Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

વૃધ્ધ દંપતિની કાલાવડ રોડ પરની લાખોની દૂકાન પચાવી પાડનાર રાજેશ્વર ઉર્ફ રાજૂ સોલંકીની ધરપકડ

યુનિવર્સિટી પોલીસે સતત બીજા દિવસે લેન્ડ ગ્રેબીંગના નવા કાયદા હેઠળ ગુનો નોંધ્યો : ૨૦૦૪માં હેમલત્તાબેન બોરડે અંજલીબેન દેસાઇને ભાડે આપી હતીઃ અંજલીબેનના પતિ ચેતનભાઇ અને તેના ભાગીદાર તેજસ પંડ્યાએ આ દૂકાન બારોબાર ૨૦૦૮માં રાજેશને ભાડેથી આપી દીધા બાદ તેણે કબ્જો જમાવ્યાનો આરોપ : કલેકટરને થયેલી અરજી અનુસંધાને ગુનો નોંધવા આદેશ થયો'તો

રાજકોટ તા. ૨૩: લેન્ડ ગ્રેબીંગના નવા કાયદા મુજબ યુનિવર્સિટી પોલીસે બે દિવસમાં બીજો એક ગુનો નોંધ્યો છે. મવડી ૧૫૦ ફુટ રીંગ રોડ પર ચંદ્રપાર્ક-૧૬માં રહેતાં વૃધ્ધાની માલિકીની કાલાવડ રોડ પર રવિ ટાવર તરીકે ઓળખાતી બિલ્ડીંગમાં આવેલી લાખોની કિંમતની દૂકાનમાં ભાડૂઆતે કબ્જો કરી લીધો હોઇ અને ભાડૂ પણ આપતો ન હોઇ તેની સામે ગુનો નોંધી કાર્યવાહી કરી આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે.

આ બનાવમાં પોલીસે ચંદ્ર પાર્કમાં રહેતાં હેમલત્તાબેન અરજણભાઇ બોરડ (પટેલ) (ઉ.વ.૬૨)ની ફરિયાદ પરથી થોરાળાની વિજયનગર સોસાયટી-૧૦/૮ના ખુણે રહેતાં રાજેશ્વર મનુભાઇ સોલંકી સામે  ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ ૨૦૨૦ની કલમ ૩, ૪ (૩), ૫ (ખ), (ગ) મુજબ ગુનો નોંધ્યો છે. હેમલત્તાબેને ૨૫/૧/૨૧ના રોજ કલેકટર કચેરીમાં લેખિત અરજી આપી જણાવ્યું હતું કે નાના મવા રેવન્યુ સર્વે નં. ૭૮ પૈકી ટીપી સ્કીમ નં. ૨ના ફાઇનલ પ્લોટમાં રવી ટાવર નામે ઓળખાતી બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફલોરમાં દૂકાન નંબર ૪ જે અમારી કાયદેસરની માલિકીની છે તેમાં થોરાળાના વિજયનગરના રાજેશ્વર ઉર્ફ રાજુ મનુભાઇ સોલંકીએ ગેરકાયદેસર રીતે કબ્જો જમાવી લીધો છે. તેની પાસે અમારી દૂકાન તેના કબ્જામાં રાખવાના કોઇ આધાર પુરાવા ન હોવા છતાં તેણે ૨૦૦૮થી કબ્જો જમાવી રાખી અમારી લાખોની કિંમતની દૂકાન પચાવી પાડી છે.

