Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

ભૂપેન્‍દ્ર રોડ પર મુંગા બહેરાનો સ્‍વાંગ રચીને આવેલો ગઠીયો ૬ લાખના સોનાના દાગીના બઠ્ઠાવી ગયો

‘આ ભાઇ મુંગા બહેરા છે તેને સહાય કરવા વિનંતી'...આવા લખાણ સાથે દૂકાનમાં આવ્‍યો ને ‘કારીગીરી' કરી ગયો : શ્રૃંગાર જ્‍વેલર્સમાં સોની વેપારી ભાસ્‍કરભાઇ અને સેલ્‍સમેન દાગીના ગોઠવવામાં વ્‍યસ્‍ત હતાં ત્‍યારે બનાવઃ કાઉન્‍ટર પર રાખેલુ બોક્‍સ નોટબૂક નીચે છુપાવીને નીકળી ગયોઃ એ-ડિવીઝન પોલીસે તપાસ આરંભી

રાજકોટ તા. ૨૨: ચોર-ઉઠાવગીરો પણ નીતનવા નુસ્‍ખા અપનાવી કારીગીરી કરી જતાં હોય છે. ભૂપેન્‍દ્ર રોડ પર આવેલી શ્રૃંગાર જ્‍વેલર્સ નામની દૂકાનમાં મુંગા બહેરાનો સ્‍વાંગ રચીને આવેલો એક શખ્‍સ વેપારી અને સેલ્‍સમેનની નજર ચુકવી રૂા. ૬ લાખના સોનાના દાગીના ભરેલુ બોક્‍સ કાઉન્‍ટર પરથી પોતાના હાથમાં રહેલી નોટબૂક નીચે છુપાવીને ચોરી જતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે પ્રહલાદ પ્‍લોટ સોૈભાગ્‍ય એપાર્ટમેન્‍ટ બ્‍લોક નં. ૩૦૧માં રહેતાં અને ભૂપેન્‍દ્ર રોડ પર શ્રૃંગાર જ્‍વેલર્સ નામે દૂકાન ધરાવતાં સોની વેપારી પ્રશાંતભાઇ ભાસ્‍કરભાઇ ચાપાનેરીયા (ઉ.૪૧)ની ફરિયાદ પરથી અજાણ્‍યા બહેરા મુંગાનો સ્‍વાંગ રચીને આવેલા અજાણ્‍યા શખ્‍સ વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.
પ્રશાંતભાઇએ જણાવ્‍યું હતું કે ૨૦/૬ના બપોરે દોઢેક વાગ્‍યે મારા પિતા ભાસ્‍કરભાઇ તથા મારા સેલ્‍સમેન વજુભાઇ ધોળકીયા બંને દૂકાનમાં માલની ગોઠવણી કરી રહ્યા હતાં એ વખતે એક અજાણ્‍યો શખ્‍સ આવ્‍યો હતો અને તેણે એક કાગળ બતાવ્‍યો હતો. એ કાગળમાં ‘આ વ્‍યક્‍તિ મુંગો બહેરો છે, તેને સહાય આપવા વિનંતી' તેવું લખાણ લખેલુ હતું.
આ કાગળ તેણે અમારી દૂકાનના કાઉન્‍ટર પર મુકીને બતાવતાના બહાને આગળ કરી કાઉન્‍ટર પર પડેલા એક બોક્‍સમાંથી પેન્‍ડન્‍ટ સેટ નંગ ૨૩ જેનું કુલ વજન ૧૧૮ ગ્રામ હતું તે છ લાગના સોનાના દાગીના મારા પિતા તથા સેલ્‍સમેનની નજર ચુકવી ઉઠાવી લીધા હતાં.
એ શખ્‍સે પોતાની પાસે રહેલી એક નોટબૂક અને કાગળ બતાવવાના બહાને કાઉનટર પરના પેન્‍ડન્‍ટ સેટનું બોક્‍સ પોતાની નોટબૂક નીચે રાખી દીધું હતું અને ત્‍યાંથી નીકળી ગયો હતો. મારા પિતાજીને આ બનાવની જાણ સાંજે ચારેક વાગ્‍યે દાગીના ગણતી વખતે થઇ હતી. એ પછી અમે દૂકાનના સીસીટીવી કેમેરા ચેક કરતાં ંમુંગા બહેરાનો સ્‍વાંગ રચીને આવેલો શખ્‍સ નોટબૂક નીચે પેન્‍ડન્‍ટ સેટનું બોક્‍સ રાખીને ચોરી કરી જતો દેખાયો હતો. આ મામલે તપાસ કરી પોલીસને જાણ કરી હતી.
એ-ડિવીઝન પીઆઇ સી. જી. જોષીની રાહબરીમાં હેડકોન્‍સ. એલ. એ. જતાપરાએ ગુનો દાખલ કરાવતાં પીએસઆઇ એચ. એસ. નિમાવત, રાજેશભાઇ સોલંકી, જયુભા ઝાલા સહિતે તપાસ હાથ ધરી છે.

 

(11:11 am IST)