Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

બે મહિના સુધી સગીરાને હોટેલમાં રાખી ૪૪ વર્ષનો ઢગો સંતોષ હવસ સંતોષતો હતો

સદરની હોટેલ પાર્ક ઇનના રૂમમાંથી મળેલી સગીરાના બનાવમાં અંતે ગુનો : ૧૦મી એપ્રિલે હુડકો ચોકડી નજીકના કારખાનેથી સગીરા દૂધ લેવા નીકળી ત્યારે સંતોષે તેણીને ભગાડીને હોટેલમાં રાખી હતીઃ અપહરણ-પોકસો સહિતની કલમો હેઠળ મહિલા પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર દાખલ થઇ

રાજકોટ તા. ૨૩: સદર બજારમાં આવેલી હોટેલ પાર્ક ઇનમાં ચાલતાં કૂટણખાનાનો પર્દાફાશ થવા ઉપરાંત એક રૂમમાંથી પરપ્રાંતિય સગીરા પણ મળી આવી હતી. કાઉન્સેલીંગ દરમિયાન સગીરાને અલીગઢના સંતોષ કુશવાહાએ બે મહિના પહેલા ભગાડી હોટેલના રૂમમાં રાખી હોવાનું અને બે મહિનામાં અવાર-નવાર તેની સાથે બળાત્કાર ગુજાર્યાનું સામે આવતાં સગીરાની માતાની ફરિયાદ પરથી મુળ યુપીના અલીગઢના હાલ ગોંડલ રોડ ઓવર બ્રિજ નીચે સ્વાતિ પાર્ક પાસ રહેતાં સંતોષ હરિસિંહ કુશવાહા સામે મહિલા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

પોલીસે સગીરાના માતાની ફરિયાદ પરથી સંતોષ સામે આઇપીસી ૩૬૩, ૩૬૬, ૩૭૬ (૨) (એન) તથા પોકસો હેઠળ ગુનો દાખલ કરાયો છે. ફરિયાદમાં  મહિલાએ જણાવ્યું છે કે હું ત્રણેક માસથી બે પુત્રીઓ અને પુત્ર સાથે રાજકોટ રહુ છું.  અહિ કામ કરવા માટે પોતે વતનમાંથી આવ્યા હતાં. પુત્ર અગાઉથી રાજકોટ રહી  કારખાનામાં કામ કરતો હતો. પણ મને અને દિકરીને રાખવા માટે તેની પાસે જગ્યા ન હોઇ અમારા વતનના સંતોષ કુશવાહાએ અમને સ્વાતિ પાર્ક નજીક તેનું કારખાનું છે ત્યાં રહેવાની વ્યવસ્થા કરી આપી હતી.

એ પછી સંતોષે મારી દિકરીને તેની પ્રેમજાળમાં ફસાવી હતી. તા. ૧૦/૪ના રોજ મારી દિકરી દૂધ લેવા માટે સવારે છએક વાગ્યે નીકળ્યા બાદ ગાયબ થઇ ગઇ હતી. તે પાછી ન આવતાં અમે અમારી રીતે જ તેની શોધખોળ કરી હતી. પરંતુ પત્તો મળ્યો નહોતો. અમને પોલીસને જાણ કરવી પડે તેની પણ ખબર ન હોઇ અમારી રીતે જ અમારી દિકરીની શોધખોળ ચાલુ રાખી હતી. એ પછી સદર બજારની હોટેલના રૂમમાંથી અમારી દિકરી મળ્યાની જાણ અમને પોલીસ મારફત થઇ હતી. કાઉન્સેલીંગ દરમિયાન દિકરીએ જે વિગતો જણાવી છે તેના આધારે હવે ફરિયાદ નોંધાવી છે.

સંતોષે જ સગીરાને ભગાડીને હોટેલના રૂમમાં બે મહિના સુધી રાખી હોવાનું અને તે અવાર-નવાર અહિ રૂમમાં આવી તેણી સાથે બળજબરી કરી શરીર સંબંધ બાંધી લઇ હવસ સંતોષતો હોવાનું ખુલતાં તેની સામે અપહરણ, બળાત્કાર, પોકસોનો ગુનો દાખલ થયો છે. સંતોષ પોતે પરણેલો છે અને તેને સંતાનો પણ છે. સગીરા હોટેલમાંથી મળી એ પહેલા જ તે મથુરા ગયો હોવાનું સગીરાની પુછતાછમાં ખુલ્યું હતું. પીઆઇ એસ. આર. પટેલ, પીએસઆઇ કે. જી. જલવાણી, ઇકબાલભાઇ શેખ, હિતેષભાઇ ગઢવી સહિતે વધુ તપાસ હાથ ધરી છે.

નોંધનીય છે કે અગાઉ સગીરાનું કાઉન્સેલીંગ થયું ત્યારે તેના માતા-ભાઇઓના નિવેદન પણ નોંધાયા હતાં. જે તે વખતે તેમણે પોતાને સંતોષ વિરૂધ્ધ કોઇ ફરિયાદ કરવી નહિ હોવાનું કહ્યું હતું. એ પછી સગીરાનું વધુ કાઉન્સેલીંગ થતાં વધુ વિગતો બહાર આવતાં તેણીની માતાની ફરિયાદ પરથી ગુનો નોંધાયો છે. સંતોષ હાથમાં આવ્યે વધુ વિગતો ખુલશે. એ પણ નોંધનીય છે કે સગીરાએ પણ પોતાના નિવેદનમાં પોતાને સંતોષ સાથે પ્રેમ થઇ જતાં તેની સાથે ગયાનું કહ્યું હતું.

(1:01 pm IST)