Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

મવડીના ઉદયનગરમાં ૩૨ મિલ્‍કતો તોડી પાડવા દક્ષિણ મામલતદારનું ટુંકમાં ઓપરેશન : ૧૪૮૪ ચો.મી. જમીનનો મામલો

૧૯૯૦થી મામલો ચાલ્‍યો આવે છે... હાઇકોર્ટે નોંધ કરી ખાલી જમીનનો કબ્‍જો લેવાયેલ તે જમીન ખાલી કરાવીને જ સોંપો : કલેકટર - સરકારે જેને યુએલસી ફાજલ ગણી હતી તે જમીન હાઇકોર્ટે ખાનગી પાર્ટીની ઠેરવી

રાજકોટ તા. ૨૩ : મવડીના ઉદયનગરમાં આવેલ સર્વે નં. ૧૨૬ની કરોડોની કિંમતની ૧૪૮૪ ચો.મી. જમીન ખાલી કરાવવા અંગે કલેકટરની સૂચના બાદ દક્ષિણ મામલતદાર દ્વારા ટુંકમાં ઓપરેશન હાથ ધરાશે તેમ કલેકટર તંત્રના સરકારી સૂત્રો - અધિકારીઓએ આજે ઉમેર્યુ હતું.
ઉપરોકત જમીન ઉપર હાલ મોટું દબાણ છે, ૩૨ જેટલા મકાનો - દુકાનો ઉભા થઇ ગયા છે, આ જમીન ખાનગી માલિકીની હોવાનું બહાર આવ્‍યું છે.
૧૯૯૦થી આ જમીનનો વિવાદ ચાલ્‍યો આવે છે, મવડી સર્વે નં. ૧૨૬ની આ જમીન નાથાભાઇ જેઠાભાઇ દામાણી અને તેમના બે ભાઇઓના નામે છે, આ ૧૪૮૪ ચો.મી. જમીન કલેકટર તંત્રે યુએલસી ફાજલ ગણી તેનો કબજો લઇ લીધો હતો, પરંતુ આ સામે ઉપરોકત જમીન માલીકે વાંધો લીધેલ કે અમે ત્રણેય ભાઇઓ જુદા છીએ એક યુનિટ આપો તે ન ચાલે.
આ પછી આ જમીન અંગે ઉતરોતર સુનાવણી બાદ મામલો હાઇકોર્ટમાં પહોંચ્‍યો હતો, હાઇકોર્ટે ચૂકાદો આપેલ કે અરજદારની વાત સાચી છે, આ તેમની જમીન છે, અને કલેકટર તંત્રે જ્‍યારે જમીનનો કબજો લીધો ત્‍યારે ખાલી હતી, આથી જમીન ખાલી કરાવીને જ પાર્ટીને સોંપવી જોઇએ.
આ દરમિયાન ઉપરોકત કિંમતી જમીન ઉપર મકાનો - દુકાનોના દબાણ થઇ ગયા હતા, દબાણકર્તાઓ હાઇકોર્ટમાં ગયા અને વર્ષોથી રહેતા હોય, જમીન વેચાણે લીધી હોય રેગ્‍યુલાઇઝ કરી આપવા દાદ માંગી, પરંતુ હાઇકોર્ટે ના પાડી દેતા હવે કલેકટર તંત્ર દબાણ હટાવ ઓપરેશન હાથ ધરશે, અત્રે એ નોંધનીય છે કે, જમીન ખાલી કરાવવા દક્ષિણ મામલતદાર તંત્રે બે વખત દબાણકર્તાઓને નોટીસો ફટકારી છે, હવે ડીમોલીશન કરાશે, સૂત્રોના કહેવા મુજબ હાલ દબાણકર્તાઓને તંત્ર દ્વારા સાંભળવામાં આવી રહ્યા છે, જેમની પાસે આધાર - પૂરાવા - દસ્‍તાવેજો હોય તે ચકાસાઇ રહ્યા છે, બાદમાં કાર્યવાહી થશે.

 

(3:24 pm IST)