Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

રાજકોટ જિલ્લા આખામાં પ્રી-મોન્‍સુન કામગીરી હાથ ધરતુ વીજતંત્ર : રાઉન્‍ડ ધ કલોક સ્‍ટાફ - સાધનોની ફાળવણી

રાજકોટમાં ૨૪ કલાક કંટ્રોલ રૂમ : ૧૮૦૦૨૩૩૧૫૫૩૩૩૪/૧૯૧૨૨ કાર્યરત : ૨૭ સબ ડિવીઝનમાં જમ્‍પર - અર્થીંગ - પોલ - ટ્રાન્‍સફોર્મર બદલવા કોન્‍ટ્રાકટરોની ટીમ ઉતરી પડી

રાજકોટ તા. ૨૩ : આવનારા ચોમાસાની પૂર્વતૈયારીરૂપે પી.જી.વી.સી.એલ. વર્તુળ કચેરી, રાજકોટ ગ્રામ્‍યના કાર્યક્ષેત્રમાં આવતા ગામોમાં ૨૪ કલાક સાતત્‍યપૂર્ણ વીજ પુરવઠો પુરો પાડી શકાય તે માટે આગોતરી કામગીરી કરવામાં આવી રહી છે.

રાજકોટ જીલ્લાની તમામ ૨૭ પેટા વિભાગીય કચેરીઓમાં આઠ-આઠ કલાકની ત્રણ શિફટ બનાવી, તેમાં જરૂરિયાત મુજબના લાઈન સ્‍ટાફ વાહન તથા લાઈનકામ માટેના જરૂરી સાધનો સહિત રાખવામાં આવેલ છે. છેલ્લા ૩ મહિનામાં ફીડરોના સમારકામમાં મુખ્‍યત્‍વે ભારે-હળવા દબાણની લાઈન તથા ટ્રાન્‍સફોર્મરમાં લાઈનને નડતરરૂપ ઝાડની ડાળી કાપવા ઉપરાંત નવા જમ્‍પર, અર્થિંગ સમારકામ, પોલ સીધા કરવાની કામગીરી તમામ ફિડરોમાં હાથ ધરવામાં આવેલ છે. ઉપરાંત, દરેક સબ ડિવિઝનમાં લાઈનકામ માટે કોન્‍ટ્રાક્‍ટરની ટીમ પણ ઉપલબ્‍ધ કરાવવામાં આવેલ છે. જરૂર જણાયે સબ ડિવીઝનના લાઈન સ્‍ટાફને પણ વીજ પુરવઠાની ફરિયાદના નિરાકરણ માટે ઉપલબ્‍ધ કરાવવામાં આવે છે.

રાજકોટ વર્તુળ કચેરી હેઠળના રાજકોટની આસપાસનો ગ્રામ્‍ય વિસ્‍તાર, ગોંડલ, જેતપુર, જસદણ અને ધોરાજીની ક્ષેત્રીય વિભાગીય કચેરીઓ અંતર્ગત કાર્યરત તમામ પેટા વિભાગીય કચેરીઓના ફોલ્‍ટ સેન્‍ટરમાં એક લેન્‍ડલાઈન ફોન અને એક મોબાઈલ ફોનની સુવિધા ગ્રાહકો માટે ઉભી કરવામાં આવેલ છે. હાલમાં એક પેટા વિભાગીય કચેરી હેઠળ નોંધાયેલ દરરોજ સરેરાશ ૪૦ જેટલી ફરિયાદોનો નિયત સમયમર્યાદામાં ત્‍વરિત નિકાલ કરવામાં આવે છે. જયાં જરૂરી છે ત્‍યાં પેટા વિભાગીય કચેરીઓને પણ અગાઉથી અલગ-અલગ કેપેસીટીના વીજ ટ્રાન્‍સફોર્મર આપી દેવામાં આવ્‍યા છે. વીજ લાઇનના મરામતની કામગીરી છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહી છે. જીલ્લાની વિવિઘ ૨૭ પેટા વિભાગીય કચેરીઓ દ્વારા વરસાદના કારણે દૈનિક ૧૧૫૦ જેટલી વીજવિક્ષેપની વ્‍યક્‍તિગત ફરિયાદોનો નિકાલ કરવામાં આવે છે તેમજ ૪૭ જેટલા ફીડર ફોલ્‍ટમાં વીજ પુરવઠો પુનઃ પ્રસ્‍થાપિત કરવામાં આવે છે. કોન્‍ટ્રાકટરની ટીમો દ્વારા દૈનિક અંદાજે ૩૫ જેટલા ફેઈલ વીજ ટ્રાન્‍સફોર્મર બદલવાની કામગીરી કરવામાં આવેલ છે.

ઉપરાંત, ગ્રાહકોની સુવિધાને અગ્રસ્‍થાને રાખીને રાજકોટ ખાતે પણ કેન્‍દ્રિય સ્‍તરે ફરિયાદ નોંધવા ૨૪ કલાક કંટ્રોલ રૂમનો ફોન નં. ૧૮૦૦ ૨૩૩ ૧૫૫૩૩૩૪/ ૧૯૧૨૨ કાર્યરત છે. તેમજ ગ્રાહકો વીજ પોલ, વીજ વાયર તથા વીજળીના તમામ પ્રકારના નેટવર્કથી પોતે તથા અન્‍યને તેમજ પશુઓને દુર સલામત અંતરે રાખે. જેથી, વીજ અકસ્‍માતની સંભાવનાઓને વરસાદી વાતાવરણમાં નિવારી શકાય. તેમ પી.જી.વી.સી.એલ. વર્તુળ કચેરી, રાજકોટ ગ્રામ્‍યના અધિક્ષક ઈજનેરશ્રી પી. જે. મહેતાની યાદીમાં જણાવાયું છે.

(12:08 pm IST)