી સાથેના સૌ અકળાઈ ગયા હતા, ઉતારે પધાર્યા ત્‍યારે સૌ તે જ વાતનો બળાપો કાઢતા હતા. તે સમયે પ્રમુખસ્‍વામી મહારાજે તે સ્‍થાનમાં સંતોના માટીથી રંગેલા સાદાઈભર્યાં વષાો તથા ધ્‍યાન ભજન કરવાની રીતને વખાણી સૌને શાંત કર્યા. સૌ અવગુણ જોઈ રહ્યા હતા ત્‍યારે વિરોધીના પણ પ્રમુખસ્‍વામી મહારાજ ગુણ ગાઈ રહ્યા હતા.
ગુણગ્રહણનો આ દ્રષ્ટિકોણ સંબંધોની દુનિયામાં બહુ જ અગત્‍યનો છે. એક લેખકને પોતાના પિતા પ્રત્‍યે કાયમ ધૃણા (એલર્જી) રહેતી. આમ તો તેમને તેમના પિતા સાથે એવો કોઈ મોટો પ્રશ્ન કે ઝદ્યડો પણ થયો ન્‍હોતો. પરંતુ પિતાની સ્‍વાભાવિક પ્રકૃતિ તેમને અણગમતી થઈ રહી હતી. આનાથી લેખકને પોતાના પિતા સાથે વાત-ચિત્ત કરવાનું મન જ ન્‍હોતું થતું. ક્‍યારેક માંડ માંડ થોડી વાત કરી શકતા. પોતાની આ માનસિક પરિસ્‍થિતિથી લેખક દુઃખી થઈ રહ્યા હતા. તેમણે તેમાંથી બહાર નીકળવાનું વિચાર્યું. પિતાની ભૂલો નહીં પણ ગુણો જોવાનો તેમણે નિશ્ચય કર્યો. પ્રારંભમાં આ તેમને ખૂબ કઠણ પડ્‍યું. નિશ્ચય કર્યાના બે દિવસ પછી લેખકે પરાણે તેના પિતાને પ્રશંસાના બે શબ્‍દો કહ્યાં તેથી તેના પિતા હસ્‍યા. આ જોઈ લેખકને ખૂબ ચીડ ચડી, તેમને થયું કે પોતે આમાં સફળ નહીં થાય. તોય તેમણે ગુણો જોવાના નિヘયને પકડી રાખ્‍યો કારણ કે લેખક જાણતા હતા કે આ સિવાય તેઓ દુઃખમુક્‍ત નહીં થઈ શકે. ત્રણ અઠવાડિયામાં તો આ પ્રયોગથી લેખકનું મન શાંત થવા લાગ્‍યું કારણ કે હવે તેને પિતાના ગુણો સ્‍વાભાવિક રીતે દેખાવા લાગ્‍યા. પિતા પ્રત્‍યે તેને સાહજિક પ્રેમ થવા લાગ્‍યો. બંનેના સંબંધો સુધરી ગયા. ગુણગ્રહણથી પ્રેમની વેલ સોળે કળાએ પાંગરી ઊઠી.
પ્રમુખસ્‍વામી મહારાજ જેવા સંતોએ પોતાના જીવન દ્વારા સૂચવેલો ગુણગ્રહણનો માર્ગ સૌને હસતાં-રમતાં રાખે તેવો છે. તેથી જ તે પ્રમુખમાર્ગ છે.
સાધુ નારાયણમુનિદાસ

 

(3:42 pm IST)