આ અરજીને આધારે કલેકટરશ્રીએ ગુનો દાખલ કરવા સુચના આપતાં યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યો છે. હસુમતિબેને આ દૂકાન હરસુખભાઇ લાલજીભાઇ વડાલીયા પાસેથી ૧૬/૯/૨૦૦૨માં રૂ. ૧૦,૫૦,૦૦૦માં ખરીદી હતી. આ દૂકાન પર ડિસ્ટ્રીકટ બેંકની ૩ લાખની લોન હતી. જેનો માસિક હપ્તો ૫૪૦૦ હતો. જે તેમણે રેગ્યુલર ભર્યો હતો. એ પછી ૨૦૦૪માં  તેમણે આ દૂકાન અંજલીબેન ચેતનભાઇ દેસાઇને ભાડે આપી હતી. તેમની સાથે પાર્ટનર તરીકે તેજસ અનંતરાય પંડ્યા હતાં. આ બંને મેઘા સાયબર કાફે અહિ ચલાવતાં હતાં. એ પછી ૨૦૦૭માં અંજલીબેનના પતિ ચેતનભાઇ અને ભાગીદાર તેજસે અમારી જાણ બહાર આ દૂકાન રાજુ ઉર્ફ રાજેશ્વર સોલંકી (રહે. થોરાળા વિજયનગર)ને કબ્જો આપી દીધો હતો. તે વખતે રાજુએ અમને આઠેક મહિના ભાડુ આપ્યું હતું. એ પછી ભાડુ આપવાનું બંધ કરી દીધું હતું અને હસુમતિબેનના પતિ ભાડુ લેવા જતાં તેણે હવે ભાડુ નથી આપવું તેમ કહી દીધું હતું અને દૂકાન ખાલી પણ નથી કરવી, જ્યાં જવું હોય ત્યાં જાવ તેમ કહ્યું હતું.

એ પછી બેંકમાં અમારી લોનની રકમ બાકી હોઇ દૂકાનને સીલ મારી દેવાયું હતું. અમારી સામે દાવો થતાં તેમાં રાજૂ ઉર્ફ રાજેશ્વર ત્રીજા પક્ષકાર તરીકે જોડાયેલ. એ પછી દૂકાનનું સીલ ખોલી દૂકાનો કબ્જો રાજુ ઉર્ફ રાજેશ્વરને સોંપી દેવાયો હતો. તેણે લોનની બાકીની રકમ ચુકવી દૂકાનનો અસલી દસ્તાવેજ છોડાવી લીધો હતો. એ પછી હેમલત્તાબેન અને તેમના પતિ વકિલને મળ્યા હતાં અને રાજકોટ સિવિલ કોર્ટમાં સ્પે. દિવાની દાવા કેસ ૨૦૧૩થી દાખલ કરાવ્યો હતો. જેની છેલ્લી મુદત ૨૧/૧/૨૦૨૧ની અને આગામી મુદ્દત ૨૫/૨/૨૧ની છે. હાલ વાદીએ રજૂ કરેલ પુરાવા તપાસવાના સ્ટેજે કોર્ટમાં પેન્ડીંગ છે.

એ પછી રાજેશ્વર ઉર્ફ રાજુ સોલંકીએ ત્રણ વર્ષ દુકાન બંધ રાખી હતી. તેણે ગાત્રાળ ડેવલોપર્સ નામે જમીન લે-વેંચની ઓફિસ ચાલુ કરીહ તી. ત્યાં કોઇ દેવાભાઇ ભરવાડ બેસતાં હતાં. ૨૦૧૫માં આ દૂકાનનો ૨૦૦૧થી ૨૦૧૫ સુધીનો ટેકસ પણ તેણે ભર્યો ન હોઇ નોટીસ આવતાં સીલ મારી દેવાયું હતું. એ પછી હેમલત્તાબેને રૂ. ૧,૨૩,૨૫૦ની રકમનો ટેકસ ભર્યો હતો અને દૂકાનનું સીલ ખોલાવ્યું હતું. હાલ પણ કોર્ટમાં દાવો ચાલુ છે. આ દરમિયાન ફરિયાદીએ રાજૂને દૂકાન ખાલી કરવા કહ્યું હોવા છતાં તેણે ખાલી ન કરતાં અંતે નવા કાયદા હેઠળ ફરિયાદ દાખલ કરાવાઇ છે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરાની સુચના મુજબ પીઆઇ એ. એસ. ચાવડા, પીએસઆઇ એ. બી. જાડેજા, એએસઆઇ બળભદ્રસિંહ ચુડાસમા, હેડકોન્સ. ગિરીરાજસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા, રાજેશભાઇ, યુવરાજસિંહ, લક્ષમણભાઇ, જેન્તીગીરી, બળુભા સુરૂભા, પર્વતસિંહ પરમાર, સુધાબેન સોલંકી, વિજેન્દ્રસિંહ જાડેજા, રોહિતભાઇ કાઠીયા સહિતના સ્ટાફે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(1:00 pm IST)