Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

મ.ન.પા.ની વૃક્ષારોપણ માટે નવી નીતીઃ સંસ્થાઓને કોન્ટ્રાકટ આપશે

ટ્રી-ગાર્ડ ખરીદીનાં વર્તમાન ટેન્ડરો રદ કરી હવે સસ્તા ટ્રી-ગાર્ડ અને સંસ્થાઓને કોન્ટ્રાકટ માટે નવા ટેન્ડરો બહાર પાડવામાં આવશેઃ મેયર પ્રદીપ ડવની જાહેરાત

રાજકોટ, તા., ર૩ : આ વર્ષ ચોમાસામાં હકિકતે વૃક્ષારોપણનો હેતુ સાકાર થાય તે માટે મેયર પ્રદિપ ડવે કટીબધ્ધતાં વ્યકત કરી છે. અને આ માટે મેયરશ્રીએ આ વર્ષે વૃક્ષારોપણની નવી નીતિ અપનાવવા સુચો કર્યા હતાં.

જે અનુસંધાને હવે ટ્રી-ગાર્ડ ખરીદીનાં વર્તમાન ટેન્ડરો રદ કરી અને નવા સસ્તા ઓછા વજનનાં ટ્રી-ગાર્ડ ખરીદવા ઉપરાંત, વૃક્ષરોપણ કરતી સંસ્થાઓને કોન્ટ્રાકટ આપવા માટે નવા ટેન્ડરો બહાર પાડવા નિર્ણય લીધો છે.

આ અંગે મેયર પ્રદિપ ડવે વિસ્તૃત માહીતી આપતાં જણાવેલ કે દર વર્ષ વૃક્ષારોપણ માટે લાખો કરોડોનાં ખર્ચે ટ્રી-ગાર્ડ ખરીદવામાં આવે છે. અને તેનું વિતરણ થાય છે પરંતુ તેની સામે વૃક્ષરોપણ અને તેનાં ઉછેરની સંખ્યા નિરાશાજનક રહે છે. અને તંત્રએ કરેલો ખર્ચ એળે જઇ રહ્યાની ફરીયાદો ઉઠે છે.

આથી આ વખતે આડેધડ ટ્રી-ગાર્ડ ખરીદવાને બદલે જરૂર મુજબ ટ્રી-ગાર્ડ ખરીદવા નિર્ણય લેવાયો છે.

એટલુ જ નહી ટ્રી-ગાર્ડનું આડેધડ વિતરણ કરવાને બદલે જે લોકો વૃક્ષ ઉછેરવાની જવાબદારી લ્યે તેને જ ટ્રી-ગાર્ડ આપવા તેમજ જાહેર રસ્તાઓ મેદાન, બગીચા વગેરે સ્થળોએ વૃક્ષારોપણ કરવા માટે સામાજીક કે સ્વૈચ્છીક સંસ્થાઓને જ કોન્ટ્રાકટ આપી દેવા નિર્ણય લેવાયો છે.

સંસ્થાઓ પોતાનાં જ ખર્ચે જ ટ્રી-ગાર્ડ સાથે તંત્રએ દર્શાવેલા સ્થળે વૃક્ષારોપણ કરી દેવું એ શરતે જ કોન્ટ્રાકટ અપાશે.

આમ હવે ઉકત નવી નીીત મુજબ સસ્તા ટ્રી-ગાર્ડ ખરીદવા તેમજ સંસ્થાઓને કોન્ટ્રાકટ માટે નવી ટેન્ડર ડીઝાઇન તૈયાર કરી આ નવા ટેન્ડરો બહાર પડાશે.

મેયરશ્રીનાં જણાવ્યા મુજબ સંસ્થાઓને ટ્રી-ગાર્ડ, ખાતર-પાણી વગેરે સાથે ૧ વૃક્ષ ઉછેરવા માટે અંદાજીત રૂ. ૬પ૦ જેટલો ખર્ચ મ.ન.પા.એ આપવો પડશે. એટલે કે અંદાજ મુજબ સંસ્થાઓને વૃક્ષારોપણનાં કોન્ટ્રાટમાં ૧ વૃક્ષની કિંમત ચૂકવવાની અપસેટ કિંમત રાખવામાં આવશે.

(4:42 pm IST)