Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

આશ્રમના મહંત જયરામદાસ બાપુના આપઘાત કેસ: આરોપી વિક્રમ ભરવાડ વિરુદ્ધ વધુ એક ગુનો દાખલ

પાંચ આરોપીઓ પૈકી સંડોવાયેલ વિક્રમ ભરવાડ વિરુદ્ધ એરપોર્ટ પોલીસ સ્ટેશન માં વધુ એક ગુનો દાખલ : આશ્રમના ટ્રસ્ટી અને સરકારી વકીલ એવા રક્ષિત કલોલા તેમજ દેવ હોસ્પિટલના તબીબ નિલેશ નિમાવતની અરજી કોર્ટ દ્વારા નામંજૂર

રાજકોટ : ખોડીયાર ધામ આશ્રમના મહંત જયરામદાસ બાપુના કેસમાં આગોતરા જામીનની અરજી મૂકનારા આશ્રમના ટ્રસ્ટી અને સરકારી વકીલ એવા રક્ષિત કલોલા તેમજ દેવ હોસ્પિટલના તબીબ નિલેશ નિમાવતની અરજી કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી છે.બીજી તરફ બાપુના આપઘાત કેસમાં પાંચ આરોપીઓ પૈકી સંડોવાયેલ વિક્રમ ભરવાડ વિરુદ્ધ એરપોર્ટ પોલીસ સ્ટેશન માં વધુ એક ગુનો દાખલ થવા પામ્યો છે.


મૂળ કોડીનારના અને છેલ્લા કેટલાય વર્ષોથી રાજકોટની ભાગોળે આવેલા કાગદડી સ્થિત ખોડીયાર ધામ આશ્રમ ખાતે નિવાસ કરી રહેલા જયરામદાસ બાપુએ ગત પેલી તારીખના રોજ આપઘાત કર્યો હતો. બાપુના આપઘાતને આશ્રમના ટ્રસ્ટીઓ દ્વારા કુદરતી મોતમાં ખપાવવામાં આવ્યું હતું. તો સાથે જ દેવ હોસ્પિટલના તબીબ અને આશ્રમના સેવાદાર રહેવા નિલેશ નિમાવત ના કહેવાથી દેવ હોસ્પિટલના અન્ય તબીબોએ મહંતનો ખોટું ડેથ સર્ટીફીકેટ બનાવી આપ્યું હતું. જે ડેથ સર્ટિફિકેટમાં મહંતનું મોત ઝેરી દવા પીવાના કારણે નહીં પરંતુ હાર્ટ એટેકના કારણે થયું હોવાનું લખી આપ્યું હતું

સમગ્ર મામલે ટ્રસ્ટીઓને મહંતે કયા કારણોસર આપઘાત કર્યો છે તે બાબતની સુસાઈડ નોટ પણ મળી હતી. તેમ છતાં ટ્રસ્ટીઓ દ્વારા મહંતના આપઘાત બાબતની વાત તેમજ સુસાઇડ નોટ ની વાત પોલીસથી છુપાવવામાં આવી હતી. સુસાઇડ નોટના આધારે કુવાડવા પોલીસે સૌપ્રથમ મૃતક મહંતના ભત્રીજા અલ્પેશ તેમજ અલ્પેશના બનેવી હિતેશ જાદવ અને રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા વિક્રમ ભરવાડ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. મહંતે સુસાઇડ નોટમાં જણાવ્યું હતું કે, અલ્પેશ અને હિતેશ પાસે બે દીકરીઓના છ જેટલા વિડિયો છે. જે 6 વિડીયોનો દુરુપયોગ કરી તેઓ મહંતને બ્લેકમેલ કરતા હોવાનો મહંતે સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે.
સમગ્ર મામલે કુવાડવા પોલીસ સ્ટેશનમાં 8 જૂનના રોજ પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. 8 જૂનના રોજ દાખલ થયેલ પોલીસ ફરિયાદમાં પ્રથમ ત્રણ જેટલા આરોપીઓને સમાવવામાં આવ્યા હતા. જોકે બાદમાં સમગ્ર પ્રકરણમાં મીડિયાએ દેવ હોસ્પિટલના તબીબ નિલેશ નિમાવત તેમજ આશ્રમના ટ્રસ્ટી અને સરકારી વકીલ એવા રક્ષિત કલોલા ની સંડોવણી હોવાનું પણ મીડિયા રિપોર્ટમાં લખતા કુવાડવા પોલીસ દ્વારા મહંતના આપઘાત કેસમાં વધુ બે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો

ધરપકડથી બચવા માટે મહંત આપઘાત કેસના આરોપી રક્ષિત કલોલા અને ડોક્ટર નિલેશ નિમાવતે આગોતરા જામીન અરજી મુકી હતી. જે અરજી ની વિરુદ્ધમાં રાજકોટ શહેર પોલીસ દ્વારા કોર્ટમાં સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું. જે સોગંદનામા અંતર્ગત આરોપીઓને આગોતરા જામીન ન આપવા જોઇએ તે બાબત ના કારણો પણ દર્શાવવામાં આવ્યા હતા. આગોતરા જામીન અરજીની સુનાવણી દરમિયાન સરકારી વકીલે પણ પોલીસનો પક્ષ રાખતાં જજ સમક્ષ કેટલીક દલીલો કરી હતી. જે દલીલો ના અંતે જજ દ્વારા બંને આરોપીઓની આગોતરા જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે. આમ, આરોપીઓએ હવે ઉપલી કોર્ટનો દરવાજો ખટખટાવવો ફરજિયાત બન્યો છે. જ્યારે કે પોલીસ આરોપીઓની ધરપકડ કરી શકે તે બાબતનો માર્ગ પોલીસ માટે મોકળો બન્યો છે.

(10:42 pm IST)