Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

ખાણ ખનીજના કોન્ટ્રાકટર વિરૂદ્ધ ૬૧ લાખના ચેક રીર્ટનની ફરિયાદ

રાજકોટ તા. ર૩: રાજકોટના સાધુ વાસવાણી રોડ ઉપર આવેલ ટોપલેન્ડ રેસીડેન્સીના રહેવાસી રાજેશભાઇ નારણભાઇ રાઠોડ દ્વારા કોઠારીયા રોડ ઉપર આવેલ જુની પ્રમુખરાજ સોસાયટીમાં રહેતા અને ખાણ ખનીજનો કોન્ટ્રાકટ રાખી કામ કરતા કૈવલ્ય યોગેશભાઇ શુકલ વિરૂદ્ધ ૬૧ લાખના ચેક રીર્ટનની ફરીયાદ કરતા એડી. ચીફ. જયુડી. મેજી. શ્રી આર. બી. ગઢવીએ આરોપીને કોર્ટમાં હાજર થવા સમન્સ દ્વારા ફરમાન કરેલ છે.

બનાવની ટૂંક હકીકત એવી છે કે ફરીયાદી રાજેશભાઇ નારણભાઇ રાઠોડ કે જે રાજકોટ શહેરના સાધુવાસવાણી રોડ ઉપર આવેલ ટોપલેન્ડ રેસીડેન્સીમાં રહે છે અને જે.સી.બી. મશીનો ભાડે આપવાનું કામ કરે છે. વર્ષ ર૦૧૯માં રાજકોટના કોઠારીયા રોડ પર આવેલ જુની પ્રમુખરાજ રેસીડેન્સીના રહેવાસી કૈવલ્ય યોગેશભાઇ શુકલ એ ફરીયાદીનું જે.સી.બી. મશીન માસીક રૂ. ૧૮૦૦૦૦/- (એક લાખ એસી હજાર પુરા) ના ભાડેથી ચલાવવા લીધેલ હતું અને મશીન ભાડે લેતી વખતે એવું પાકું વચન અને વિશ્વાસ આપેલ હતો કે જેસીબી મશીન કોઇ ગેરકાયદેસર ધંધામાં ઉપયોગ લેવામાં આવશે નહીં અને જો તેવું થશે તો તેની તમામ જવાબદારી આરોપી એટલે કે મશીન ભાડે લેનારની રહેશે.

ફરીયાદીનું જેસીબી મશીન ભાડે લીધા બાદ થોડા જ સમયમાં જ મશીન દ્વારા ગેરકાયદેસર રીતે ખાણ ખનીજનું ખનન કરવામાં આવતું હોય ખાણ ખનીજ ખાતા દ્વારા મશીન કબજે કરી લીધેલ અને આરોપી કૈવલ્ય યોગેશભાઇ શુકલએ આ મશીન પેટે ચડત રહેલ ભાડાની રકમ તથા મશીન છોડાવવા ભરવાપાત્ર થતી રકમ મળી કુલ ૬૧ લાખ રૂપિયાનો ચેક ફરીયાદીને આપેલ પરંતુ ચેક બેન્કમાં નાખતા વગર ચુકવણે પરત ફરેલ જેથી ફરીયાદીએ તેના વકીલ શ્રી સંજય પંડિત મારફત આ અંગે લીગલ નોટીસ આરોપીને પાઠવેલ પરંતુ આરોપીએ ફરીયાદીના નાણા ન ચુકવતા આ અંગે કોર્ટમાં નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ હેઠળ ફરીયાદ કોર્ટમાં નોંધાવવામાં આવેલ જે અનુસંધાને નામદાર કોર્ટે સમન્સનો હુકમ કરી આરોપીને કોર્ટ સમક્ષ હાજર રહેવા ફરમાન કરેલ છે.

આ કામે ફરીયાદી વતી વકીલશ્રી સંજય પંડિત, બીનીતા પટેલ વગેરે રોકાયેલ છે.

(3:39 pm IST)