Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

વધુ એક બંગાળી વેપારીને બંગાળી કારીગરનું ‘બૂચ': ૨૦.૮૮ લાખનું સોનુ લઇ ભાગી ગયો

રામનાથપરાના નાજીરહુશેનની સોનીબજારની દૂકાનમાં એક વર્ષથી કામ કરતો મુકબ્‍બર બંગાળી છેતરપીંડી કરી છનનન થઇ જતાં એ-ડિવીઝન પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૨૩: છ દિવસ પહેલા કરણપરાના એક બંગાળી વેપારીએ રૂા. ૨૪.૪૬ લાખની ઠગાઇની ફરિયાદ નોંધાવી હતી. જેમાં બંગાળી કારીગર દાગીના બનાવવા માટેનું સોનુ લઇ ભાગી ગયાનું જણાવાયું હતું. આ બનાવમાં તપાસ ચાલુ છે ત્‍યાં વધુ એક બંગાળી વેપારી સાથે રૂા. ૨૦.૮૮ લાખની ઠગાઇનો બનાવ સામે આવ્‍યો છે. આ કિસ્‍સામાં પણ દાગીના બનાવવા માટે બંગાળી વેપારીએ આપેલુ સોનુ લઇ બંગાળી કારીગર છનનન થઇ જતાં પોલીસને જાણ કરવામાં આવતાં તપાસ શરૂ થઇ છે.

આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે રામનાથપરા શેરી નં. ૧૨ અરમાન એપાર્ટમેન્‍ટ ફલેટ નં. ૪૦૨માં રહેતાં મુળ પヘમિ બંગાળ હુગલીના નાગસા ગામના નાજીરહુશેન રૂહુલઇસ્‍માઇલ શેખ (ઉ.૩૮)ની ફરિયાદ પરથી રામનાથપરા-૧૨માં અરમાન  એપાર્ટમેન્‍ટમાં જ રહેતાં બંગાળના નદીયાના માલાંચા ગામના મુકબ્‍બર છાદેર મંડલ સામે આઇપીસી ૪૦૬, ૪૨૦ મુજબ રૂા. ૨૦,૮૮,૪૫૦નું ૩૯૦ ગ્રામ સોનુ છેતરપીંડીથી લઇ જવાનો ગુનો નોંધ્‍યો છે.

નાજીરહુશેન શેખે જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને સોની બજાર રવિરત્‍ન કોમ્‍પલેક્ષમાં દુકાન નં. ૨૦૫માં મારા બનેવી શરીફુદ્દીન સનોરઅલી મોૈલાના સાથે ભાગીદારીમાં સોની કામ કરુ છું. અમારી દૂકાનમાં અકે કારીગર તરીકે બંગાળના મુકબ્‍બર મંડલને એક વર્ષથી કામે રાખ્‍યો હતો. તે મારા બનેવી સાથે રહેતો હતો. મુકબ્‍બર એક વર્ષથી કામ કરતો હોઇ વિશ્વાસુ બની ગયો હતો. ૧૫/૬ના રોજ અમને સોનીબજારના વેપારીએ રૂા. ૨૦,૮૮,૪૫૦નું ૩૯૦ ગ્રામ સોનુ આપ્‍યું હતું અને બુટી બનાવવા ઓર્ડર આપ્‍યો હતો. જેથી મેં આ સોનુ કારીગર મુકબ્‍બર મંડલને આપ્‍યું હતું અને તેમાંથી સોનાની બુટી ઓર્ડર મુજબ બનાવી આપવા કહ્યું હતું.

એ પછી ૧૭મીએ કારીગરને બુટીઓ બની કે કેમ? તે અંગે પુછતાં તેણે કહેલું કે ૭૫ જોડી બુટી તૈયાર થઇ છે જે સાંજ સુધીમાં તમને આપી દઇશે. ત્‍યારબાદ સાંજે દૂકાને જઇ જોતાં કારીગર મુકબ્‍બર મંડલ જોવા મળ્‍યો નહોતો. તેમજ દૂકાનમાં ૩૯૦ ગ્રામ સોનામાંથી બનાવેલી ૭૫ જોડી સોનાની બુટી પણ જોવા મળી નહોતી. તેનો ફોન પર સંપર્ક કરતાં થઇ શક્‍યો નહોતો અને ઘરે પણ તે મળ્‍યો નહોતો. શોધખોળ કરતાં તે કદાચ વતન તરફ ભાગી ગયાની શંકા ઉપજતાં પોલીસને જાણ કરી હતી.

પીઆઇ સી. જી. જોષીની રાહબરીમાં હેડકોન્‍સ. એલ. એ. જતાપરાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(3:14 pm IST)