Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

રાત્રે ૧ાા વાગ્યે કુચીયાદળ પાસે 'હિટ એન્ડ રન': બે મોત-બે ઘાયલ

ચોટીલા જેની માનતા ઉતારવાની હતી એ બાળકી અને કાકાનું મોત

મિયાત્રા પરિવારના ૪ સભ્યોને ઠોકરે લઇ અજાણ્યો વાહન ચાલક ભાગી ગયોઃ પરિવારમાં ગમગીની : આજીડેમ ચોકડી પાસે સુંદરમ્ પાર્કમાં રહેતાં પાયલબેન મિયાત્રાએ દિકરી નવ્યા ૧ વર્ષની થતાં પગપાળા ચોટીલા પગે લગાડવાની માનતા રાખી'તીઃ પાયલબેન (ઉ.વ.૨૫), પુત્રી નવ્યા (ઉ.વ.૧), પતિ વિક્રમભાઇ મિંયાત્રા (ઉ.વ.૩૦) અને દિયર રવિભાઇ મિંયાત્રા (ઉ.વ.૨૩) સાંજે ૬ વાગ્યે રાજકોટથી રવાના થયા'તા : ચારેયને પાછળથી વાહન ચાલક ઠોકરે લઇ ભાગી ગયોઃ રાજકોટ સારવારમાં ખસેડાયાઃ પણ ભત્રીજી નવ્યા અને કાકા રવિભાઇનો જીવ ન બચ્યોઃ તેણીના માતા-પિતા સારવારમાં

'પદયાત્રા' બે સ્વજનની 'અંતિમયાત્રા' બની ગઇ : તસ્વીરમાં જેની માનતા ઉતારવાની હતી એ ફૂલડા જેવી બાળકી નવ્યા અને તેના કાકા રવિભાઇ મિંયાત્રાના નિષ્પ્રાણ દેહ તથા ઘાયલ થયેલા બાળકીના માતા પાયલબેન અને વિગતો આપતાં બાળાના પિતા વિક્રમભાઇ મિંયાત્રા જોઇ શકાય છે. નીચેની છેલ્લી બે તસ્વીરમાં નવ્યા અને કાકા રવિભાઇના ફાઇલ ફોટો જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૨૩: રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુચીયાદળ પાસે રાત્રીના દોઢેક વાગ્યે 'હિટ એન્ડ રન'ની ઘટનામાં આજીડેમ ચોકડી પાસે અને ગંજીવાડામાં રહેતાં મિંયાત્રા (આહિરા હજામ) પરિવારના ચાર સભ્યોને ઇજાઓ થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ૧ વર્ષની બાળકી અને તેના કાકાના મોત નિપજ્યા હતાં. જ્યારે બાળકીના માતા-પિતાને સારવાર માટે દાખલ કરાયા હતાં. બાળકી એક વર્ષની થતાં તેને પગપાળા ચોટીલા જઇ પગે લગાડવાની માતાએ માનતા રાખી હોઇ ગત સાંજે દિકરીને લઇ માતા-પિતા-કાકા રાજકોટથી સાંજે છએક વાગ્યે ચોટીલા પગપાળા જવા રવાના થયા હતાં અને રાતે દોઢેક વાગ્યે પાછળથી અજાણ્યો વાહન ચાલક ચારેયને ઉલાળીને ભાગી ગયો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ આજીડેમ ચોકડી નજીક સુંદરમ્ પાર્કમાં રહેતાં પાયલબેન વિક્રમભાઇ મિંયાત્રા (ઉ.વ.૨૫)એ પહેલું સંતાન અવતરે પછી તેને પગે લગાડવા માટે ચોટીલા પગપાળા જવું એવી માનતા રાખી હતી. તેમને ત્યાં દિકરીનો જન્મ થયો હતો. આ દિકરીનું નામ નવ્યા રાખ્યું હતું. જે હાલમાં ૧ વર્ષની થઇ જતાં અને હવે લોકડાઉન ખુલતાં માનતા ઉતારવા જવાનું નક્કી કર્યુ હતું.

