Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

પ્રજા પર દંડનો અતિરેક નિંદનીયઃ રોષ ભભૂક્‍યો

ટ્રાફિક પોલીસ દ્વારા પેન્‍ડીંગ ઇ-મેમોના અલ્‍ટીમેટમ બાદ ધીમી ઝડપે દંડ ભરવા વાહનચાલકો આગળ આવ્‍યાઃ આ વચ્‍ચે પ્રજામાંથી ખોટી રીતે દંડ ફટકારાયાની ફરિયાદોનો પણ ધોધ વહ્યો : કોરોના કાળથી શરૂ થયેલી મંદીમાં દંડરૂપી કોરડો પ્રજા માટે અસહ્ય થઇ રહ્યો છે ત્‍યારે સરકારે આ મુદ્દે મધ્‍યસ્‍થી કરી પ્રજાને રાહત આપવી જોઇએ તેવો સુર લોકોમાં ઉઠી રહ્યો છે

પોલીસની ચિમકીનો ચમત્‍કારઃ ગઇકાલે ટ્રાફિક શાખા દ્વારા પડતર ઇ-મેમો વસુલવા હજારો વાહનચાલકોને નોટીસ ફટકારી ગુનો નોંધવાની ચીમકી ઉચ્‍ચારાયાના પડઘા આજ સવારથી જોવા મળ્‍યા છે. રૂડા ઓફિસ નજીક આવેલી ટ્રાફિક શાખાની ઓફિસ ઉપર આજે સવારથી ધીમી ગતિએ પેન્‍ડીંગ ઇ-મેમો દંડ ભરવા વાહનચાલકો પહોંચી ગયેલા નજરે પડે છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)
રાજકોટ તા. ૨૨: જીલ્લા કાનુની સેવા સત્તા મંડળના સહયોગથી તા.૨૬મી જુનના દિવસે પેન્‍ડીંગ ઇ-ચલણ અંગે રાજકોટ પોલીસની ટ્રાફિક શાખા દ્વારા લોક અદાલતનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ બાબતની પ્રેસ નોટ ટ્રાફિક પોલીસ દ્વારા રિલીઝ કરવામાં આવી હતી. જેમાં ૨૫મી સુધીમાં બાકી રહેતાં દંડ ભરી દેવા નહિ તો કેસની આડકતરી ચીમકી ઉચ્‍ચારવામાં આવતાં કાનૂની જાણકારો અને ચડત દંડ લઇને ફરતાં વાહનચાલકોમાં મતમતાંતરો ઉભા થવાની સાથે કમાન્‍ડ એન્‍ડ કન્‍ટ્રોલ રૂમના મેમો મારફત ખોટી રીતે કેટલોક દંડ વસુલાતો હોવાની ધરબાયેલી ફરિયાદોનો ધોધ ફરી વહેવા લાગ્‍યો છે. વાહન ચાલકો આવા પ્રકારનો દંડ પ્રજા પર અતિરેક હોવાનો રોષ વ્‍યક્‍ત કરી રહ્યા છે. છાનાખુણે કેટલાક અધિકારીઓ પણ આ બાબતને સ્‍વીકારી રહ્યા છે.
છેલ્લા છ મહિના દરમિયાન ટ્રાફિક પોલીસ દ્વારા ફટકારવામાં આવેલા ઇ-મેમોના દંડની પેન્‍ડીંગ રકમ ૧,૦૫,૦૦૦ કેસમાં આશરે ૯ થી ૯ાા કરોડ થવા જાય છે. ટ્રાફિક નિયમનના ભંગ બદલ ફટકારવામાં આવતો દંડ પ્રજાની કે વાહન ચાલકોની સાન ઠેકાણે લાવવા માટેનો હોય છે એ વાત પણ ખરી. પરંતુ કેટલાક કિસ્‍સાઓમાં નજીવી અને ક્ષુલ્લક ભૂલને લીધે પણ હજારોના દંડ ફટકારી દેવામાં આવ્‍યા છે એ પણ નરી વાસ્‍તવિકતા છે. ઉદાહરણ રૂપે જોઇએ તો કેટલાક વાહન ચાલકો ગ્રીન સિગ્નલ ચાલુ હોય ત્‍યારે રસ્‍તો ઓળંગવા આગળ વધી ગયા હોય ત્‍યારે ઓચીંતી રેડ લાઇટ થઇ જાય અને નિયત રેખાથી વાહન આગળ વધી જાય તો પણ સિગ્નલ તોડવા બદલનો દંડ ફટકારી દેવામાં આવતો હોવાનો રોષ વાહન ચાલકો ઠાલવી રહ્યા છે. આ વાત કેટલેક અંશે વાજબી લાગી રહી છે. જો કે પોલીસ અધિકારીઓ એવો બચાવ કરે છે કે હવે તો ટ્રાફિક સિગ્નલ સેકન્‍ડો દર્શાવી રહ્યા છે. આ મુદ્દે વાહનચાલકો ખોટા છે. વાહન ચાલકોને અગાઉથી જ ખ્‍યાલ આવી જાય છે કે કેટલી સેકન્‍ડ રેડ સિગ્નલ થવામાં બાકી છે.
આવા પોલીસ અધિકારીઓને એટલુ કહેવાનું કે પહેલા તમારા સિગ્નલની હાલત દૂરસ્‍ત કરો. મોટા ભાગના સિગ્નલો ઉપર હવે સેકન્‍ડો દેખાતી નથી. જો કે આ બાબતે જાણકારો એવું જણાવે છે કે પોલીસે વધુ ટ્રાફિકવાળા અને પ્રમાણમાં ઓછા ટ્રાફિકવાળા સિગ્નલો ઉપર ટ્રાફિક સિગ્નલની અલગ અલગ વ્‍યવસ્‍થા કરી છે. ઓવર ઓલ જોઇએ તો કોરોના કાળથી શરૂ થયેલી મંદીમાં દંડરૂપી કોરડો પ્રજા માટે અસહ્ય થઇ રહ્યો છે ત્‍યારે સરકારે આ મુદ્દે મધ્‍યસ્‍થી કરી પ્રજાને રાહત આપવી જોઇએ તેવો સુર લોકોમાં ઉઠી રહ્યો છે.

 

(4:50 pm IST)