Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

લોહાણાપરામાં વસીમ કાલવાનું તેની રિક્ષામાં મોતઃ માથા પાછળની ઇજા કોઇના ઘાથી થઇ કે અથડાવાથી?

દૂધ સાગર રોડ હાઉસીંગ બોર્ડ ક્‍વાર્ટરનો યુવાન સાંજે ઘરેથી નીકળ્‍યા બાદ લાશ મળતાં પરિવારમાં માતમ : પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરતાં રિક્ષા અથડાયાનું દેખાયું: કોઇ બીજા સ્‍થળે માથામાં ઇજા પહોંચ્‍યા બાદ વસીમ લોહાણાપરામાં આવ્‍યાની પરિવારજનોએ શંકા દર્શાવીઃ ઘટનાના મુળ સુધી પહોંચવા એ-ડિવીઝન પોલીસની તપાસ : ફોરેન્‍સિક પોસ્‍ટ મોર્ટમ બાદ વિસેરા લેવાયાઃ તબિબોનો પ્રાથમિક અભિપ્રાય-માથાની ઇજા છે તે ઘાથી પણ થાય અને ભટકાવાથી પણ થાય


રાજકોટ તા. ૨૩: દૂધસાગર રોડ પર  ગુ.હા. બોર્ડ ક્‍વાર્ટરમાં રહેતાં વસીમ હબીબભાઇ કાલવા (ઉ.વ.૩૬) નામના યુવાનની લાશ લોહાણાપરામાં ડિલક્‍સ આઇસ્‍ક્રીમ પાસે તેની જ રિક્ષામાંથી મળતાં અને માથા પાછળ ઇજા જોવા મળતાં પરિવારજનોએ હત્‍યાની શંકા દર્શાવતા એ-ડિવીઝન પોલીસે મૃતદેહનું ફોરેન્‍સિક પોસ્‍ટ મોર્ટમ કરાવ્‍યું છે. પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરતાં રિક્ષા દિવાલમાં અથડાયાનું અને બાદમાં વસીમ નીચે ઉતરી રિક્ષા સાઇડમાં લઇ પાછલી સીટમાં જતો દેખાયો છે. જો કે પરિવારજનોના કહેવા મુજબ અન્‍ય કોઇ સ્‍થળે વસીમને માથામાં કોઇપણ કારણોસર ઇજા થયા બાદ તે લોહાણાપરામાં આવ્‍યો હતો. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
મૃત્‍યુ પામનાર વસીમ ત્રણ ભાઇમાં વચેટ હતો. તેના પિતા હયાત નથી. માતાનું નામ ઝરીનાબેન અને પત્‍નિનું નામ સલમાબેન છે. વસીમને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. ગઇકાલે સાંજે તે પોતાની રિક્ષા ૫૨૨૨ લઇને નીકળ્‍યા બાદ રાતે અગિયારેક વાગ્‍યે લોહાણાપરામાં ડિલક્‍સ આઇસ્‍ક્રીમ પાસે તેની જ રિક્ષામાંથી બેભાન મળતાં સિવિલમાં ખસેડાયો હતો. પરંતુ તબિબે મૃત જાહેર કર્યો હતો.
લોકો ભેગા થયા હોઇ તે વખતે જ વસીમનો ભાણેજ રમીઝ ચોૈહાણ નીકળતાં તે મામાની રિક્ષા જોઇ ત્‍યાં જતાં મામા વસીમભાઇ પાછલી સીટમાં બેભાન મળતાં તેણે પરિવારજનોને જાણ કરી હતી. સ્‍વજનોના કહેવા મુજબ વસીમને માથા પાછળ ઘા જેવી ઇજા છે અને દાઢી પાસે પણ છરકો હતો. ગળા પાછળ કાળા ધાબા જોવા મળ્‍યા છે. અમને શંકા છે કે કોઇપણ બીજા સ્‍થળે વસીમ સાથે કોઇએ મારકુટ કરી હતી. એ પછી તે રિક્ષા હંકારી લોહાણાપરા સુધી આવ્‍યા બાદ બેલેન્‍સ ગુમાવતાં તે પાછલી સીટમાં ગયો હતો.
પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરતાં રિક્ષા મોચીબજાર ચબુતરાથી લોહાણાપરા સુધી આવતી દેખાય છે અને એ પછી રિક્ષામાંથી વસીમ ઉતરીને પાછલી સીટમાં જતો દેખાય છે. લોકોમાં એવી ચર્ચા થતી હતી કે રિક્ષા દિવાલમાં અથડાઇ હતી. જો કે માથા પાછળની ઇજા કોઇના ઘાથી થઇ કે પછી રિક્ષા અથડાવાથી? તે જાણવા ફોરેન્‍સિક પોસ્‍ટ મોર્ટમ કરાવાયું છે. જો કે  તબિબોએ પ્રાથમિક તારણમાં કહ્યું હતું કે જે ઇજા છે તે કોઇના ઘાથી પણ થઇ શકે અને અથડાવાથી પણ થઇ શકે તેવી છે. મૃતદેહના વિસેરા લઇ ફોરેન્‍સિક પરિક્ષણ માટે મોકલાયા છે. તેનો રિપોર્ટ આવ્‍યા બાદ પોલીસ આગળ તપાસ કરશે. હાલ તો મૃત્‍યુ અંગે રહસ્‍ય અકબંધ રહ્યું છે. પીઆઇ સી. જી. જોષીની રાહબરીમાં પીએસઆઇ સી. પી. રાઠોડ અને ટીમે તપાસ યથાવત રાખી છે.

 

(3:22 pm IST)