Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

ઉદિત અગ્રવાલ દ્વારા કોરોના કાળમાં પણ શહેરનાં સાર્વત્રિક વિકાસનો પ્રયાસ પ્રશંસનીય : પ્રદિપ ડવ

મ્યુ.કમિશ્નર તથા ડે. કમિશ્નરને વિદાય શુભેચ્છા પાઠવતા મેયર સહિતના પદાધિકારીઓ

રાજકોટ,તા. ૨૩:  મહાનગરપાલિકાના કમિશનર ઉદિત અગ્રવાલની મહેસાણા કલેકટર તરીકે તેમજ ડે.કમિશનર બી.જી.પ્રજાપતિની આણંદ જીલ્લા વિકાસ અધિકારી તરીકે બદલી થતા તેમનો વિદાય સમારંભ યોજવામાં આવેલ. આ પ્રસંગે મેયર ડો.પ્રદીપ ડવ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ દ્યવા, શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા તથા રાજકોટ મહાનગરપાલિકાની જુદી જુદી સમિતિના ચેરમેનઓ તથા કોર્પોરેટરો ઉપસ્થિત રહેલ.

જે પ્રસંગે મેયરએ જણાવેલ કે, મ્યુનિસિપલ કમિશનર તરીકેના કાર્યકાળ દરમિયાન રાજકોટનો સાર્વત્રિક વિકાસ થાય તે માટે મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ વિકાસ કરવામાં ખુબ ફાળો રહ્યો છે. શહેરની સુખારીમાં ખુબ સહયોગ અર્બન ફોરેસ્ટ તથા બ્રિજના કામ પણ ચાલુ કર્યા છે. કોવિડના કાર્યકાળમાં ખુબ જ મોડી રાત સુધી સતત જાગૃત રહ્યા છે. ટેસ્ટીંગ, વેકસીન, ધન્વંતરી, આરોગ્ય રથની ખુબ જ સારી કામગીરી કરેલ છે.  કોર્પોરેટરની રજૂઆતને પારિવારિક રીતે ઉકેલી છે. ખુશી છે કે, કલેકટર તરીકે બદલી થઇ પરંતુ રાજકોટના એક સારા અધિકારીની બદલી થઇ છે. બંને અધિકારીઓએ શહેરના વિકાસમાં ખુબ સેવા આપેલ છે. જેના અનુસંધાને મ્યુનિસપિલ કમિશનરશ્રીએ પોતાનો પ્રતિભાવ આપતા જણાવેલ કે, રાજકોટ મહાનગરપાલિકાને જુના તથા નવા કોર્પોરેટરો ખુબ મહેનતુ મળ્યા છે. આજથી પોણા બે વર્ષથી ગોધરાથી આવેલ બે કલેકટરશીપ પછી બહુ ઈચ્છા હતી કે અર્બન ડેવલોપમેન્ટમાં કામ કરવું. આ માટે અમદાવાદ કે સુરતના ડે.કમિશનર બન્યો તો પણ ખુબ આનંદ થાત, તેના બદલે સીધા મુખ્યમંત્રીના શહેર રાજકોટ ખાતે  મ્યુનિસિપલ કમિશનર બનાવ્યા તેનો ખુબ આનંદ થયેલ.

રાજકોટના વિકાસકામોમાં માન.મુખ્યમંત્રીશ્રી, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજનું પણ સતત માર્ગદર્શન મળતું રહ્યું છે.

આ પ્રસંગે ડે.કમિશનર પ્રજાપતિએ જણાવેલ કે, શહેરી વિકાસમાંથી ગ્રામ વિકાસમાં જઈ રહ્યો છુ. રાજકોટ ખાતે પદાધિકારીઓ તથા કમિશનરના સતત માર્ગદર્શન હેઠળ સારું કામ કરવાની તક મળી. રાજકોટના કાર્યકાળ દરમિયાન મહાનગરપાલિકાનો, તમામ પદાધિકારીઓનો તથા તમામ કોર્પોરેટરો ખુબ સારો સહયોગ મળ્યો.  

અંતમાં, મહાનગરપાલિકાના તમામ મેયર ડો.પ્રદીપ ડવ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા તથા કોર્પોરેટરો દ્વારા કમિશનર ઉદિત અગ્રવાલની તથા ડે.કમિશનર બી.જી.પ્રજાપતિને પુષ્પગુચ્છ આપી વિદાય શુભેચ્છા આપવામાં આવેલ હતી.

(4:42 pm IST)