Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

ઉદયનગરના મકાનમાં અને સંતોષ પાર્કના ફલેટમાં ચાલતા જુગારધામ પર દરોડો : આઠ પકડાયા

માલવીયાનગર અને યુનિવર્સિટી પોલીસનો દરોડો : કુવાડવા પોલીસે ધમલપર પાસેથી છને દબોચ્યા

રાજકોટ,તા. ૨૩: શહેરના મવડી રોડ પર ઉદયનગરમાં મકાનમાં ચાલતા જુગારધામ પર માલવીયાનગર પોલીસે દરોડો પાડી ચાર શખ્સોને અને દોઢ સો ફૂટ રોડ સંતોષ પાર્ક મેઇન રોડ પર યુનિવર્સિટી પોલીસે ફલેટમાંથી ચાર શખ્સોને જુગાર રમતા પકડી લીધા હતા.

મવડી રોડ પર ઉદયનગર -૧માં આવેલી મારૂતીનંદન શેરી નં. ૬માં એક મકાનમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની માલવીયાનગર પોલીસ મથકના કોન્સ. હરપાલસિંહ જાડેજા અને ભાવેશભાઇ ગઢવીને બાતમી મળતા મકાનમાં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા મકાન માલીક દીલુભા બાલુભા ઝાલા, તથા મવડી રોડ વિશ્વનગર આવાસ યોજના કવાર્ટર બ્લોક નં. ૧૯ના ભરત નારણભાઇ જાદવ, મારૂતિનંદન નગર શેરી નં. ૬માં દીલુભાઇ ઝાલાના મકાનમાં ભાડે રહેતા હીતેષ જેન્તીભાઇ લીંબાસીયા અને મવડી ગામમાં શ્રી રામ ટાઉનશીપ એપાર્ટમેન્ટમાં રહેતા ધવલ દિલીપભાઇ વાઘેલાને પકડી લઇ રૂ. ૧૫,૩૦૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી આ કામગીરી પીઆઇ કે.એન. ભુકણના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ વી.કે.ઝાલા, હેડ કોન્સ. મસરીભાઇ, યુવરાજસિંહ, દિગ્પાલસિંહ, ભાવેશભાઇ, હરપાલસિંહ, રોહીતભાઇ છોટ, તથા હિતેષભાઇ દ્વારા કરવામાં આવી હતી.

જ્યારે બીજા દરોડામાં યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ. હરપાલસિંહ જાડેજા અને કોન્સ. જેન્તીગીરી ગૌસ્વામીને બાતમી મળતા દોઢ સો ફૂટ રોડ સ્ટર્લીંગ હોસ્પિટલની પાછળ સંતોષપાર્ક મેઇન રોડ પર આવેલ દિપ્તી ફલેટ બીજા માળે ફલેટ નં. ૨૦૨ માં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા ફલેટના માલીક કમલેશ વલ્લભભાઇ પોપટ, અને ધરમનગર આવાસ યોજના કવાર્ટર બ્લોક નં. ૧ કવાર્ટર નં. ૪ના અશ્વિન માવજીભાઇ ચૌહાણ, ગાંધીગ્રામ ગૌતમભાઇ શેરી નં. ૩ના હિતેષ વલ્લભભાઇ પોપટ, અને મવડી રોડ શ્યામલ ઉપવન વીંગ સી-૩ ફલેટ નં. ૯૦૪ના ભરત દામજીભાઇ સખીયાને પકડી લઇ રૂ. ૪૦,૮૦૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

ધમલપર ગામમાંથી છ શખ્સો પકડાયા

કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઇ એન.એન.ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન.બી.ડાંગર, તથા કોન્સ. કિશનભાઇ અજાગીગા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે ધમલપર ગામની સીમમાં ખરાબાની જગ્યામાં દરોડો પાડી લીમડાના ઝાડ નીચે તીનપતીનો જુગાર રમતા ધમલપર ગામનો દેવજી ગોવિંદભાઇ સુરેલા, હિતેશ વાઘજીભાઇ સુરેલા, રવિ રમેશભાઇ સિતાપરા, ભાવસિંગ નટુભાઇ સુરેલા, રાયધન લઘરાભાઇ સારલા અને રાજુ જેશીંગભાઇ સુરેલાને પકડી લઇ રૂ. ૮,૩૪૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

(3:30 pm IST)