Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

રાજકોટના ૫૦મા કલેકટર તરીકે અરૂણ મહેશ બાબુ સાંજે ચાર્જ સંભાળશે : કોરોના - વેકસીન અંગે કાલે મીટીંગ

રાજકોટ શહેરના અનુભવી છે : વિદાય લઇ રહેલા કલેકટર રેમ્યા મોહન કાલે ચાર્જ લેશે

રાજકોટ તા. ૨૩ : રાજકોટના લોકપ્રિય કલેકટર શ્રી રેમ્યા મોહનની એકાએક બદલી બાદ તેમના સ્થાને મુકાયેલા અમદાવાદના ડીડીઓશ્રી અરૂણ મહેશ બાબુ આજે સાંજે ૪ાા થી ૬ વચ્ચે રાજકોટના ૫૦મા કલેકટર તરીકે ચાર્જ સંભાળશે તેમ એડી. કલેકટરશ્રી પરિમલ પંડયાએ 'અકિલા'ને જણાવ્યું હતું.

અત્રે એ નોંધનીય છે કે નવા કલેકટર શ્રી અરૂણ બાબુ આવતા શનિવાર સુધી હાજર થઇ શકે તેમ ન હતા, કારણ કે તેમના નજીકના સગાનું નિધન અને એકથી બે મહત્વના ફંકશનને કારણે તેઓ આવી શકે તેમ ન હોય, તેઓ ચાર્જ સંભાળી શકે તેમ ન હતા.

પરંતુ સરકારની ડાયરેકટ સૂચના બાદ તેઓ આજે ઝડપથી હાજર થઇ રહ્યા છે અને વિદાય લઇ રહેલા કલેકટર શ્રી રેમ્યા મોહન પાસેથી ચાર્જ સંભાળી તેઓ સીટીસી ફોર્મ ભરશે. તેઓનું પ્રથમ કામ કોરોના વેકસીનનું હોય, તે સંદર્ભે કાલે તમામ સાથે મીટીંગ પણ યોજી છે.

નવા કલેકટર રાજકોટના અનુભવી છે, અત્રે ૨ થી ૩ વર્ષ પહેલા કોર્પોરેશનમાં ડે.કમીશનર તરીકે ફરજ બજાવી ચૂકયા છે, રાજકોટના વિદાય લઇ રહેલા કલેકટર શ્રી રેમ્યા મોહને કોરોનાકાળમાં બંધ રહેલ ઇશ્વરીયા પાર્ક અને ઓસમ ડુંગર ખોલવાનો નિર્ણય લીધો છે, તેની ઉપર પણ સોશ્યલ ડીસ્ટન્સ, ભારે ભીડ ન થાય તે જોવું નવા કલેકટર માટે થોડું અઘરૂ બની રહેશે.

(4:16 pm IST)