ગઇકાલે સાંજે છએક વાગ્યે પાયલબેન (ઉ.વ.૨૫), પુત્રી નવ્યા (ઉ.વ.૧), પતિ વિક્રમભાઇ મનુભાઇ મિંયાત્રા (ઉ.વ.૩૦) તથા વિક્રમભાઇના સગા કાકાના દિકરા રવિભાઇ હસમુખભાઇ મિંયાત્રા (ઉ.વ.૨૩-રહે. ગંજીવાડા-૭૫) એમ ચારેય રાજકોટથી પગપાળા ચોટીલા જવા નીકળ્યા હતાં. રાત્રે દોઢેક વાગ્યે આ ચારેય કુચીયાદળ પાસે પહોંચ્યા હતાં. એ વખતે અચાનક પાછળથી કોઇ વાહન બંબાટ ઝડપે આવ્યું હતું અને ચારેયને ઉલાળીને ભાગી ગયું હતું.

જેમાં નવ્યા (ઉ.વ.૧) અને કાકા રવિભાઇ (ઉ.વ.૨૩)ને ગંભીર ઇજાઓ થઇ હતી. પાયલબેનને પણ વધુ ઇજાઓ થતાં ત્રણેય બેભાન જેવા થઇ ગયા હતાં. વિક્રમભાઇને માથામાં નજીવી ઇજા થઇ હોઇ તે સ્વસ્થ થઇ ઉભા થયા હતાં અને મદદ માટે ફોન કરતાં ચારેયને રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતાં. પરંતુ જેની માનતા ઉતારવાની હતી એ નાનકડી નવ્યા અને તેના કાકા રવિભાઇના અહિ મૃતદેહ જ પહોંચ્યાનું તબિબે જાહેર કરતાં કલ્પાંત સર્જાયો હતો. બાળકીના માતાને સારવાર માટે દાખલ કરાયા હતાં. તેને તો સવાર સુધી એ પણ ખબર નહોતી પડવા દેવામાં આવી કે લાડકવાયી હયાત નથી રહી.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે એરપોર્ટ પોલીસને જાણ કરતાં અકસ્માત સર્જી ભાગી ગયેલા વાહન ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. વિક્રમભાઇના કહેવા મુજબ તે હીરાના કારખાનામાં કામ કરે છે. નવ્યા તેનું પહેલુ જ સંતાન હતી. જ્યારે મૃત્યુ પામનાર કાકાના દિકરા રવિભાઇ ત્રણ ભાઇમાં નાના અને અપરિણિત હતાં. તેને ગંજીવાડામાં ઉત્સવ હેર ડ્રેસર નામે હેર કટીંગ સલૂન હતું. રવિભાઇના પિતા હયાત નથી. તે વિધવા માતા અને પરિવારજનોના આધારસ્તંભ હતાં. વિક્રમભાઇએ કહ્યું હતું કે વાહને પાછળથી ઠોકર મારી હતી. પોતે સ્વસ્થ થઇ ઉભા થયા ત્યાં સુધીમાં વાહન ભાગી ગયું હતું. જેથી કયુ વાહન હતું તેની ખબર પડી નથી. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

  • કોને ખબર હતી કે આ 'સેલ્ફી' સંભારણું બની જશે?!...

ગત સાંજે રાજકોટથી ચોટીલા પગપાળા જવા નીકળ્યા ત્યારે રસ્તામાં વિક્રમભાઇએ પત્નિ પાયલબેન અને પિત્રાઇ ભાઇ રવિભાઇ સાથે એક 'સેલ્ફી' લીધી હતી. જેમાં રવિભાઇ વચ્ચે નજરે પડે છે. આ સેલ્ફી લીધાના અમુક કલાકો પછી અકસ્માતમાં રવિભાઇ કાળનો કોળીયો બની જતાં આ સેલ્ફી દુઃખદ સંભારણું બનીને રહી ગઇ છે

(3:09 pm IST)