Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

પ્રેમ મંદિર પાસેની પીપીપી યોજનામાં વિજીલન્‍સ તપાસ કરાવોઃ બાબા સાહેબની પ્રતિમા કયાં ગઇ...કોણે ગુમ કરી

રાજકોટ ફેરપ્રાઇઝ એસો.ના પ્રમુખ માવજી રાખશીયા અને અગ્રણીઓનું આવેદન

સસ્‍તા અનાજના દુકાનદાર માવજીભાઇ રાખશીયા અને અગ્રણીઓએ આજે મ્‍યુ. કમિશ્‍નરને આવેદનપત્ર પાઠવ્‍યું તે નજરે પડે છે.
રાજકોટ તા. ર૩: રાજકોટ ફેર પ્રાઇઝ એસો.ના પ્રમુખ શ્રી માવજી રાખશીયા તથા અન્‍ય અગ્રણીઓએ મ્‍યુ. કમિશ્‍નરને આવેદન પાઠવી પ્રેમ મંદિર પાસેની પીપીપી યોજનામાં વિજિલન્‍સ તપાસ કરવા માંગણી કરી હતી.
આવેદનમાં ઉમેર્યું હતું કે, રાજકોટ મ્‍યુનિ. કોર્પોરેશનના ભુમાફીયા અમુક અધિકારીઓ બિલ્‍ડરો સાથે મળીને પીપીપી યોજના હેઠળ રાજકોટની જનતાને છેતરવાનું કામ કરી રહ્યા છે.
જેમાના એક મહત્‍વના મુદ્દા તરફ આપનું ધ્‍યાન કેન્‍દ્રીત કરવા માંગીએ છીએ, રાજકોટ મ્‍યુનિ. કોર્પોરેશનના નવા વોર્ડ નં.૧૦ માં પ્રેમ મંદિર સામે, મ્‍યુનિ. કોર્પોરેશન ગાર્ડનની બાજુમાં મહાનગરપાલિકાના પ્‍લોટમાં છેલ્લા ૩પ વર્ષથી વિશ્‍વરત્‍ન આધુનિક ભારતના શિલ્‍પી મહામાનવ ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા હતી જે સમાનતા બંધુતા અને લોકશાહીને માનવાવાળા લોકોને પ્રેરણા આપી રહી હતી. પરંતુ અમુક ભ્રષ્‍ટાચારી અધિકારીઓએ ષડયંત્ર રચી અડધી રાત્રે અપમાનીત રીતે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ગુમ કરી દીધી પછી એ પ્‍લોટમાં પીપીપી યોજના નામે કૌભાંડ રચ્‍યું છે.
જેમાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ફકત એક જ નાનું એવું મકાન હતું પરંતુ મ્‍યુનિ. કોર્પોરેશનના અધિકારીઓ ૬પ જેટલા મકાનો બતાવ્‍યા છે તો આટલા બધા મકાનો આવ્‍યા કયાંથી? અમારી માંગણી છે કે, (૧) ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ગુમ કોના ઇશારે કરવામાં આવી અને પ્રતિમા કયાં ફેંકવામાં આવી છે, (ર) મ્‍યુનિ. કોર્પોરેશનના અધિકારીઓએ આ જગ્‍યા ઉપર ઝૂપડા કે મકાન બતાવ્‍યા છે તો એ જગ્‍યા ઉપર ડીમોલીશન કરવામાં આવ્‍યું તેની તારીખ, પોલીસ બંદોબસ્‍ત માંગ્‍યો હોય તેના પુરાવાઓ અને ડીમોલીશન થયું તે સમયનું વિડીયો રેકોર્ડિંગ, ઉપરોકત બન્‍ને મુદ્દાની તાત્‍કાલીક વિજિલન્‍સ તપાસ સોંપવામાં આવે તેવી માંગણી છે. આ બાબતે દિવસ-૩ માં વિજિલન્‍સ તપાસ સોંપવામાં નહીં આવે તો ન છુટકે અમારે આપની કચેરી સામે ધરણા ઉપર બેસવાની ફરજ પડશે તેમ આવેદનમાં ઉમેરાયું છે.

 

(3:46 pm IST)