Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

બેંક કર્મચારીના નામે ફોન કરી વધુ એક ઠગાઇઃ સાયબર ક્રાઇમ પોલીસે પુરેપુરી રકમ પરત અપાવી

કેદારનાથ સોસાયટીના યુવાને ક્રેડિટ કાર્ડ ચાલુ કરવા ગઠીયાએ કહ્યું એમ મુજબ એપ્‍લીકેશન ડાઉનલોડ કરતાં જ ખાતામાંથી ૧ લાખથી વધુની રકમ ઉપડી ગઇ હતીઃ પીઆઇ વાઘેલા અને ટીમની કાર્યવાહી : કોઇપણ બેંક ઓનલાઇન માહિતી માંગતી નથી, બેંકને લગતી માહિતી આપવા રૂબરૂ બેંક ખાતે જવું: એસીપી વી.એમ. રબારી

રાજકોટ તા. ૨૩: ઓનલાઇન ફ્રોડનો ભોગ બનનાર તુરત સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કરો તો ઘણા કિસ્‍સામાં તેમની ગુમાવેલી રકમ પોલીસ પરત કરાવી શકે છે. વધુ એક આવા બનાવમાં કેદારનાથ સોસાયટીના રહેવાસીએ રૂા. ૧,૦૬,૩૭૫ ગુમાવ્‍યા હતાં તે તેને પરત અપાવ્‍યા છે. ક્રેડિટ કાર્ડ ચાલુ કરાવી આપવાના નામે  બેંક કર્મચારીની ઓળખ આપી ગઠીયાએ ફોન કરી તેના કહેવા મુજબ ‘એની ડેસ્‍ક' નામની એપ્‍લીકેશન ડાઉનલોડ કરી ફોન કરનારની સુચના મુજબ મોબાઇલમાં લિંક ખોલી તેને અનુસરતાં ઠગાઇ થઇ ગઇ હતી.

જાણવા મળ્‍યા મુજબ ન્‍યુ કેદારનાથ સોસાયટી-૭ પાસે ન્‍યુ સાગરમાં રહેતાં સંજય અશોકભાઇ કારેલીયા (લુહાર) (ઉ.વ.૩૮) નામના યુાવનને એક ફોન આવ્‍યો હતો અને ફોન કરનારે પોતે એસબીઆઇનો કર્મચારી છે તેવી ઓળખ આપી ક્રેડિટ કાર્ડ ચાલુ કરાવી આપશે તેવી વાત કરી હતી. સંજયને ફોન કરનાર શખ્‍સ બેંકનો કર્મચારી જ છે તેવું જણાતાં તેણે ક્રેડિટ કાર્ડ ચાલુ કરાવવાની હા પાડતાં જ ગઠીયાએ તેને એની ડેસ્‍ક નામની એપ્‍લીકેશન એપસ્‍ટોરમાંથી ડાઉનલોડ કરવાનું કહી બાદમાં ક્રેડિટ કાર્ડ નંબર, ઓટીપી મેળવી લઇ રૂા. ૧,૦૬,૩૭૫ ઉપાડી લઇ ઠગાઇ કરી હતી.

પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલની રાહબરીમાં એસીપી વિશાલ એમ. રબારીની રાહબરીમાં પીઆઇ જે. એમ. વાઘેલા, પીએસઆઇ ડી. બી. કાકડીયા, હેડકોન્‍સ. હરિભાઇ સોંદરવા, મોૈનીકભાઇ ટંકારીયા, કોન્‍સ. પુજાબેન વાળા, ઉષાબેન પરમાર અને રહુલભાઇ જળુએ ટેકનીકલ એનાલિસીસ કરી સુઝબુઝથી કામગીરી કરી છેતરાયેલા યુવાનને તેની રકમ પરત અપાવતાં તેણે પોલીસનો આભાર માન્‍યો હતો. 

(3:06 pm IST)