Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

કાગદડી મહંતના આપઘાત પ્રકરણમાં હાઇલેવલ કમિટિ દ્વારા તપાસ કરાવો : આરોપીઓ સામે કડક પગલા ભરો

તંત્ર કેમ આરોપીઓને છાવરે છે ?! : રાષ્ટ્રીય સંત સુરક્ષા પરિષદનું કલેકટરને આવેદન

રાષ્ટ્રીય સંત સુરક્ષા પરિષદે કાગદડી મહંત પૂ. જયરામદાસ બાપુના આપઘાત પ્રકરણ અંગે વિસ્તૃત તપાસની માંગણી કરી હતી.

રાજકોટ તા. ૨૩ : રાષ્ટ્રીય સંત સુરક્ષા પરીષદે કલેકટરને આવેદન પાઠવી કાગદડી મહંત જયરામદાસ બાપુ દ્વારા કરેલ આપઘાતની એક ઉચ્ચ સ્તરીય કમિટિ દ્વારા સમગ્ર બનાવની તપાસ કરવામાં આવે, આરોપીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી હતી.

આવેદનમાં જણાવેલ કે, તાજેતરમાં કાગદડી ગામમાં આવેલ ખોડીયાર આશ્રમના મહંતશ્રી જયરામદાસ બાપુ દ્વારા કરેલ આપઘાતએ સમગ્ર સંત સમાજ અને અનુયાયી ગણને શોકમગ્ન કરી દીધા છે તેમજ જયરામદાસજી બાપુને આર્થિક શારીરિક - માનસિક નુકસાન આરોપી તથા તેમના મળતિયાઓ દ્વારા કરવામાં આવી રહ્યાનું વર્તમાન પત્રો દ્વારા સ્પષ્ટપણે જાણવા મળ્યું છે તેમજ આપઘાત કરવા મજબુર પણ કરેલ છે, તો આવા આરોપીઓ પર ત્વરિત કાર્યવાહી કરવામાં આવે અને કડકમાં કડક શિક્ષાત્મક પગલા લઇ ભારતીય દંડ સહિતા મુજબ કલમો લગાડવામાં આવે તેવી અમારી લાગણી અને માંગણી છે.

સનાતન ધર્મના વાહક અને હિન્દુ સંસ્કૃતિના રક્ષક એવા મહંત જયરામદાસજી બાપુ પર જે પણ આર્થિક, શારીરિક કે માનસિક દબાણો કરવામાં આવ્યા જે સ્યુસાઇડ નોટ પરથી સ્પષ્ટ થાય છે, તો તંત્ર આવા આરોપીઓને શા માટે છાવરે છે ? શા માટે ત્વરિત કાર્યવાહી કરવામાં આવતી નથી. ?

જો આવા આરોપી પર કડક કાર્યવાહી નહિ કરવામાં આવે તો આગામી દિવસોમાં રાષ્ટ્રીય સંત સુરક્ષા પરિષદ દ્વારા પ્રતિકાત્મક વિરોધ કરવામાં આવશે તથા આ વિરોધની સંપૂર્ણપણે જવાબદારી તંત્રની રહેશે.

(3:38 pm IST)