Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

કપાસીયા ખોળમાં ભયાનક ભેળસેળ : કિસાન સંઘનો ધ્રુજારો અમે આવી કંપનીને ખુલ્લી પાડીશું : મુખ્યમંત્રીને પાઠવાતું આવેદન

પશુધનને ભારે નુકસાન : અનેક વખત વેપારીઓ - મીલરોએ રજૂઆતો કરી છે : સરકાર તાકિદે પગલા ભરે

ભારતીય કિસાન સંઘે કપાસીયામાં ભેળસેળ અંગે ભેળસેળયુકત કોથળાઓ સાથે કલેકટર કચેરીએ ઉગ્ર દેખાવો કરી તાકિદે ભેળસેળ અટકાવવા માંગણી કરી હતી.

રાજકોટ તા. ૨૩ : ભારતીય કિસાન સંઘે મુખ્યમંત્રીને સંબોધી કલેકટરને આવેદન પાઠવી કપાસીયા ખોળમાં ભેળ-સેળ નાબુદ કરવા તથા અન્ય કોઈ પણ વસ્તુની ભેળસેળ કરી કપાસીયા ખોળના નામે વેચાણ થતું અટકાવવા માંગણી કરી હતી.

આવેદનમાં જણાવેલ કે, પશુપાલન વિભાગ ની અંદર એક આધારભૂત ખોરાક હોય તો તે કપાસિયાનો ખોળ છે. વર્ષોથી દરેક પશુપાલકો પશુઓ માટે કપાસિયાનો ખોળ આપતા હોય છે. ગુજરાતમાં ખાસ તો સૌરાષ્ટ્રની અંદર વધારેમાં વધારે કપાસિયા ખોળ બનાવતી મિલો છે. વધારે ભાવ વધવાના કારણે કપાસીયા ખોળના મિલરો વધારેમાં વધારે કપાસીયા ખોળની અંદર ભેળસેળ કરી રહ્યા છે. તેના હિસાબે પશુ અને ઘણું બધું નુકસાન જાય છે. કપાસના ભાવો વધવાના હિસાબે કપાસિયા  ખોળનો ભાવ પણ હાલની પોજીશન એ ૧૮૦૦ રૂપિયા થયો છે. હાલની પોઝિશનમાં ૯૦ ટકાથી વધારે ખાદ્ય અથવા અખાઘ વસ્તુઓનું ભેળસેળ કરી રહ્યા છે. ઘણા સમયથી મીલ એસોસીએશન પણ આ દૂષણને અટકાવવા માટેનો પ્રયત્ન કરી રહ્યા હતા. રાજકીય માણસોને અને રાજકીય અધિકારી મિત્રોને પણ એને રજૂઆતો કરેલ હતી. પરંતુ સરકાર દ્વારા આનો કોઈ પણ નિર્ણય આવેલ નથી અને દિવસેને દિવસે વધારેમાં વધારે ભેળસેળનું પ્રમાણ વધી રહ્યું છે. દરેક મીલ માલિકો સસ્તામાં સસ્તી વસ્તુ ભેળવીને વધારેમાં વધારે પૈસા બનાવવાની લાલચમાં પશુધનને લાંબુ નુકસાન કરી રહ્યા છે. કપાસીયા ખોળની અંદર લાકડાનો સોલ, મગફળીની ફોતરી, કમોદની ફોતરી, કપાસિયાના છાલા, મકાઈનું ભૂસું, ભોગાવો રેતી, કલર કેમિકલ, સડેલુ અનાજ, સડેલું કઠોળ, ગાંડા બાવળના પડીયા, ઉદયપુરની માટી, કઠોળની ફોતરી વિગેરેનું ભારે ભેળસેળ કરાય છે.

આ દરેક વસ્તુની ભેળસેળ કર્યા પછી તેને મુલાયમ બનાવવા માટે પશુને નુકસાન કરતું કેમિકલ એડ કરવામાં આવે છે. ખાસ તો વધારામાં વધારે ભેળસેળ સૌરાષ્ટ્રની મિલમાં થઈ રહી છે. સરકારી કોઈ પણ કાયદા ન હોવાના કારણે આ લોકો ગાંડા થઈ સમાજમાંથી રૂપિયા અને પશુઓનો જીવ લઇ રહ્યા છે. આવા ભેળસેળ યુકત કપાસીયા ખોળ ખાવાના હિસાબે ગાયો તથા પશુઓને ૫શુઓમાં વંધત્વ થાય છે, પશુ ઉથલા મારે છે, કાયમ ગાભણ થતું નથી, પશુઓના ગર્ભાશયોને ભયાનક અસર થાય છે, સર્વાંગી વિકાસ થતો નથી, પશુને ઝાડા તથા લોહી પડે છે, દૂધ ઉત્પાદન ઘટે છે, ગરમ કેમિકલ્સને કારણે પશુ તરવાઈ જાય છે, દુધમાં ફેટનું પ્રમાણ ઘટે છે, પશુઓનાં ગર્ભાશય બહાર નીકળવાનું પ્રમાણ વધે છે. પરિણામે પશુધન નાશ પામે છે.

ભેળસેળયુકત ખોળનો વ્યાપાર વધારવામાં દલાલો અને રિટેલરનો પણ મોટામાં મોટો હાથ છે. ભેળસેળ યુકત ખોળની અંદર દલાલો અને રિટેલરોને કમીશન વધારે મળતું હોય છે. તેને હિસાબે તે લોકો ભેળસેળ યુકત ખોળને પણ સારો કહીને વહેંચતા હોય છે. તેને હિસાબે હકીકતમાં શુદ્ઘ કપાસીયા ખોળ જે બનાવે છે. તે લોકોને આ બજારની અંદર માલ વહેંચવો પણ મુશ્કેલ છે. તેને કારણે ઘણા બધા મિલોને મજબુરીમાં ભેળસેળ કરવાનો રસ્તો અપનાવવો પડે છે. આ ભેળસેળવાળા મિલો બંધ કરી નાખો, તેવી સરકારને વિનંતી છે.

ભારતીય કિસાન સંઘ દ્વારા દરેક કપાસીયા ખોળના નામે ભેળસેળ કરતા કપાસીયા મીલ માલિકોને અમે ચેતવણી આપીએ છીએ, આઠ દિવસની અંદર મિલો પોતાના આ કાળા કામો એટલે કે ખોળમાં થતું ભેળસેળ કરવાનું બંધ કરે નહિતર. શુદ્ઘ કપાસીયા ખોળના નામે જે પણ મિત્રો ખાદ્ય અથવા અખાદ્ય કોઈપણ વસ્તુની ભેળસેળ કરશે તો સરકાર તો એકશન લે એવી અમારી માંગણી છે. પરંતુ ભારતીય કિસાન સંઘ પણ આ કંપનીને જાહેરમાં ખુલ્લી પાડતા કોઇપણ જાતનો સંકોચ રાખશે નહીં.આવેદન દેવામાં રાજકોટ જીલ્લા પ્રમુખ દિલીપભાઈ સખિયા, રમેશભાઈ ચોવટિયા, અવદેશભાઈ સેજપાલ, પ્રભુદાસભાઈ મણવર, મનોજભાઈ ડોબરિયા, જીવનભાઈ વાછાણી, ભરતભાઈ પીપળીયા, વિઠ્ઠલભાઈ બાલધા, રતિભાઈ ઠુંમર, મધુભાઈ પાંભર, બચુભાઈ ધામી, ધર્મશભાઈ સોરઠીયા વિગેરે જોડાયા હતા.

(3:36 pm IST)